૨૦૨૧માં ૩૦ આઈપીઓ હરોળમાં: કલ્યાણ જવેલર્સ, ઈન્ડિગો પેઈન્ટ અને ઝોમેટો સહિતની કંપનીઓ મેદાનમાં ઉતરશે: રૂા.૩૦,૦૦૦ કરોડની તરલતા શેરબજારમાં ઠલવાશે
૨૦૨૦માં કોરોના વાયરના ગ્રહણના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં સાર્વત્રીક મંદી જેવો માહોલ હતો. જો કે હવે કોરોનાથી કળ વળવા લાગી છે. બજારમાં તેજીનો તિખારો જોવા મળ્યો છે. શેરબજાર ૪૫૦૦૦ પોઈન્ટની સપાટી તોડવામાં સફળ રહ્યું છે ત્યારે ફૂલ ગુલાબી બજારમાં નવા આઈપીઓએ ટ્રાફિકજામ કર્યો છે. નવા વર્ષમાં ૩૦ આઈપીઓ બજારમાં ઉતરશે. જેનાથી ૩૦ હજાર કરોડથી વધુની તરલતા બજારમાં આવશે.
ચાલુ વર્ષે આઈપીઓના કારણે બજારમાં રૂા.૨૫,૦૦૦ કરોડ ઠલવાયા હતા. થોડા સમય પુરતું બજારમાં આઈપીઓ જોવા મળ્યા ન હતા. પરંતુ હવે બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૯માં તો માત્ર ૧૬ ઈસ્યુ જ આવ્યા હતા. જેનાથી માત્ર રૂા.૧૨૩૬૨ કરોડ બજારમાં ઠલવાયા હતા. ૨૦૧૮માં સ્થિતિ થોડી સારી હતી તે વર્ષે ૧૪ આઈપીઓ આવ્યા હતા અને તેનાથી રૂા.૨૦૯૫૯ કરોડ બજારમાં વહેતા થયા હતા. વર્ષ ૨૦૨૧માં કલ્યાણ જવેલર્સ, ઈન્ડિગો પેઈન્ટ, સ્ટવ ક્રાફટ, શામહી હોટલ, એપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ, ન્યુરેકા, મીસ બેકટર, ફૂડ અને ઝોમેટો સહિતના આઈપીઓ બજારમાં આવશે. આ ઉપરાંત સરકારી એલઆઈસીનો પબ્લિક ઈસ્યુ પણ જોવા મળશે. ૨૦૨૧માં અત્યાર સુધીના સૌથી વધુ આઈપીઓ રહેશે જે રેકોર્ડબ્રેક છે. મોટાભાગના આઈપીઓ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં જોવા મળશે. જે માર્કેટની તંદુરસ્તી જણાવી રહ્યું છે.
મુળ કેરળનું કલ્યાણ જવેલર્સ રૂા.૧૭૫૦ કરોડના ઈસ્યુ લાવે તેવી શકયતા છે. આ ઉપરાંત ઈન્ડીંગો પેઈન્ટ પણ રૂા.૧૦૦૦ કરોડના ઈસ્યુ માર્કેટમાં લાવશે. નિષ્ણાંતોના મત મુજબ વર્ષ ૨૦૨૧માં શેરબજારમાં વધુ મોમેન્ટમ જોવા મળશે. લીકવીડીટી વધશે.
નોંધનીય છે કે, ચાલુ વર્ષે માર્ચ મહિનામાં વેંચવાલીનું જોર એકદમ તિવ્ર હતું. ખરીદદારી બંધ જેવી જ હતી. આવા સમયે આઈપીઓ પણ ગણ્યા-ગાઠયા આવ્યા હતા. તાજેતરમાં આવેલો બર્ગર કિંગનો આઈપીઓ પાંચ ગણા જેટલો ભરાયો છે. જેનાથી નજીકના ભવિષ્યમાં આવનારા એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૧ના પ્રથમ કવાર્ટરમાં ઈસ્યુ લાવનારી કંપનીઓ તરફ રોકાણકારો વધુ આકર્ષાશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
વર્ષ ૨૦૨૦માં એસબીઆઈ કાર્ડના કારણે રૂા.૧૦,૩૫૫ કરોડ ઠલવાયા હતા. ત્યારબાદ નામાંકીત આઈપીઓનું પ્રમાણ ઓછુ રહ્યું હતું. માત્ર થોડા જ આઈપીઓમાં રોકાણકારોને ફાયદો થયો હતો. એવામાં વર્ષ ૨૦૨૧માં શેરબજારમાં ભાવ લેનારી કંપનીઓ તરફ રોકાણકારોની આશા વધુ છે. ૩૦ આઈપીઓ બજારમાં આવશે એટલે રૂા.૩૦,૦૦૦ કરોડ સરેરાશ માર્કેટમાં ઠલવાશે તેવી અપેક્ષા છે.