ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવા પંચની હિલચાલ, જ્યાં મહાપાલિકા છે ત્યાં જ કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી તંત્ર માટે ચૂંટણીની પ્રક્રિયા યોજવાની કામગીરી કપરી સાબિત થશે: જાન્યુઆરીમાં જાહેરનામું બહાર પડે તેવી શક્યતા

કોરોનાની મહામારી વચ્ચે છ નગરપાલિકાઓની ચુંટણી યોજવી તંત્ર માટે પડકાર સમાન છે. ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવા પંચની હિલચાલ છે. સામે મહાપાલિકાઓમાં જ કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે. માટે ચૂંટણીની પ્રક્રિયા યોજવાની કામગીરી તંત્ર માટે કપરી સાબિત થનાર છે.

રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન બોડીની ટર્મ પૂરી થઈ રહી છે. કોરોનાને કારણે મહામારી સરકારે ત્રણ મહિના ચૂંટણી પાછી ઠેલવાની જાહેરાત કરી હતી. પરંતુ વિધાનસભાની ૮ બેઠકમાં જીત મેળવ્યા બાદ ચૂંટણી વહેલી યોજવા ભાજપ સરકાર અને સંગઠન તૈયારી કરી રહ્યું છે. એટલું જ નહીં, કોરોના વેક્સિનની જાહેરાત પણ થવાની છે, ત્યારે હવે આ છ મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય એવી શક્યતા છે, એ જોતાં જાન્યુઆરીમાં જાહેરનામું, ફેબ્રુઆરીમાં મતદાન અને માર્ચમાં નવા મેયર બને એવી શક્યતા સેવાઇ રહી છે.

મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પસંદગી, હાલની રાજકીય સ્થિતિ, સંભવિત ઉમેદવારોની તાકાત અને વફાદારી સહિતની બાબતો તથા નામો નકકી કરવાની પ્રાથમિક તૈયારી માટે આગામી સપ્તાહથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દૌર શરૂ થવાનો છે. વિરોધ પક્ષ કોંગ્રેસ પણ મહાપાલિકા, જિલ્લા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે તરત જ રાજકીય તૈયારીઓ શરૂ કરશે, એવું પક્ષનાં સૂત્રો કહી રહ્યા છે. હાલ તો બે મહિના બાદ ચૂંટણી આવે અને માર્ચ મહિનામાં નવા શાસકો પદ ગ્રહણ કરે એવી શક્યતા છે.

ચૂંટણીપંચે દરેક જિલ્લા કલેકટર પાસે કોવિડ ગાઇડ લાઇન્સ હેઠળની વ્યવસ્થાઓનો રિપોર્ટ માગ્યો છે. ત્યારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ચૂંટણીની તૈયારીઓ માટે ભાજપ દ્વારા બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. હાલના નવા સંજોગો પ્રમાણે આવતા મહિને, એટલે કે જાન્યુઆરીના અંતમાં ચૂંટણી જાહેરનામું બહાર પડે, ફેબ્રુઆરીના અંતમાં મતદાન થાય અને નવું નાણાકીય વર્ષ શરૂ થાય એ સાથે જ ૬ મહાનગરમાં નવા મેયર બની શકે છે. વર્તમાન શાસકોની ટર્મ ચૂંટણી સુધી લંબાવાશે એવી ચર્ચાઓ વચ્ચે હવે ચૂંટણીનો સંભવિત સમય નકકી થતાં કદાચ તમામ કોર્પોરેશન, પાલિકાઓ અને પંચાયતોમાં બે-બે મહિના માટે વહીવટદાર રહે એવી શક્યતા પણ વધવા લાગી છે છતાં આવતા સપ્તાહે સરકાર અંતિમ નિર્ણય કરશે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં મતદાન વખતે કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી ભીતિ સેવાઇ રહી છે માટે ચૂંટણી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ જોખમી હોવાનું જણાઇ રહ્યું છે.

પંચે સ્થાનિક તંત્ર પાસેથી આયોજનની વિગતો મંગાવી

મહાપાલિકાની ચૂંટણી માટે ચૂંટણીપંચે કલેકટર અને મ્યુનિ. કમિશનર પાસે મતદાન મથકો પર સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝેશન, ફેસ શિલ્ડ, વધુ બૂથની તૈયારી સહિતની વિગતો મગાવી છે. ચાલુ સપ્તાહમાં શરૂ થયેલી આવી વહીવટી તૈયારીઓ પરથી ફેબ્રુઆરીના અંતમાં સામાન્ય ચૂંટણી આવી શકે છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.