સમાધાન અને સરહદ ઉપર તંગદીલી બન્ને માર્ગોએ ભારતની સંપૂર્ણ તૈયારી
ડોકલા મુદ્દે ભારત અને ચીન વચ્ચે સરહદ ઉપર તંગદીલી છવાઈ છે જેમાં ચીન દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. ચીનની ધમકીના પગલે ભારતે અ‚ણાચલપ્રદેશ અને સીક્કીમ સરહદે સૈન્ય બળમાં વધારો કર્યો છે બીજી તરફ ડોકલામ મુદ્દે નાથુલામાં સૈન્ય અધિકારીઓની બેઠક પણ મળી હતી. ભારત ચીન તરફ બન્ને ક્ષેત્રોએ પુરતું ધ્યાન રાખી રહ્યું છે. એક તરફ સમાધાન માટેના પ્રયાસો પણ થાય છે તો બીજી તરફ ચીનની કોઈ પણ હરકતનો જડબાતોડ જવાબ આપવા પણ તૈયારી દાખવવામાં આવી રહી છે.
ડોકલામ સરહદે ચીન દ્વારા સતત પ્રવૃતિઓ થઈ રહી છે ત્યારે ભારતના સેનાબળ વધારવાના પગલાને ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું છે કે, ખતરાનું સ્તર વધતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સીક્કીમથી અ‚ણાચલપ્રદેશમાં ચીન સાથેની સંયુકત ૧૪૦૦ કિ.મી. લાંબી સીમા ઉપર સેનાના ૩૩ કોર્પ ઉપરાંત અ‚ણાચલપ્રદેશ અને અસમમાં આવેલા ૩ અને ૪ કોર્પ બેઝને ભારત-ચીન સીમાનું ધ્યાન રાખવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ સુષ્મા સ્વરાજે ભુતાનના વિદેશ મંત્રી દામચો દોરજી સાથે ડોકલામ મુદ્દે વાતચીત કરી હતી. જેમાં ભુતાનના વિદેશ મંત્રીએ ભારત-ચીન વચ્ચે ડોકલામ મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન થાય તેવી આશા વ્યકત કરી હતી. આ અગાઉ ભુતાને ચીનનો દાવો રદ્દ કર્યો હતો જેમાં ડોકલામ ચીનનો હિસ્સો હોવાનું કહેવામાં આવ્યું હતું.
ભુતાનને પોતાના પક્ષે લઈ ભારત ચીન ઉપર દબાણ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે. રાજનીતિક અને કુટનીતિક કામગીરી વડે ડોકલામ મુદ્દે ચીનને પાછી પાની કરવા મજબૂર થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ અવાર-નવાર આપવામાં ધમકી છતાં ભારત મચક આપતું ન હોવાથી ચીન ભુરાયું બન્યું છે અને ડોકલામ મુદ્દે સતત નિવેદનો આપી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સરહદ ઉપર કોઈપણ જાતની પરિસ્થિતિમાં લડી લેવા માટે ભારતે તૈયારી આદરી છે.