ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ,
પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયાએ કૃષિ સુધારા બીલ સંદર્ભે પત્રકાર પરિષદ સંબોધી
આજરોજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયાએ રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા સંસદમાં દેશના કરોડો ખેડૂતોના હિતમાં પસાર કરવામાં આવેલ કૃષિ સુધારાઓના સંદર્ભે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
આ પત્રકાર પરિષદને સંબોધતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, આઝાદી પછી પ્રથમ વખત ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક વધારવા માટે અને તેને બે ગણી કરવાની વાત કરી છે અને ભાજપા સરકાર ખેડૂતો માટે ગુજરાતમાં પણ છેલ્લા પચીસ વર્ષથી અનેક યોજનાઓ સાથે ખેડૂતોની સમૃદ્ધિ માટે કાર્ય કરી રહી છે. પાંચ દાયકાથી વધારે સત્તામાં રહેવા છતાં કોંગ્રેસે ખેડૂતો માટે કયારેય ચિંતા કરી નથી અને હવે જયારે ખેડુતોના હિતમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં જે નિર્ણયો લીધા છે તે બાબતે ખેડૂતોમાં ભ્રમ ફેલાવવાના બદઈરાદા સાથે વિરોધ કરવા નીકળી છે ત્યારે ખેડૂતો કોંગ્રેસના જુઠાણાથી ભ્રમિત ન થાય અને કોંગ્રેસની મેલી મુરાદને ઓળખી શકે તે માટે કેટલીક હકીકતો રજુ કરતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ આવેલ જુઠાણાઓનો પર્દાફાશ કર્યો હતો.
સંસદમાં પસાર કરાયેલા કૃષિ સુધારા બિલમાં ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તેવી એક પણ જોગવાઈ નથી, રાજકીય વિરોધીઓ ફકત અને ફકત રાજકીય રોટલા શેકવા માટે દેશના કરોડો ખેડૂતોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અંગે અપપ્રચાર કરી ભ્રામકતા ફેલાવી રહ્યા છે. દેશ આઝાદ થયો ત્યારથી જ દેશના રાજકારણમાં ખેડૂત શબ્દનો ખૂબ જ ઉપયોગ થયો છે પણ તેમાં એક નરેન્દ્રભાઈ મોદી એવા નેતા છે જેમણે દેશના કરોડો ખેડૂતોની આવક બમણી કરવા અંગે નિવેદન કર્યું અને તેને પરિપૂર્ણ કરવા માટે આજે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ખેડૂતો માટે અનેકવિધ ઐતિહાસિક નિર્ણય તેઓ કરી રહ્યા છે. ૨૦૦૪માં બનાવવામાં આવેલા સ્વામીનાથન આયોગના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા, ૧૦ વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી પણ તેમણે આ અંગે કંઈ ન કર્યું અને આજે દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય ઈચ્છાશકિત દાખવી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ કૃષિ સુધારાઓ થકી એક સૂચક પગલુ ભર્યું છે.વર્તમાન વ્યવસ્થામાં દેશભરના ખેડૂતો પોતાના વિસ્તારની આસપાસની સ્થાનિક એપીએમસીમાં પોતાની પેદાશનું વેચાણ કરે છે. એપીએમસી સુધારા બિલ દ્વારા દેશના કરોડો ખેડૂતો સ્થાનિક એપીએમસી સહિત દેશભરમાં જે કોઈ પણ સ્થળે તેમને વધુ અને યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે. આ કૃષિ સુધારાઓનો મોટો ઉદ્દેશ આપણા અન્નદાતા એવા દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો, તેમની આવક બમણી કરવાનો છે. કૃષિ સુધારા બીલમાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે. તેમાં એક પણ એવી નથી કે જેનાથી ખેડૂતોને નુકસાની વેઠવી પડે. પ્રધાનમંત્રી,ગૃહમંત્રી, કૃષિ મંત્રી તેમજ અન્ય મંત્રીઓએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે એમએસપીથી ખેડૂતોની ઉપજની ખરીદી એપીએમસી વ્યવસ્થા ચાલુ છે. અને આગળ પણ ચાલુ જ રહેશે.
કેન્દ્રની ભાજપા સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારા અંગે રહેલી તમામ શંકાઓને દૂર કરવા તૈયાર છે. આજે ખડુતોને હાથો બનાવીને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો ખેડૂતોને ભ્રમિત કરી નિમ્ન સ્તરનું રજકારણ કરી રહ્યા છે અને ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. તેમ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ધનસુખભાઈ ભંડેરીએ અંતમાં જણાવ્યું હતું.