ગણતરીની કલાકોમાં પોલીસે દંપતિને મુકત કરાવી અપહરણ કરનારને દબોચી લીધા
કોઠારીયા રોડ પર રહેતા કડીયા યુવાને પટેલ જ્ઞાતિની યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હોય નારાજ થયેલા યુવતીનાં ભાઈ તથા ત્રણ કાકા મળી ચાર વ્યકિતઓએ કાર સાથે ઘસી આવી ઘરે ભોજન લઈ રહેલા દંપતિને મારમારી ઢસડી કારમાં અપહરણ કરી જતા બનાવ અંગે ભકિતનગર પોલીસને જાણ કરાતા બનાવની ગંભીરતા જોઈ હરકતમાં આવેલી પોલીસે કાલાવડ રોડ પરથી કારને ઝડપી લઈ યુવક યુવતીને મૂકત કરાવી યુવતીનાં ભાઈ તથા તેના કાકાની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. અપહરણની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કર્યું હતુ અંતે ગણતરીની કલાકોમાં અપહરણકારોની ચુંગલમાંથી યુવક-યુવતી મૂકત થવા પામ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ પર આવેલી આશાપૂરાનગરમાંરહેતા ઉદય પ્રફુલભાઈ ચોટલીયા તેની પત્નિ નિધિ અને પરિવાર ગત બપોરનાં ઘરે ભોજન લઈ રહ્યા હતા આ વેળા અર્ટીગાકારમાં આવેલા નિધીના ભાઈ હાર્દીક અતુલભાઈ ભાલોડી, કાકા અશ્ર્વીનભાઈ, કિશોરભાઈ તથા પરેશભાઈએ ઘરમાં ઘુસી નિધીને તારી મમ્મીને મજા નથી ઘરે ચાલ તેવું કહી બાવડુ પકડી ઢસડતા ઉદય તથા તેના માતા પિતા વચ્ચે પડતા ઉપરોકત શખ્સોએ મારમારી નીધી તથા ઉદયને બળજબરી પૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતુ ઘટનાના પગલે હેબતાઈ ગયેલા ઉદયનાં માતાપિતા તુરંત ભકિતનગર પોલીસ મથકે દોડી જઈ અપહરણ અંગે ફરિયાદ કરતા ઘટનાની ગંભીરતા લઈ પી.આઈ. જે.ડી. ઝાલા પીએસઆઈ જેબી પટેલની અલગ અલગ બે ટીમ તૈયાર કરી અપહરણકારોને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
દરમિયાન અપહૃત ઉદય તથા નીધીને લઈ તેનો ભાઈ તથા કાકા સહિતનાં શખ્સો મેટોડા પાસે આવેલી તેની વાડીએ પહોચ્યા હતા જયા ઉદયને દોરડાથી બાંધી નિધીને ઘરે પરત ફરવા દબાણ સાથે ધાક ધમકી શરૂ કરી હતી.બીજી બાજુ પોલીસ ટીમ મેટોડા રહેતા નિધીનાં પિતાના ઘરે પહોચી હોય ત્યાંથી હાર્દીક તથા અશ્ર્વીનભાઈ સહિતને ફોન આવતા પોલીસ પીછો કરી રહ્યાની જાણ થતા ઉદય અને નિધીનું અપહરણ કરનારા ઢીલા પડયા હોય બંનેને ઘરે મૂકવા પરત ફરી રહ્યા હતા ત્યારે કાલાવડ રોડ પર પોલીસે આંતરી હાર્દીક તથા અશ્ર્વીન ભાલોડીને દબોચી લઈ ઉદય અને નિધીનો છૂટકારો કરાવ્યો હતો.વકીલાતની પ્રેકટીસ કરતા ઉદયે એક મહિના પહેલા નિધી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે નીધીનાં પરિવારને મંજૂર ન હતા પતિ સાથે રહેતી નીધીને તેના પરિવારે ઘરે પરત ફરવા સમજાવી હતી પણ તેણીએ સ્પષ્ટ ઈન્કાર કર્યો હોય અપહરણ કરાયું હતુ.
ઉદય તથા નીધીનું અપહરણ કરી તેના ભાઈ તથા કાકાઓ દ્વારા કારમાં તમને બંનેને મારી નાખવા છે. તેવી ધમકી પણ અપાઈ હતી.
ઉદયના માતા મીનાબેનની ફરિયાદ લઈ ભકિતનગર પોલીસે હાર્દીક અતુલભાઈ ભાલોડી, કિશોરભાઈ પ્રેમજીભાઈ ભાલોડી, અશ્ર્વીનભાઈ પ્રેમજીભાઈ ભાલોડી તથા પરેશભાઈ રમેશભાઈ ભાલોડી સામે આઈપીસી કલમ ૬૫, ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી નાશી છૂટેલા કિશોરભાઈ ભાલોડી તથા પરેશભાઈ ભાલોડીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.