નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગના સચિવને રૂબરૂ રજૂઆત છતાં પ્રશ્ર્ન નહીં ઉકેલાતા રાજ્યમાં બે હજાર તબીબોએ સરકાર સામે બાંયો ચઢાવી
કોવિડ-નોન કોવિડની કામગીરી બંધ: ઓછા વેતનના પ્રશ્ર્ને બેનરો સાથે સુત્રોચ્ચાર
રાજકોટ સહિત રાજ્યભરની સરકારી અને અર્ધ સરકારી મેડિકલ કોલેજમાં ઇન્ટર્ની તબીબો તરીકે સેવા આપતા અંદાજે બે હજારથી વધુ તબીબો સ્ટાઈપેન્ડની મામુલી રકમ ચુકવવામાં આવતી હોવાથી આજથી અચોક્કસ મુદતના આંદોલન સાથે ધરણાનો પ્રારંભ કર્યો છે. રાજકોટ મેડિકલ કોલેજ સહિત અમદાવાદ , વડોદરા , જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર સહિત ઘણી મેડિકલ કોલેજોમાં ઇન્ટરની તબીબોએ બેનરો સાથે ભેંગા થઈ સુત્રોચ્ચાર કરી સરકાર પાસે માંગણી કરી હતી. હાલ કોવિડ- નોવિડમાં ફરજ બજાવવાનું બંધ કર્યું હતું. રાજકોટ મેડિકલ કોલેજમાં ૧૫૦ જેટલા તબીબોએ ભેગા મળી પેન્ડિંગ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે દેખાવો યોજ્યા હતા. કોરોના સમય કાળમાં કોરોના વોરિયર્સની માફક સિવિલ હોસ્પિટલમાં જીવન જોખમે ફરજ બજાવતા ઇન્ટર્ની તબીબોએ આજરોજ તેમના પેન્ડિગ પ્રશ્ને આંદોલન પર ઉતર્યા છે. રાજ્યની અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત મેડિકલ કોલેજોમાં ૨૦૦૦ હજાર જેટલા ઇન્ટરની તબીબો આજે વહેલી સવારથી જ કોવિડ – નોન કોવિડમાં સેવા બંધ કરી હડતાળ પર ઉતરી ગયા હતા. નર્સીગ સ્ટાફ કરતા ડોકટરોને ઓછું વેતન મળતું હોવાની ,માસિક વેંતન પ્રશ્ને બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટ મેડિકલ કોલેજ ખાતે પણ આજે ૧૫૦ થી વધુ ઇન્ટરની તબીબોએ ભેગા મળી બેનરો સાથે મળી સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, આરોગ્ય તબીબી શિક્ષણના કમિશનર જય પ્રકાશ શિવહરેને લેખિત – મૌખિક રજુઆત છતાં પ્રશ્નોનો ઉકેલ નહિ આવતા ૨૦૦૦ તબીબો લડતના માર્ગે ઉતર્યા હતા.જ્યાં સુધી પ્રશ્નો હલ નહિ થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવું તબીબે જણાવ્યું હતું. લ્લેખનીય છે કે કોરોના સમયમાં ઇન્ટરની તબીબો રાઉન્ડ ધ ક્લોક ઓપીડી આઇસીયું અને કોવિડ હોસ્પિટલના જાનના જોખમે ફરજ બજાવી રહ્યા છે. તેઓને દર મહિને ગુજરાત સરકાર તરફથી માત્ર રૂ. ૧૩૦૦૦ નું માસિક વેતન આપવામાં આવે છે.જે રકમ વધારીને રૂ. ૨૦ હજારની રકમ કરી દેવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.આમ છતાં પ્રશ્નો ઉકેલાયા નથી. રાજકોટ મેડિકલ કોલેજમાં ડો.દિવ્યકાંત, ડો.મિહિર, ડો.નિકુંજ, ડો પ્રદીપ ઉપસ્થિત રહ્યા હતા. કમનસીબની વાત એ પણ છે કે પેરા મેડિકલ સ્ટાફમાં નર્સીગ ની ફરજ બજાવતા કર્મચારીઓને મહિને રૂ. ૧૫૦૦૦ નું વેતન ચુકવવામાં આવે છે. જ્યારે એમ.બી.બી.એસ થયા પછી ઇન્ટરની ડોક્ટરને નર્સીગ સ્ટાફ કરતા પણ ઓછું વેતન મળે છે.
નર્સીગ સ્ટાફ કરતા પણ ડોકટરોનો ઓછો પગાર: ડો.પ્રધ્યુત પંડીત
રાજકોટ મેડીકલ કોલેજના ૧૫૦થી વધુ ઈન્ટર્ની તબીબો આજે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છીએ, વર્તમાન સમયમાં નર્સીગ સ્ટાફ કરતા પણ એમબીબીએસ ડોકટરોને ઓછુ વેતન આપવામાં આવે છે. ગાંધીનગરમાં બેઠેલા આરોગ્ય અધિકારી આંખ આડા કાન કરી અમારી રજૂઆતો સાંભળતા નથી. કોરોના મહામારી વચ્ચે કોરોના ડ્યુટી, નોન કોવિડ ડ્યુટી, ઈમરજન્સી વોર્ડ, ઓપીડી બધે ફરજ બજાવી હોય છતાં સરકાર પ્રોત્સાહન આપતી નથી, અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશું.
રાજ્ય સરકાર નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન કરીશુ: નિકુંજ પટેલ
પીડીયુ મેડીકલ કોલેજના ઈન્ટર્ની તબીબ ડો.નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, અમારી માંગ સ્ટાઈપન્ડ વધારાની છે. ઉપરાંત અમે જે ફરજ બજાવીએ છીએ. તેને પર ડે ઈન્સેન્ટીવ એક હજાર રૂપિયા મળે અને કોવિડ ડ્યુટી પણ કરેલ છે. અમને હાલ ૧૩,૦૦૦ રૂપિયા સ્ટાઈપન્ડ ચૂકવવામાં આવી રહ્યું છે. રજૂઆતને પગલે આજે અમે હડતાલ કરી છે. તેનો સરકાર તરફ શું પ્રત્યુત્તર આવે છે. તેના ઉપર અમે આગળ વિચારીશું કે હડતાલ વધારવી કે કેમ ? જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરીશું.