ખેતબિલ પાછું ખેંચવું સરકારના હાથમાં રહ્યું નથી: સરકારનું સાત વેતનું નમન સામે આંદોલનલારીઓનું અકડ વલણ ખતરનાક વળાંક લેશે?
કૃષિ બિલને લઈને ખેડૂતોએ જે આંદોલન કર્યું છે તે હવે ખેડૂતોના હાથમાંથી છૂટી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. આ આંદોલનમાં જાણે દેશદ્રોહીઓ રોટલા શેકવા આવ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ખેત બિલ પાછું ખેંચવું સરકારના હાથમાં ન હોવા છતાં સરકાર સાત વેંત નમી રહી છે. સામે ખેડૂતો પોતાના સ્થાને અકડ રહ્યા છે. પરિણામે આ આંદોલન ખતરનાક વણાંક લે તેવા ભણકારા વાગી રહ્યા છે.
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ સરકારનો સંશોધન પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ સાથે જ કહ્યું કે કાયદા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ મહાપંચાયત કરીને ત્રણ કાયદા રદ કરવા માટે આંદોલન વધુ ઉગ્ર કરવાની પણ જાહેરાત કરી છે. ખેડૂતોએ પ્રસ્તાવ ફગાવી દીધા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને વાણિજ્યમંત્રી પિયુષ ગોયલે બેઠક યોજી હતી. બેઠકમાં ત્રણેય મંત્રીઓએ ખેડૂતોને મનાવવાની રણનીતિ પર મંથન કર્યું. અત્યારે એવું પણ માનવામાં આવે છે કે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સરકાર એકવાર ફરીથી વાતચીત માટે બોલાવી શકે છે.
પ્રસ્તાવ ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ ખેડૂતોએ જાહેર કર્યું છે કે ખેડૂતો ૧૨ ડિસેમ્બરના રોજ દેશભરમાં ટોલ પ્લાઝા ફ્રી કરી દેશે. દિલ્હી-જયપુર હાઈવેને બંધ કરાશે. દેશભરમાં તમામ જિલ્લાની મુખ્ય ઓફિસોમાં ૧૪ ડિસેમ્બરના રોજ ધરણા કરાશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો તેમા સામેલ થશે. જેઓ સામેલ નહીં થાય તેઓ દિલ્હી રવાના થશે. અંબાણી-અદાણીના મોલ, પ્રોડક્ટ અને ટોલનો બોયકોટ કરાશે. જિયોની પ્રોડક્ટનો પણ બોયકોટ કરાશે.જિયોના સિમને પોર્ટ કરાવાશે.ભાજપના નેતાઓનો નેશનલ લેવલે બોયકોટ કરાશે. તેમના બંગલા અને ઓફિસ બહાર પ્રદર્શન કરાશે. બિલ પરત લેવાશે ત્યાં સુધી આંદોલન અટકશે નહીં, તેને વેગવંતુ બનાવાશે. આમ સરકાર તો આ આંદોલનમાં ઝુકતી નજરે આવી છે. પણ ખેડૂતો પોતાના સ્થાને અકડ રહ્યા છે.આ આંદોલન દેશદ્રોહીઓને ફાવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. દેશ દ્રોહીઓ પોતાના રોટલા શેકવા આ આંદોલનને હાથો બનાવી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. હવે આ આંદોલનનું પરિણામ ભયાનક આવે તેવી સંભાવનાઓ છે.
ખાલિસ્તાની ચળવળ પાછી ઉભી થઈ?
કિસાન આંદોલનના નામે ખાલીસ્તાની ચળવળ ફરી ઉભી થઈ રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેનેડા બાદ બ્રીટન સહિતના દેશોમાં કિસાન આંદોલનના સમર્થનના નામે ખાલીસ્તાન સમર્થકોએ વિરોધ પ્રગટ કર્યો હતો. જેમાં ખાલીસ્તાની પરમજીતસિંહ પમ્મા પણ સામેલ હતા. આ વિરોધ પ્રદર્શનમાં ભારત વિરોધી નારા પર લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સંગઠન ઉપર ભારતમાં પ્રતિબંધ છે. પરમજીતસિંહ પમ્મા એનઆઈએનાં મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં છે.