કોરોના મહામારીને પગલે આ વર્ષે ઓનલાઈન સભા: ૭ સ્થળોએ વ્યવસ્થા ગોઠવાઈ
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની એક યાદીમાં જણાવ્યા અનુસાર, બેંકની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા આગામી તા. ૨૦/૧૦/૨૦ ને રવિવારના રોજ સવારે ૧૧:૪૫ કલાકે વિડીયો કોન્ફરન્સ વર્ચ્યુઅલ ઓનલાઇન દ્વારા યોજાશે અને એના માટે અલગ અલગ સ્થળ સાત સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીનું ઓડીટોરીયમ હોલ, ભેસાણ ખાતે માર્કેટિંગ યાર્ડ, વંથલી ખાતે સખર સિંધી પંચાયત હોલ, પોરબંદર ખાતે માલદે રાણા મહેર સમાજ, કેશોદ ખાતે પેથલજીભાઈ ચાવડા આહીર સમાજ, વેરાવળ ખાતે સરસ્વતી વિદ્યાલય તથા ઉનામાં માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ચ્યુઅલ ઓનલાઇન સાધારણ સભા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મંડળીના સભાસદોને નજીકના તાલુકા સ્થળોએ ઉપસ્થિત રહેવા બેંક તરફથી વિનંતી પણ કરવામાં આવી છે.
આ અંગે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં વાર્ષિક સાધારણ સભા યોજાય છે, પરંતુ વૈશ્વિક કોરોનાની મહામારીના કારણે અને બાદમાં અંશત: રાહત આપતા બેંક દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વેબસાઈટની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી રહી છે.
બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, બેંકની વિકાસની વેગવંતી સફરમાં પ્રગતિ વિકાસની વણથંભી આગેકૂચ અંગે જણાવતા આનંદ થાય છે કે, સને ૨૦૧૯ ના વર્ષમાં બેંક દ્વારા સંપૂર્ણ ખોટ ભરપાઈ કરી, બેંક દ્વારા નફો કરવામાં આવેલ છે, અને બેંકની ૯૮ કરોડની ખોટ ભરપાઈ કરી, રૂ. ૬.૭૮ કરોડનો નફો કરેલ છે. ખુશીની વાત તો એ છે કે, સને ૧૯૭૮/૭૯ પછી ૪૧ વર્ષ બાદ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક સભાસદને ડિવિડન્ડ આપવા માટે સક્ષમ બની છે, અને હવેથી સભાસદોને ડિવિડન્ડ પણ મળશે. આ ઉપરાંત બેંકે ટુ.મુ.કે.સી.સી. માં રૂ. ૧૧૫૦ કરોડનું ખેડૂતોને ધિરાણ પણ કર્યું છે. તથા જુનાગઢ સહિત, ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાના છેવાડાના ગામના ખેડૂતો સુધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની સેવાઓ પહોંચી રહી છે.