આધારકાર્ડની જેમ ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે
ચૂંટણીપંચે આ મામલે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો
ચૂંટણીકાર્ડને ડિજિટલ ફોર્મેટમાં રૂપાંતરિત કરવાની યોજના ચૂંટણીપંચે નકકર આયોજન ઘડી કાઢ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો મતદારો હવે આધારકાર્ડની જેમ વોટર આઈડી કાર્ડને ડિજિટલ ફોર્મેટમાં પોતાની પાસે રાખી શકશે. જોકે વર્તમાન ફિઝિકલ કાર્ડ પણ વોટર પાસે રહેશે. વર્તમાન ચૂંટણીકાર્ડધારકોને વોટર હેલ્પલાઈન એપના માધ્યમથી કેવાયસી કરાવતા આ સુવિધા મળશે. ચૂંટણીપંચનો ઉદ્દેશ્ય મતદારોને ઈલેક્ટર્સ ફોટો આઈડેન્ટિટી કાર્ડ(ઊઙઈંઈ)ની સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.
કોઈ મતદારનું ફિઝિકલ કાર્ડ જો ખોવાઈ ગયું હશે અને નવા કાર્ડ માટે અરજી કરી હશે અને તેને મંજૂરી મળી ગઇ હશે તો તે ડિજિટલ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. તેના પર બે ક્યુઆર કોડ હશે. આ કોડની માહિતીના આધારે ઈન્ટરનેટથી ડાઉનલોડ કરાયેલા વોટરકાર્ડના માધ્યમથી મતદાર મતદાન કરી શકશે.
ચૂંટણીપંચના નિર્ણય બાદ નવા મતદારો પોતાના વોટરકાર્ડ ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકશે. આ ડિજિટલ કાર્ડની મદદથી તે પોતાના મતાધિકારનો પ્રયોગ પણ કરી શકશે. પંચના નિર્ણય બાદ રેકોર્ડમાં નોંધાયેલા ઓવરસીઝ મતદારો પણ ડિજિટલ વોટરકાર્ડની સુવિધાનો લાભ લઈ શકશે. જોકે હાલ વિદેશમાં રહેતા ભારતીયોને મતદાનની સુવિધા અપાઈ નથી. ચૂંટણીપંચે આ મામલે એક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો છે.