પ્રદેશ ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપના ઉપક્રમે કૃષિ સુધાર બિલના સમર્થનમાં પડધરી ખાતે પાંચ જિલ્લાઓનું કૃષિ સંમેલન સંપન્ન
પડધરી ખાતે રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી પાંચ જીલ્લાનો ખેડૂત સંમેલન કાર્યક્રમ રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતો.આ ખેડૂત સંમેલનમા સાંસદો મોહનભાઈ કુંડારિયા તથા પૂનમબેન માડમ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, બ્રિજેશભાઈ મેરજા, કિરીટસિંહ રાણા, જામનગર જીલ્લાના પ્રમુખ રમેશભાઈ મૂંગરા, મોરબી જીલ્લાના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, દેવભૂમિ દ્વારકાના પ્રમુખ ખીમભાઈ જોગલ, સુરેન્દ્રનગર જીલ્લાના પ્રમુખશ્રી જગદીશભાઈ દલવાડી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, પ્રવીણભાઈ માકડિયા, બાવનજીભાઈ મેતલિયા, મુળુભાઈ બેરા, ચીમનભાઈ સાપરિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, સૌરાષ્ટ્ર વિભાગના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, સહકારી અગ્રણી રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડિ.કે.સખીયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, રા.લો.સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા તથા મંડલના મહામંત્રીઓ ઉપસ્થિત રહી કૃષિ બીલ વિષે માહિતી આપી હતી.
આ તકે અધ્યક્ષ ખાચરીયાએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક કૃષિ સુધારાઓ અંગે કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરીને દેશના શાંત વાતાવરણને અસ્થિર કરવાના બદઈરાદા સાથે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી છે તે ખુબ જ દુ:ખદ છે. ગુજરાતના ખેડૂતો આ કાયદા વિષે સારી વાતો જાણતા હોવાથી આંદોલનમા જોડાયા નથી તે ખુબ જ અભિનંદનીય અને પ્રશંસનીય છે.વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતો તેમની કૃષિ પેદાશ ખેત ઉત્પન્ન સમિતિના માર્કેટ યાર્ડ અથવા બહાર ખાનગી વેપારીઓને વહેચી શકે છે. તેટલો જ સુધારો કર્યો છે. ખેડૂતો કે વેપારીઓ પોતાને પરવડે તેને પોતાનો માલ બારોબાર વેંચે છે. ખેડૂતોના માલ ઉપર કોઈપણ ટેક્ષ નહિ લાગુ પડેલ હોવા છતાં વિરોધીઓ તેનો વિરોધ કરે છે.ખેડૂતોની જમીનમા ક્યાં તત્વો ખૂટે છે અને પાક ક્યા અનુકુળ છે. તે માટે ૧૧ કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થકાર્ડ આપવામાં આવેલ છે. ખેતીમા ખર્ચ ઘટે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. ફાર્મિંગ કોન્ટ્રાક્ટ કરવા કે નહિ તે ખેડૂતોએ નક્કી કરવાનું છે. આજે દુનિયાના પ્રવાહોમા બદલાવ આવેલ છે. આજે ઓર્ગેનિક ફૂડની માંગ વધેલ છે. શાકભાજી, ફ્રુટ્સ, અનાજ ખેતરમા થવાના છે.
રાજ્યના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતોના હિત માટે કૃષિ બીલ સુધારા કરેલ છે. ખેડૂતોને ફાયદો થવાનો છે. ખેડૂતોની જમીન લઇ લેવાની કોઈ વાત નથી. આપણે કૃષિબીલની સાચી સમજણ ખેડૂત મિત્રોને આપવાની છે.સાંસદસભ્ય મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક બમણી થાય તે માટે વિવિધ કૃષિ યોજનાઓ અમલમા મુકતા રહે છે.
કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ખાતામા રૂ.૭૨૦૦૦ કરોડની સહાય પ્રતિ વર્ષ તેમના ખાતામા જમા થાય છે. આઝાદીના ૭૦ વર્ષ પછી દેશના બાકી રહેલા ૧૮ હજાર ગામડાઓને બે વર્ષમા વીજળીકરણ કરવામાં આવેલ છે. આભારદર્શન જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન રાજકોટ જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી અને ભાસ્કરભાઈ જશાણીએ કર્યું હતું. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા પડધરી તાલુકા ભાજપ તથા અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડાએ કરી હતી.