ઈ-વ્હીકલ જરૂરી છતાં દિલ્હી દૂર
પર્યાવરણ માટે ઈ-વ્હીકલ ખુબ સુરક્ષીત: પ્રદુષણમાં નહીંવત
રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી પબ્લિક ટ્રાન્સપોટેશનમાં ઈ-વ્હીકલ લોન્ચ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. પરંતુ દર વખતે નાની-મોટી સમસ્યાના કારણે આ પ્રયત્ન નિષ્ફળ રહેતો હોય છે. ગઈકાલે જ રાજકોટ મહાનગરપાલિકાએ માર્ચ મહિના સુધીમાં રાજકોટના રાજમાર્ગો ઉપર ઈ-બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઈ-વ્હીકલ દોડાવવામાં જે પડકારો રહેલા છે તે વિઘ્નરૂપ પહાડ સર્જે છે. જેનાથી પબ્લિક ટ્રાન્સપોટેશનમાં ઈ-વ્હીકલ દોડશે કે કેમ ? તે પ્રશ્ર્ન ઉદ્ભવીત થઈ રહ્યો છે.
સમગ્ર વિશ્ર્વમાં હાલના તબક્કે દોડતા તમામ વાહનો પેટ્રોલ, ડીઝલ અથવા તો સીએનજી ગેસના માધ્યમથી ચાલે છે. સૌને ખ્યાલ છે કે, પેટ્રોલીયમનો જથ્થો હવે મર્યાદિત માત્રામાં જ માનવી પાસે ઉપલબ્ધ છે. ત્યારે પેટ્રોલીયમનોે પર્યાય શોધવો અતિ આવશ્યક છે. હાલ ઈ-વ્હીકલનો કોન્સેપ્ટ સૌ કોઈ અપનાવી રહ્યાં છે. વિશ્ર્વમાં ઠેક-ઠેકાણે અલગ અલગ ઊર્જા સ્ત્રોતના માધ્યમથી વાહનો દોડાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોઈ અમુક અંશે સફળ નિવડે છે તો કોઈ બિલકુલ નિષ્ફળ બનતા હોય છે. હાલ પેટ્રોલીયમનો પર્યાય ઈલેકટ્રીક વાહનો બની શકે છે પરંતુ તેના માટે કપરા ચઢાણ જેવી પરિસ્થિતિ હાલના તબક્કે જોવાઈ રહી છે.
ઈ-વ્હીકલને પબ્લિક ટ્રાન્સપોટેશન માટે વાપરવા ઓટો રીક્ષા, કેબ, બસ સહિતના વાહનોને ઈલેકટ્રીક ઊર્જાના માધ્યમથી દોડાવવા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અમુક અંશે ઈલેકટ્રીક વાહનો દોડતા પણ થયા છે. તેમ છતાં ઈલેકટ્રીક વાહનો લોકોમાં વિશ્ર્વસનીયતા કેળવી શકી નથી. ખાસ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ઈલેકટ્રીક સ્કૂટર (યો બાઈક) આપણે ઘણા સમયથી જોતા આવ્યા છીએ. પરંતુ આ પ્રકારના વાહનો આપણને ખુબ ઓછા પસંદ હોય છે. તેની પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. તે કારણોની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ ઈલેકટ્રીક વાહનોમાં ઉપયોગમાં લેવાતા પાર્ટસ પર લોકોને ભરોષો નથી જેનું એકમાત્ર કારણ છે કે, કંપનીઓ દ્વારા જે પાર્ટસનો ઉપયોગ કરવામાં આવે છે તે સબ સ્ટાન્ડર્ડના હોય છે. જેથી વિશ્ર્વસનીયતા કેળવી શકાતી નથી. હરહંમેશ લોકો ગુણવત્તાને પ્રથમ પસંદગી આપતા હોય છે. તેમાં પણ ખાસ જ્યારે વાત ઓટો મોબાઈલ સેગ્મેન્ટની થતી હોય ત્યારે વાહનની ગુણવત્તાની પ્રથમ ચકાસણી કરવામાં આવતી હોય છે જેમાં ઈલેકટ્રીક વાહનો ઉણા ઉતરતા હોય છે. વાહનોમાં લગાવવામાં આવતા પાર્ટસ સબ સ્ટાન્ડર્ડના હોવાથી કંપનીઓને પણ તેમના વાહન પર ભરોષો હોતો નથી. જેથી કંપનીઓ વાહનમાં ફકત એક જ વર્ષની વોરંટી આપતા હોય છે. જો વાહનોને ખરેખર લોકોના મનપસંદ વાહનોની હરોળમાં લાવવું હોય તો કંપનીઓએ ઉચ્ચ ગુણવતાયુક્ત પાર્ટસથી જ વાહન સજ્જ કરવું પડશે.
