કોટડા સાંગાણીની અરડોઇની મહિલાનું સ્વાઇનફલુથી મોત: રાજકોટ હોસ્પિટલમાં ૨૭ દર્દી સ્વાઇનલફલુ પોઝીટીવ
સ્વાઇનફલુની મહામારી અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા તબીબોની ટીમને સાબદી કરાઇ છે. તેમ છતાં સ્વાઇનફલુ સમગ્ર રાજયમાં વધુને વધુ દર્દીઓનો ભોગ લઇ રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગતરાતે વધુ એક મહિલાનું સ્વાઇનફલુના કારણે મોત થયું છે.
કોટડા સાંગાણી તાલુકાના અરડોઇ ગામની મધુબેન નામની ૫૨ વર્ષની મહિલાને સ્વાઇનફલુની બીમારી સબબ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેણીનું ગતમોડી રાતે મોત નીપજ્યું હતું. સ્વાઇનફલુ વોર્ડમાં ૧૮ પુ‚ષ, ૧૨ મહિલા અને બે બાળકોને દાખલ કરાયા છે. જેમાં ૨૭નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
સ્વાઇન ફ્લૂએ રાજ્યમાં ભરડો લીધો છે. ચિંતાજનક રીતે સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે રાજકોટમાં ૨૪ કલાકમાં પાંચ અને બનાસકાંઠામાં એક અને આણંદમાં એક વ્યક્તિનું શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કારણે મોત નિપજ્યું હતું. આ સાથે રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુ આંક ૧૬૧ને પાર પહોંચ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ખાસ કરીને કચ્છ જિલ્લો સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયો છે. સરકાર જે આંકડા જાહેર કરી રહી છે તે અંદાજિત મૃત્યુના આંકડા છે. વાસ્તવિક આંકડો ઘણો વધારે હોવાનું જાણવા મળ્યું છે. સરકાર સ્વાઇન ફ્લૂના દર્દીઓ અને મૃત્યુઆંક છૂપાવવાના ભરપૂર પ્રયાસમાં લાગેલી છે. સ્ટેટ હેલ્થ સેક્રેટરી અને હેલ્થ કમિશનર સહિતના અધિકારીઓ સ્વાઇન ફ્લૂ ગ્રસ્ત મોટા જિલ્લાઓમાં બેઠકો યોજી રહ્યા છે, પણ તેનાથી સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.
હેલ્થ સેક્રેટરી અને કમિશનર બુધવારે અમદાવાદમાં મિટિંગ યોજી હતી અને શુક્રવારે રાજકોટ પહોંચ્યા હતાં. સ્વાઇન ફ્લૂની ગાઈડલાઈનને ફોલો કરવા મિટિંગમાં જિલ્લાના ડોક્ટરોને આદેશ કરાયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મળતા આંકડા પ્રમાણે શુક્રવારે સ્વાઇન ફ્લૂના ૪૬ દર્દીઓ દાખલ હતા જે પૈકી ૪૦નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત વડોદરામાં સૌથી વધારે ૩૩, અમદાવાદ જિલ્લામાં – ૧૦, સુરત જિલ્લામાં – ૮, ગાંધીનગર જિલ્લામાં – ૩, સાબરકાંઠામાં – ૨ અને કચ્છ જિલ્લામાં – ૨ દર્દીઓને સ્વાઇન ફ્લૂ થયો હોવાનું સામે આવ્યું હતું. સ્વાઇન ફ્લૂ વાયરસ મ્યુટેટ થયો હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે. ડોક્ટરો કહે છે કે, અત્યાર સુધી આ વાયરસ ખાસ કરીને શિયાળાની ઋતુમાં ડેવલપ થતો જોવા મળતો હતો, પણ હવે ચોમાચામાં અને ગરમીમાં પણ જોવા મળ્યા હતાં. વ્યક્તિને સામાન્ય શરદીની અસર લાગે તો પણ ડોક્ટર પાસે તપાસ કરી લેવા રાજ્ય સરકાર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.