ધારાસભ્ય ભીખાભાઈ જોષીનો કલેકટરને વેધક સવાલ
જૂનાગઢના ધારાસભ્ય એ સિંહ દર્શન શરૂ કરવા માટે વનવિભાગે શું કાર્યવાહી કરી ? તે અંગેની વિગતો આગામી ફરિયાદ સમિતિમાં આપવા જિલ્લા કલેકટરને એક પત્ર પાઠવી જણાવ્યું છે. સાસણ ની જેમ ગિરનાર સેન્ચ્યુરીમાં લોકો સિંહ દર્શન કરી શકે તે માટે સરકારે ઘણા સમય પહેલા મંજૂરી આપી હતી, અને આ માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણતાને આરે હતી. તે સમય દરમિયાન જ કોઈ નાગરિક દ્વારા જૂનાગઢના ગિરનાર સેન્ચ્યુરી વિસ્તારમાં સિંહ દર્શન શરૂ થાય તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને હાઈ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, જેના કારણે સિંહ દર્શનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
દરમિયાન વનવિભાગ દ્વારા આ બાબતે પોતાનો પક્ષ હાઇકોર્ટમાં રજૂ કરવા શું પગલા લીધા ? તથા વનવિભાગે હાઈકોર્ટમાં વકીલ મારફત કેટલી તારીખ માં હાજરી આપી ? અને શું શું દલીલ કરી ? તેની વિગતો આગામી ફરિયાદ સમિતિની બેઠક આપવા ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જિલ્લા કલેક્ટરને જણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી જૂનાગઢના વિસ્તારમાં સિંહ દર્શન શરૂ થાય તે માટે ખૂબ જ પ્રયત્નશીલ રહ્યા હતા અને સ્થાનિક આગેવાનોની પણ પ્રબળ માંગને લઇને રાજ્ય સરકારે આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવી જૂનાગઢના સેન્ચ્યુરી વિસ્તારમાં સિંહ દર્શન શરૂ થાય તે માટે મંજૂરીની મહોર મારી હતી, પરંતુ કોઈ નાગરિકે આ બાબતે વાંધો ઉઠાવી હાઇકોર્ટમાં આઇપીએલ દાખલ કરતાં જૂનાગઢમાં શરૂ થનાર સિંહ દર્શનની કાર્યવાહી હાલમાં સ્થગિત કરવામાં આવી છે.