હાલ ઓટો મોબાઈલ ક્ષેત્રમાં મોટાભાગના લોકો વાહનોની ખરીદી તેવા સમયે કરે છે જ્યારે સારી ઓફર તેમજ ડાઉન પેમેન્ટ અને લોનમાં સર્વશ્રેષ્ઠ વિકલ્પ મળી રહે. પરંતુ ઈલેકટ્રીક વાહનોની કંપનીઓ લોકોને લોન આપવામાં પણ ક્યાંક પીછેહટ કરતી હોય જેના પરિણામે લોકો વાહનોની ખરીદી કરતા નથી. સૌરાષ્ટ્રની તાસીર એવી છે કે, એક સાથે મોટી રકમ ચૂકવવા કરતા કટકે-કટકે રકમની ચૂકવણીનો વિકલ્પ મળે તો જાણે જલ્સો પડી જતો હોય છે. પરંતુ આ બાબતમાં જ ઈ-વ્હીકલના ઉત્પાદકો ઢીલી નીતિ અપનાવી રહ્યાં છે જે પડકાર તેમને જ નડી રહ્યો છે. સાથો સાથ આ પ્રકારના વાહનોમાં ક્રેડીટને લગતા પ્રશ્ર્નો પણ અવાર-નવાર ઉદ્ભવતા હોય છે.
ઈ-વ્હીકલ ચાર્જીંગથી ચાલતા હોય છે. ગાડીની બેટરીના આયુષ્ય પરથી વાહન કેટલા કિ.મી. સુધી ચાલી શકશે તેનો તાગ મેળવાતો હોય છે. સૌપ્રથમ ઉત્પાદકોએ ઈ-વ્હીકલમાં બેટરીના આયુષ્યને વધુમાં વધુ વિકસાવવાની જરૂર છે. કારણ કે, ટૂંકા કિ.મી.માં જો વાહન ડિસ્ચાર્જ થઈ જાય તો લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત હાલની વ્યસ્તતાના યુગમાં લોકો પાસે વારંવાર ચાર્જીંગ કરવાનો સમય હોતો નથી તેથી આ બાબત પડકારજનક છે. સાથો સાથ પબ્લિક ટ્રાન્સપોટેશનમાં વપરાતા ઈ-બસ સહિતના વાહનો હેવી વ્હીકલ હોય છે જેમાં બેટરીની ખપત પણ વધુ હોય છે. જેના કારણે ચોકકસ અંતરે ચાર્જીંગ પોઈન્ટ ઉભા કરવા પણ જરૂરી છે. ફકત ચાર્જીંગ પોઈન્ટ ઉભા કરવાથી સમસ્યાનો નિવેડો નહીં થાય પરંતુ યોગ્ય જાળવણી તેમજ મેન્ટેનન્સ પણ તેટલું જ મહત્વનું છે. એક સમયે એક ચાર્જીંગ પોઈન્ટ પર બે કે તેથી વધુ વાહનો ચાર્જ થઈ શકે તો હાલાકી સર્જાવાની શકયતા ઓછી છે. પરંતુ આ સીસ્ટમ વિકસાવવી જટીલ પ્રક્રિયા છે.
રાજકોટ મહાનગરપાલિકાએ આગામી માર્ચ માસ સુધીમાં રાજકોટના રાજમાર્ગો પર ઈ-બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઉપરોક્ત તમામ પડકારોને ધ્યાનમાં લેતા ચોકકસ પ્રશ્ર્નો ઉદ્ભવીત થાય છે કે, શું આટલા ટૂંકા સમયગાળામાં સુદ્રઢ ઈન્ફાસ્ટ્રકચર વિકસાવી શકાશે કે કેમ ? જો ચોકકસ વ્યવસ્થા ઉભી કર્યા વિના ઈ-બસોને દોડાવવામાં આવશે તો અંતે હેરાનગતિનો સામનો પ્રજાએ જ કરવો પડશે તેના પરિણામે મનપાનો ઈ-બસ દોડાવવાના સપનાને પડકારરૂપી ગ્રહણ લાગવાની શકયતા પણ પ્રબળ બની છે. જો કે, ઈ-વ્હીકલ ઈકોફ્રેન્ડલી વ્હીકલ તરીકે ઓળખાય છે. પર્યાવરણની સ્વસ્થતા માટે ઓછુ પ્રદુષણ ફેલાવે તેવા વાહનોની હાલના તબક્કે અતિ જરૂરીયાત છે. તેવા સમયમાં ઈ-વ્હીકલ આશિર્વાદરૂપ સાબીત થઈ શકે છે. તેમાં પણ ખાસ જ્યારે પબ્લિક ટ્રાન્સપોટેશનમાં ઈ-વ્હીકલનો સામનો કરવામાં આવે તો પ્રદુષણની માત્રા મહદઅંશે ઘટવાની શકયતા પણ છે. જો સુદ્રઢ વ્યવસ્થા ગોઠવાય તો ઈ-વ્હીકલ શ્રેષ્ઠ વિકલ્પ તરીકે બહાર આવી શકે છે.