છેલ્લા એક માસથી પોલીસની સાથે સંતાકૂકડી રમતા હતા
આગોતરા જામીન મેળવવા જેલરે અદાલતમાં પણ અરજી કરી હતી
સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક શહેરોમાં હવાલા કબાલા કરનાર અને હાલ ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ થયેલા નિખિલ દોંગા ગેંગ માટે ગોંડલની સબજેલ ને “જલસા જેલ” બનાવવાના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા-ફરતા જેલર ડીકે પરમારની ગોંડલ સિટી પોલીસે શહેરમાંથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નિખિલ દોંગા અને તેના ૧૨થી વધુ સાગરીતો ઉપર પોલીસ તંત્રે ગુજસીટોક નો કોરડો વીંઝી ધડાધડ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલ ને નિખિલ દોંગા ગેંગ માટે જલસા જેલ બનાવનાર જેલર ડી કે પરમાર નું નામ ખુલતાં જ તેના પગ તળેની જમીન ખસી જવા પામી હતી અને જેલર ધરપકડની બીકે “નો દો ગ્યારા” થઈ જવા પામ્યા હતા. ઘટનાની તપાસ ચલાવી રહેલ પી આઈ એસ એમ જાડેજા, પીએસઆઇ બીએલ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા સહિતનાઓએ જેલરને પકડી પાડવા કમર કસી હોય ગતરોજ જેલર ગોંડલમાં હોવાની જાણ થતા જ તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી અને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. જેલર ડીકે પરમાર વિરુદ્ધ શાભ કલમ ૪૬૬ ૨૬૯ ૧૮૮ ૧૧૪ તેમજ ૨૦૧ મુજબ ગુનો નોંધાવા પામ્યો હતો જેલર દ્વારા આગોતરા જામીન માટે અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા પરંતુ તેને આગોતરા જામીન મળ્યા ન હતા આખરે જેલર પોલીસની ઝપટે ચડી જતા તેની ધરપકડ થવા પામી છે.
આશરે બે માસ પહેલા ગોંડલની સબજેલ ખાતે ગાંધીનગર અને અમદાવાદની જડતી સ્કોડે દરોડા પાડયા હતા નિખિલ દોંગા સાથે અન્ય બહારના ૮ થી ૧૦ લોકો બગીચાના ગ્રાઉન્ડમાં કુંડાળુ વળી ખાણીપીણીની મોજ માણી રહ્યા નું બહાર આવ્યું હતું અને ત્યારથી જેલર ડી કે પરમાર વિરુદ્ધ કેદીઓને સુવિધા પૂરી પાડવા ના આરોપો લાગવાના શરૂ થયા હતા.અને ’ખાખી વર્દી ’ લજવાય એ પ્રકારે ગેંગસ્ટરો ને સવલતો પુરી પાડી હોય જેલર પરમાર સામે મદદગારી અંગે ગુન્હો દાખલ કરાયો હતો