ક્રિકેટના ઈતિહાસમાં ગ્લોબલ સુપર સ્ટાર બનવાના ગુણો હાર્દિક પંડ્યામાં: માઈકલ વોન
ભારતીય ટીમે ઓસ્ટ્રેલીયા વિરુધ્ધની ટી-૨૦ સીરીઝમાં ખુબ મહત્વનું પ્રદર્શન કરી સીરીઝમાં ૨-૦થી લીડ મેળવી સીરીઝ કબજે કરી છે. ત્યારે બન્ને મેચ જીતવામાં યુવા પ્રતિભાશાળી ખેલાડી હાર્દિક પંડ્યાની ભૂમિકા મહત્વપૂર્ણ અને ફિનીશર તરીકેની સામે આવી છે. ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યા ‘હુકમનો એક્કો’ સાબીત થઈ રહ્યો છે. બેટીંગ હોય કે બોલીંગ તમામ તબક્કે હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ સામે આવી રહ્યું છે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કેપ્ટન કુલ તરીકે ઓળખાતા મહેન્દ્રસિંઘ ધોનીને ગ્રેટ હિટર તેમજ ગ્રેટ ફિનીશરની પદવીથી ઓળખવામાં આવે છે. ધોનીએ હરહંમેશ બેટીંગમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. ધોનીના શોટને હેલીકોપ્ટર શોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે બીજીબાજુ હરહંમેશ મેચમાં ધોની એક ગ્રેટ ફીનીશર તરીકે બહાર આવ્યો છે. જ્યારે ટીમને એક જોરદાર બેટીંગની જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે કેપ્ટન કુલ તે જવાબદારી નિપુણતાથી નિભાવી છે. પરંતુ હાલ ધોનીએ સન્યાસ લઈ લેતા તેની ખોટ વર્તશે તેવું સૌનું માનવું હતું. પરંતુ હાલ યુવા ખેલાડી હાર્દિક પંડ્યા બિલકુલ ધોનીની જેમ બહાર આવી રહ્યો છે. હાર્દિક પંડ્યા બેટીંગથી માંડી બોલીંગમાં સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરતો હોવાથી સ્પષ્ટ કહી શકાય કે, ગ્રેટ હિટર અને ગ્રેટ ફિનીશર ધોનીના પેગડામાં પંડ્યાનો પગ પેસારો થઈ ચૂકયો છે.
ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ રમાયેલા છેલ્લા મેચમાં પણ હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સર્વોત્તમ રહ્યું હતું. અંતિમ ઓવરમાં ભારતીય ટીમને જીત માટે ૧૪ રનની જરૂરીયાત હતી. ત્યારે હાર્દિક પંડ્યાએ ફકત ૪ બોલમાં ૨ છગ્ગાની મદદથી ૧૪ રન એકત્ર કરી ટીમ ઈન્ડિયાને જીત હાસલ કરાવી હતી. જેના પરિણામે હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. હાર્દિક પંડ્યાએ છેલ્લી મેચમાં ગ્રેટ હિટરની સાથો સાથ ગ્રેટ ફિનીશરની જવાબદારી પણ બખુબી નિભાવી હતી. હાલ ક્રિકેટરસીઓ હાર્દિક પંડ્યાને મેચ વિનર તરીકે જોઈ રહ્યાં છે.
બીજા ટી-૨૦માં મેન ઓફ ધ મેચ બન્યા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન મે મેંચ પૂર્ણ કરવા ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. કોઈપણ પરિસ્થિતિમાંથી ટીમને કઈ રીતે બહાર લાવી સુખદ અંત લાવવો તે રીતે મેં અનેકવાર વિચાર કર્યો છે. હું હાલ એ જ બાબતોને ધ્યાને રાખી ટ્રેનીંગ કરી રહ્યો છું. મેં ભૂતકાળમાં કરેલી ભૂલોથી હાલ શીખ મેળવીને મારી ગેમને વધુ સારી બનાવવાની પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે પણ હું મેદાનમાં ઉતરું છું ત્યારે એક વિશ્ર્વાસ સાથે ઉતરું છું પરંતુ તે વિશ્ર્વાસ વધુ ઉત્સાહમાં પરિવર્તીત ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હું મારી જાતમાં માનવાવાળો વ્યક્તિ છું.
કહેવાય છે કે, સોનાને જેટલુ વધુ ગરમ કરવામાં આવે તેનો ચળકાટ તેટલો જ વધી જતો હોય છે. તેવી જ રીતે હાર્દિક પંડ્યાનું પ્રદર્શન દરેક મેચ બાદ સુધરતું નજરે પડી રહ્યું છે. જેનો લાભ ટીમ ઈન્ડિયાને મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, વન-ડે સિરીઝમાં પંડ્યા ભારત માટે સૌથી વધુ રન એકત્રીત કરનાર ખેલાડી બન્યો હતો. તેણે ૩ મેચ દરમિયાન ૨૧૦ રનનો સ્કોર ૧૦૫ની એવરેજથી બનાવ્યા હતા. ટી-૨૦ સીરીઝમાં લીડ મેળવી સીરીઝ કબજે કર્યા બાદ ટીમ ઈન્ડિયાના સુકાની કોહલીએ પણ કહ્યું હતું કે, કોઈપણ મેચ જીતવા મેચ ફિનીશરની જરૂર હોય છે અને અમારા માટે હાલ ફિનીશર તરીકે હાર્દિક પંડ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર ચેતન શર્માએ પણ અનુભવ્યું છે કે, હાર્દિક પંડ્યાનું પ્રદર્શન દિન-પ્રતિદિન સારૂ બનતું જાય છે અને તે દબાવમાં પણ કઈ રીતે સારૂ પ્રદર્શન કરવું તે બખુબી જાણે છે.
હાલના તબક્કે ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યા ખુબ જરૂરી ખેલાડી પૈકીનો એક છે. જેનું પ્રદર્શન દિન-પ્રતિદિન વધુ સુદ્રઢ બની રહ્યું છે. ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝાહીર ખાને કહ્યું હતું કે, હાર્દિક અત્યારે એકદમ રીલેકશ છે. તે કોઈપણ સમયે સીકસ મારવાની ક્ષમતા ધરાવે છે અને ખાસ કરીને બોલર ભુલ કરે તેની રાહ જુએ છે. મારું માનવું છું કે તે ફરી બોલીંગ કરશે અને સ્પેલ નાખશે ત્યારે ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની જશે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને હાર્દિકના ભરપુર વખાણ કરતા આગામી ત્રણ વર્ષમાં ભારતમાં ટી-૨૦ અને વર્લ્ડકપ તેમજ આઈપીએલ છે જો હાર્દિક સારૂ રમે તો મહેન્દ્રસિંઘ ધોની અને વિરાટ કોહલી પછી નેકસ્ટ ગ્લોબલ સુપર સ્ટાર બનાવવાની ક્ષમતા ધરાવે છે. મને લાગે છે કે હાર્દિક પાસે બહુ સારી તક છે.
ઓસ્ટ્રેલીયાના કોચ જસ્ટીન લેગરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હાર્દિકની ઈનીંગ અવિશ્ર્વસનીય હતી. અમે જાણીએ છીએ કે તે ખતરનાક છે, આ પહેલા અમે ધોનીને જોઈ ચૂકયા છીએ અને હવે પંડ્યા જોઈ રહ્યાં છે, તે ધોની પણ ભારતનો સર્વશ્રેષ્ઠ ફિનીશર બનવાના ગુણ ધરાવે છે.