ગુજરાતમાં ૨૬.૯૦ લાખ હેકટરમાં રવિ પાકનું વાવેતર
અતિવૃષ્ટિને પગલે જમીન ભેજવાળી રહેતા શિયાળુ પાકના બમ્પર ઉત્પાદનની આશા: સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચણા, ત્યારબાદ ઘઉં, જીરૂ, લસણ, ડુંગળી સહિતના પાકોનું પુષ્કળ વાવેતર
ચાલુ વર્ષે અતિવૃષ્ટિને પગલે ખેડૂતોનો ચોમાસાનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. દર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ડબલથી પણ વધુવરસાદ સમગ્ર ગુજરાતમાં વરસી જતા ખેડુતોને તમામ પાકોમાં રોવાનો વારો આવ્યો છે. ચોમાસુ પાકોમાં સૌરાષ્ટ્રના ખેડુતોએ ખાસ કરીને, મગફળી અને કપાસનું બમ્પર વાવેતર કર્યું હતુ.
પરંતુ અતિશય વરસાદને કારણે આ બંને મુખ્ય પાકોમાં મોટી નુકશાની આવી છે. વધુ પડતા ભેજને કારણે મગફળી બગડી ગઈ તો કપાસમાં પણ વિઘે ખેડુતો અડધો જ ઉતારો લઈ શકયા છે. અતિવૃષ્ટિને પગલે ભૂગર્ભમાં જળ સંગ્રહ થતા ખેડુતો હવે શિયાળુ પાક પુષ્કળ લઈ શકશે તેવી આશાએ સમગ્ર ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં રવિ પાકનું વાવેતર થયું છે.
ચાલુ વર્ષે જમીન ભેજવાળી હોય જેથી દરેક પાકનું બમ્પર ઉત્પાદન થવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચાલુ વર્ષે શિયાળુ પાકોમાં સૌથી વધુ ચણા, ઘઉં, જીરૂ, ધાણા, લસણ, ડુંગળીનુંવાવેતર થવા પામ્યું છે.
ચાલુ વર્ષે અન્ય પાકોની સરખામણીમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. જેનું મુખ્ય કારણ એ છે કે જમીન ભેજવાળી રહેતા ઓછા પાણીએ અને ઓછી મહેનતે આ પાક સારી રીતે લઈ શકાય છે. આ ઉપરાંત જીવાતનાં ઉપદ્રવની પણ કોઈ સમસ્યા રહેતી નથી. જેથી સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લાઓ રાજકોટ,જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, હળવદ, અમરેલી, સહિતના જિલ્લાઓમાં ચણાનું સૌથી વધુ વાવેતર થવા પામ્યું છે.
ગુજરાતમાં ૨૬.૯૦ લાખ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. ગુજરાતનાં તમામ જિલ્લાઓ કરતા બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ હેકટરમાં રવિ પાકની વાવણી થઈ છે. બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જિલ્લો હોવાથી સ્વાભાવિક આ જિલ્લામાં વધુ વાવેતર થયું છે.
દર વર્ષે ગુજરાતમા ઘઉં, જુવાર, મકાઈ, ચણા, રાઈ, શેરડી, જીરૂ, તમાકુ, ધાણા, લસણ, સવા, ઈસબગુલ, વરીયાળી, ડુંગળી, સહિતના પાકોનું વાવેતર થતું હોય છે. ગત વર્ષની સરખામણીમાં ઉપરોકત તમામ પાકોનું વાવેતર બમણું થયું છે. ગત વર્ષે ૯૫૫૩૬૭ હેકટરમાં જયારે આ વર્ષે ૧૭,૨૯,૨૨૯ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે.