એસ.ઓ.એસ. સ્કૂલના સંચાલક મંડળે આપી શુભેચ્છાઓ : કેબીસીની હોટ સીટ પર બેસી કવિતા રજૂ કરતી રચના અને તેની કવિતાઓની પ્રશંસા કરતા મહાનાયક અમિતાભ બચ્ચન
રાજકોટની દિકરી રચના ત્રિવેદીએ કોન બનેગા કરોડપતિની હોટ સીટ ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચન સામે બેસવાનું સદભાગ્ય પ્રાપ્ત થયાના સમાચારથી રંગીલા રાજકોટવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
માહિતી ખાતાના નિવૃત અધિકારી જગદિશભાઈ ત્રિવેદીની પુત્રી રચના ત્રિવેદીએ કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસી રૂ.૩.૨૦ લાખ જીતી લીધા છે.
કવિતાઓનો જબરો શોખ ધરાવતી રચના કવિ પણ છે. તેઓએ અનેક હિન્દી અંગ્રેજી કવિતાઓ રચી અને કાવ્યગ્રંથ પણ પ્રસિધ્ધ કર્યો છે. કોન બનેગા કરોડપતિના રચનાએ પોતે રચેલી કવિતા અમિતાભને પણ સંભળાવી હતી.
ઉપરાંત અંગ્રેજી ભાષામાં સ્વરચીત કાવ્ય સંગ્રહનું વિમોચન પણ મહાનાયક અમિતાભે કર્યું હતુ.
રાજકોટમાં રહેતા જગદિશભાઈ ત્રિવેદી માહિતી ખાતામાંથી ગત વર્ષે જ નિવૃત થયા છે. તેમને સંતાનમાં એક માત્ર દિકરી રચના જ છે. તેણીએ શાળાકીય શિક્ષણ ગુજરાતી માધ્યમમાં કર્યું છે. ત્યારબાદ બી.એસ.સી.આઈ.ટી.ની. ડીગ્રી યુનિ. ફર્સ્ટ રેન્ક સાથે મેળવી હતી. એમ.બી.એ.ના ઉચ્ચ અભ્યાસમાં પણ તેમણે ગોલ્ડમેડલ મેળવ્યો હતો. કેમ્પસ ઈન્ટરવ્યુમાં જ રચનાની પસંદગી ટી.સી.એસ.માં થઈ હતી હાલમાં તેમને ડેપ્યુટેશન પર જર્મનીનાં મ્યુનિચમાં નિમણુંક આપવામાં આવી છે. જોકે કોરોનાની પરિસ્થિતિના કારણે હાલમાં અહી રહીને જ વર્ક ફોમ હોમ કરી રહી છે. સામાન્ય જ્ઞાન અને સાહિત્યમાં ચિ ધરાવનાર રચના ત્રિવેદીએ કે.બી.સી.માં પ્રવેશનો પ્રયાસ કરતા વિવિધ પસંદગીની પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ કે.બી.સી.માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રમવાનો અવસર પ્રાપ્ત થયો હતો. જેમાં વિજેતા રહ્યા બાદ રચના ત્રિવેદીને મહાનાયક અમિતાભ બચ્ચન સાથે મુંબઈમાં શુટીંગ કર્યું હતુ જે એપિસોડ તા.૭ અને ૮ ડીસેમ્બરે પ્રસારિત થયો જેમાં રચનાની અંગ્રેજીમાં પ્રસિધ્ધ થયેલ કવિતાની બુકના પણ વખાણ કર્યા હતા.
ભારતમાં પ્રવાસન વિકાસની તકો અને વોકલ ફોર લોકલ અંગે રચનાએ પોતાના વિચારો અમિતાભ સામે વ્યકત કર્યા હતા. જેનાથી તેઓ ખૂબજ પ્રભાવિત થયા હતા. રાજકોટની દિકરી અને એસ.ઓ.એસ. સ્કુલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રચનાને સ્કૂલના સંચાલક ડો. કેતન કુમાર ભાલોડીયા ભરતભાઈ પાનેલિયા, વિપુલ પાનેલિયા સહિતના મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓની વર્ષા વરસી રહી છે.