રાજકોટની ટીમ લીઝ, એલ એન્ડ ટી અને કટારીયા ઓટો મોબાઈલ્સ સહિતને નોટિસ ફટકારાઈ
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ખાનગી કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની રકમ ન ચૂકવવા અંગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રા દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને વલસાડની આઠ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ અંગે વિવિધ સંસ્થાના કર્મચારીઓ તેમજ સંગઠનો દ્વારા ગ્રેચ્યુઇટી ન ચૂકવવા અંગે શ્રમ વિભાગને અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના અનુસંધાને શ્રમ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી, ખરાઈ કરવામાં આવી હતી કે રાજ્યનાં આઠ એકમો દ્વારા ગ્રેચ્યુઇટીની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવ્યો છે અથવા ગ્રેચ્યુઇટીની ચૂકવણી કરવામાં આવી નથી. જેના લીધે આ આઠેય સંસ્થાઓને કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી.
આ સંસ્થાઓ વિરુદ્ધ દંડની જોગવાઈઓ સહિત પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, ૧૯૭૨ની કલમ ૯ અને કલમ ૧૧ હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવશે. આ આઠ સંસ્થાઓમાં ચાર સંસ્થાઓ અમદાવાદની છે, જેમાં પેસ સેન્ટર્સ બિઝનેસ સોલ્યુશન પ્રા. લિ., નિંબ્સ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ., રોઝબેલ બાયોસાયન્સ લિ. અને પરફેક્ટ બોરિંગ પ્રા.લિ.નો સમાવેશ થાય છે. આ સિવાય, ટીમલીઝ- એલ એન્ડ ટી, રાજકોટ; ડી.જી. નાકરાણી જીએમઈઆરએસ હોસ્પિટલ, વડોદરા; એકતા પ્રિન્ટ્સ પ્રા.લિ., સુરત અને ક્રિએટિવ ટેક્સ મિલ્સ પ્રા.લિ., વલસાડને પણ કારણદર્શક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર માસમાં શ્રમ વિભાગ દ્વારા કટારિયા ઓટોમોબાઇલ્સ સહિત કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની ચૂકવણી નહીં કરનારી અમદાવાદ, ગાંધીનગર અને સુરતની કુલ નવ સંસ્થાઓ સામે પણ કારણદર્શક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી.
ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા ગ્રેચ્યુઇટીના નિયમોનું પાલન ન કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન બહાર આવતાં, આ તમામ સંસ્થાઓ સામે પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, ૧૯૭૨ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રાએ ઉમેર્યું હતું