મરણના દાખલાઓ આરોગ્ય કેન્દ્ર પરથી મળશે તેવી મ્યુનિસિપલ કમિશનરની જાહેરાતનું સૂરસુરીયું, આરોગ્ય કેન્દ્ર પર લટકતા અલીગઢી તાળા
૨૪ કલાકમાં દાખલા આપવા અંગે કોઇ સત્તાવાર હુકમ કે પરિપત્ર પ્રસિદ્ધ નહીં કરાય તો જોયા જેવી થશે: પૂર્વ વિપક્ષીનેતા વશરામ સાગઠિયાની ચીમકી
રાજકોટ મહાપાલિકામાં વહીવટદાર રાજ આવતાની સાથે જ જાણે શહેરીજનો રાંક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. મરણના દાખલા લેવા માટે લોકોએ રીતસર હડિયાપટ્ટી કરવી પડે છે.મ્યુનિસિપલ કમિશનરની જાહેરાતનું સુરસુરિયું થઇ ગયું છે આરોગ્ય કેન્દ્ર પર તાળા લટકી રહ્યા છે અને અધિકારીઓ જવાબદારી માંથી છટકવા એકબીજાને ખો આપી રહ્યા છે આ અંગે આગામી ૨૪ કલાકમાં કોઈ સત્તાવાર હુકમ કે પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો જોયા જેવી થશે તેવી ચીમકી વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયા એ ઉચ્ચારી છે.વહિવટી શાસન લાગુ થયું તે દિવસ જ મ્યુનિ.કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, મરણના દાખલા માટે લોકોએ પોતાના નજીકના આરોગ્ય કેન્દ્રમાં આવતા આરોગ્ય અધિકારી પાસેથી મેળવવાનો રહેશે. પૂર્વ વિપક્ષીનેતા વશરામ સાગથિયા સહિતના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકરોએ અલગ અલગ આરોગ્ય કેન્દ્રો ખાતે ચેકિંગ કરરાવતા માલુમ પડ્યું કે, વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્ર, વોર્ડ નં.૧૫માં આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર અને વોર્ડ નં.૧૩માં આંબેડકરનગરનું આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કેન્દ્રોએ અલીગઢી તાળા લાગ્યા હતા. કમિશનરની જાહેરાતનું સુરસુરિયું થયું ગયું છે. કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ દ્વારા વોર્ડ નં.૧૪માં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે ચેકિંગ કરતા આ આરોગ્ય કેન્દ્રને અલીગઢી તાળું હતું તેમજ આ સ્થળેથી નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડને સંપર્ક કર્યો ત્યારે ફોનનો રીસીવ થયો હતો. ત્યારબાદ આરોગ્ય અધિકારી વાંઝાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે પૂર્વ કોર્પોરેટરના દાખલા ફાયરબ્રિગેડ ચલાવશે.
તેઓ કમિશ્નરની મીટીંગમાં હાજર હતા જેથી તેઓ પાસે પૂરી માહિતી છે તેઓનો સંપર્ક કરશો તેવો જવાબ આપ્યો હતો. નાયબ મ્યુનિસિપલ કમિશ્નર બી.જી. પ્રજાપતિનો સંપર્ક કરવા જણાવ્યુ હતું.નાયબ કમિશ્નર પ્રજાપતિનો સંપર્ક કરતા જણાવ્યું કે હું તો બહાર હતો મને આ બાબતે કશો ખ્યાલ નથી તેમજ ડો.રાઠોડને કમિશ્નરે સુચના આપી છે તે મુજબ જ દાખલા મેળવવાના રહેશે તેમજ હું આ બાબતે ફોનમા વાત કરીને આપને સ્પષ્ટતા કરું છું. ત્યારબાદ નાયબ કમિશ્નરનો ફરીથી ફોન આવ્યો હતો.
તેઓએ જણાવ્યુ હતું કે પૂર્વ કોર્પોરેટરના મરણનોંધ માટેના દાખલા ફાયરબ્રિગેડમા વેલીડ ગણાશે ત્યારે વિરલ ભટ્ટે સવાલ કર્યો હતો કે આ બાબતનો કોઈ લેખિત હુકમ કે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે કે કેમ ? ત્યારે ડીએમસીએ એવું કહ્યું કે આ બાબતે નાયબ આરોગ્ય અધિકારી ડો.પીપી રાઠોડનો સંપર્ક કરો. તે તમામ માહિતી આપશે.આ જવાબ બાદ રાત્રે તેઓનો સંપર્ક સાધતા એવું જણાવેલ છે કે પૂર્વ કોર્પોરેટરના મરણનોંધ માટેના દાખલા ચલાવી લેવા કમિશ્નરે મૌખિક સુચના આપું છે. ત્યારે આ તમામ સવાલ જવાબો ઉપરથી એવું લાગે છે કે કોંગ્રેસના પત્ર અંગે કોઈ જ ગંભીરતા દાખવી નથી અને પ્રજાની કોઈ જ ચિંતા કરતા નથી કે પ્રજાના હિતમાં આપને કોઈ જ દરકાર નથી એ સ્પષ્ટ થાય છે.
પ્રજાના હિતમાં આગામી ૨૪ કલાકમાં કોઈ હુકમ, પરિપત્ર કે જાહેરનામું બહારમાં નહિ આવે તો જોયા જેવી થશે તેવી ચીમકી પૂર્વ વિપક્ષનેતા વશરામ સાગથિયાએ આપી છે.