ઉદય કોવીંદ આગની ચકચારી ઘટના દઝાડી ગઇ
ખાનગી ચેનલ દ્વારા પણ વિડીયો વાયરલ કરાયો હોય તો તેની સામે પગલા લેવાશે!
શહેરના મવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં એક સપ્તાહ પૂર્વે આગની ઘટનામાં ધરપકડ કરાયેલા ડો.પ્રકાશ મોઢા અને તેના પુત્ર સહિત ત્રણ તબીબને તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ધરપકડ કરી પુછપરછ માટે લઈ ગયા હતા. તે અરસામાં નામાંકીત અખબારના ત્રણ પત્રકાર અને એક ફોટોગ્રાફરે ગેરકાયદેસર રીતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ઘુસી જઈ ફોટો અને વીડિયોગ્રાફી કરી પોલીસ મથકમાં ગેરકાયદે ફરજમાં રૂકાવટ કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ખાનગી ચેનલ દ્વારા પણ આવી વીડિયોના ફૂટેજ વાયરલ કરવામાં આવ્યા છે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી આધારભુત સુત્રો દ્વારા કહેવામાં આવ્યું છે.
બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. જિગ્નેશભાઈ મનુભાઈ ગઢવીએ ફરિયાદી બની શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે પીઆઈ જે.વી.ધોળા દ્વારા ચાલતી તપાસ દરમિયાન સ્ટીંગ ઓપરેશન કરી વિડીયો બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા અંગે એક અખબારના સીનીયર ક્રાઈમ રિપોર્ટર પ્રતિપાલસિંહ છોટુભા ગોહિલ, ક્રાઈમ રીપોર્ટર મહેન્દ્રસિંહ સવજુભા જાડેજા, ઈમરાન હોથી અને પ્રેસ ફોટોગ્રાફર પ્રકાશ રમેશભાઈ રાવરાણી સામે ફરિયાદ નોંધાવી છે. પીઆઈ કૃણાલકુમાર ભુકણ દ્વારા આઈપીસી ૧૮૬, ૧૧૪ તથા આઈટી એકટ સન ૨૦૦૦ની ૭૨ (એ), ૮૪ (બી) (સી) તથા જી.પી.એકટ કલમ ૧૨૦ મુજબ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, ગત તા.૧ના રોજ ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદવ શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે તાલુકા પોલીસે અટકાયતમાં લીધેલા ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા અને ડો.કરમટાની સાંજે પીઆઈ જે.વી.ધોળા પુછપરછ કરી રહ્યાં હતા. તે અરસામાં હોમગાર્ડ રહીમભાઈ સંધી સાથે આવેલા એક અખબારના પત્રકાર મહેન્દ્રસિંહ સવજુભા જાડેજા અને સીનીયર રીપોર્ટર પ્રતિપાલસિંહ છોટુભા ગોહિલ સાથે પીએસઓ જિગ્નેશ ગઢવી પાસે આવ્યા હતા. “લોકઅપમાં કેટલા આરોપી છે, હિસાબ આપો કહી મહેન્દ્રસિંહે પીએસઓ સાથે શાબ્દીક ટપાટપી કરી હતી. જે અરસામાં એક વ્યક્તિએ પોતાના ફોનમાં લોકઅપ તેમજ પોલીસ સ્ટેશનનો ફોટોગ્રાફી તેમજ વિડીયો શુટીંગ કરવા લાગ્યો હતો. જે બાબતે પીએસઓ જિગ્નેશભાઈ ગઢવીએ ફોટોગ્રાફી અને વિડીયો શુટીંગ કરવાની ના પાડતા “તમે તમારૂ કામ કરો, અમે અમારુ કામ કરીશું કહી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાનું ચાલુ રાખ્યું હતું. આ ઉપરાંત ડિ-સ્ટાફના રૂમમાં પણ ગેરકાયદેસર પ્રવેશ કરી પોલીસ કોન્સ્ટેબલ હરસુખ આલા તથા હર્ષરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેઓની સંમતી વગર પ્રવેશ “શું કરો છો ?, આરોપીઓ ક્યાં છે ?, આરોપીઓ ક્યાં છે ?, આરોપીના નિવેદનોમાં શું લ્યો છો ?, શું નિવેદન લખાવેલ છે ? કહી પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી.
બનાવ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી.ધોળા તાકીદે ડી-સ્ટાફ રૂમમાં દોડી જઈ કેમેરામેન પ્રકાશ રાવરાણી સહિત ક્રાઈમ રીપોર્ટરને ફોટોગ્રાફી અને વીડિયો શુટીંગની મનાઈ કરી હતી. બાદમાં ગત તા.૨ના રોજ એક દૈનિક ન્યુઝ પેપરમાં અગ્નિકાંડ મામલે ત્રણ તબીબોને પીઆઈ વી.જે.ધોળા લોકઅપમાં વીઆઈપી સગવડ આપતા હોય અને ડી-સ્ટાફ રૂમમાં તબીબોને ઉંઘવા દીધા અંગેના સમાચાર પ્રસિધ્ધ કર્યા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પોલીસને બદનામ કરવા માટે તથા અગ્નિકાંડ મામલે ચાલતી તપાસનો વિડીયો ઉતારી અલગ અલગ પ્લેટફોર્મમાં મુકી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હાલ આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ કૃણાલકુમાર ભુકણે વધુ તપાસ હાથ ધરી છે.