વિધાનસભાની મતદાર યાદી પરથી તમામ ૧૮ વોર્ડની મતદાર યાદી તૈયાર કરી રાજ્ય ચૂંટણીપંચમાં મોકલી દેવાઈ: ટૂંક સમયમાં પ્રાથમિક પ્રસિદ્ધિ કરાશે
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી ફેબ્રુઆરી કે માર્ચ માસમાં યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૨૦૧૭ ગુજરાત વિધાનસભા ની મતદાર યાદી પરથી કોર્પોરેશનના ૧૮ વોર્ડની મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી શાખાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ગઈકાલે આખી રાત ઉજાગરા કરવામાં આવ્યો હતો અને આજે તમામ વોર્ડની મતદાર યાદી તૈયાર કરી રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ મોકલી દેવામાં આવી છે.ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં મતદારો વાંધા સૂચનો રજૂ કરી શકશે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મહાપાલિકાને વિધાનસભાની બેઠકની મતદાર યાદી પરથી કોર્પોરેશનની ૧૮ વોર્ડની મતદાર યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ અગાઉ ૧૮ વોર્ડ માટે પ્રસિદ્ધ કરવામાં આવી હતી.પ્રાથમિક મતદાર યાદીમાં શહેરમાં ૫.૧૨ લાખ સ્ત્રી મતદાર, ૫.૫૧ લાખ પુરુષ મતદાર અને ૨૨ ત્રીજી જાતિના સહિતના કુલ ૧૦૬૪૫૮૨ મતદારો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે .વોર્ડની બાઉન્ડ્રી કરી છે અને પાંચ ગામોનો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે. ત્યારે વિધાનસભાની મતદાર યાદી પરથી કોર્પોરેશનની મતદારયાદી તૈયાર કરવા માટે ગઈકાલ રાત્રે ૯ વાગ્યાથી ચૂંટણી શાખાના અધિકારી અને કર્મચારી સહિત સાત વ્યક્તિઓ એ સવારે સાત વાગ્યા સુધી ઉજાગરા કર્યા હતા.અને તમામ ૧૮ વોર્ડ ની મતદાર યાદી તૈયાર કરી આજે સવારે ઓનલાઈન ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સામે જો કોઈ વ્યક્તિઓને વાંધો કે સૂચન હોય તે રજુ કરી શકશે ઉમેદવારી ફોર્મ ભરવાના દસ દિવસ અગાઉ મતદાર યાદીમાં મતદાર પોતાનું નામ ઉમેરી શકશે કે કમી કરાવી શકશે. ગત રવિવાર સુધી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો.જેમાં વધઘટની યાદી પૂરવણી તરીકે ઉમેરવામાં આવશે.
શહેરના ૧૮ વોર્ડમાં ૧૦૬૪૫૮૨ મતદારો છે. સૌથી વધુ મતદારો વોર્ડ નંબર ૩માં ૭૬૩૫૧ અને સૌથી ઓછા મતદાર વોર્ડ નંબર ૧૫માં ૪૮૪૯૦ છે. આખરી મતદારયાદીમાં બેથી અઢી હજાર જેટલા મતદારો ઉમેરાય તેવી સંભાવના ચૂંટણી શાખાના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.