અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેની તંગદીલીથી ભારતીય બજાર ઉપર પ્રેશર
ભારત અને ચીન વચ્ચે ડોકલામ સરહદનાં વિવાદ તેમજ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે પણ યુધ્ધના વાદળો ઘેરાઈ રહ્યા હોવાના ભણકારાના પગલે એશિયાઈ બજારોની સાથોસાથક ભારતીય શેર બજારમાં સતત ૪ દિવસથી ગાબડા પડી રહ્યા છે. પરિણામે રોકાણકારોના ‚ા. ૬.૪ લાખ કરોડ ધોવાઈ ગયા છે.
ગઇકાલે શરૂઆતે જ બીએસઇ સેન્સેક્સ ૩૧૬ પોઇન્ટના ઘટાડે ૩૧,૨૧૫ની સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૦૬ પોઇન્ટના ઘટાડે ૩,૭૧૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. સળંગ પાંચમા દિવસે શેરબજારમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. પાંચ દિવસમાં સેન્સેક્સ ૧૧૦૦ પોઇન્ટથી વધુ તૂટ્યો હતો.
મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ ભારે વેચવાલી નોંધાઇ હતી. ટાટા મોટર્સના અપેક્ષા કરતાં નબળાં પરિણામના પગલે ઓટોમોબાઇલ સેક્ટરની મોટા ભાગની કંપનીઓના શેર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ ડીવીઆર સહિત ભેલ, આઈશર મોટર, સિપ્લા, વેદાન્તા, એલએન્ડટી, સન ફાર્મા કંપનીના શેરમાં બે ટકાથી ૩.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જોકે વિપ્રો, બીપીસીએલ, ટેક્ મહિન્દ્રા કંપનીના શેરમાં સાધારણ સુધારાની ચાલ જોવા મળી હતી.
મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરની કંપનીઓ જેવી કે યુનિયન બેન્ક, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ, રિલાયન્સ કેપિટલ, જિંદાલ સ્ટીલ, પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ, જે.કુમાર ઇન્ફ્રા, જયપ્રકાશ એસોસિયેટ્સ, મન્નાપુરમ્ ફાઇનાન્સ કંપનીના શેરમાં ૩થી ૭ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલા કેટલાક સમયથી બજારમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો અને તેથી કરેક્શન સંભવ હતું. ભારત-ચીન વચ્ચે ઊભો થયેલો સરહદનો મુદ્દો તથા વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલા ઘટાડાની ચાલના પગલે રોકાણકારોએ વેચવાલી કરતા બજારમાં ઘટાડો નોંધાયો છે.