જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની મુદ્ત ન લંબાય તો ભાનુબેનના ભાગે માત્ર ૧૮ દિવસ જ ખુરશી
જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોર પાદરિયાને લાંચ કેસમાં વિકાસ કમિશનરે હોદા ઉપરથી દૂર કર્યા બાદ નવા અધ્યક્ષની ચૂંટણીમાં ભાનુબેન તળપદા બિનહરીફ થયા છે. તેઓની વરણીને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે.
લાંચ કેસમાં કિશોર પાદરિયાને કારોબારી ચેરમેનના પદ પરથી પાણીચુ પકડાવ્યા બાદ નવા અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે કારોબારી ખંડની બેઠક બોલાવવામાં આવી હતી. અગાઉ આ માટે ભાનુંબેન તળપદાની સાથે ચંદુભાઈ શીંગાળાનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. પણ ભાનુબેન તળપદા અધ્યક્ષ પદ માટે બિન હરીફ જાહેર થયા હતા. ઉલ્લેખનિય છે કે કારોબારીમાં ભાજપ પક્ષનું પ્રભુત્વ હોય અધ્યક્ષ પદ માટે કોઈ વાદ- વિવાદ સર્જાયા ન હતા. સર્વાનુમતે ભાનુબેન તળપદાને અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. ભાનુબેન તળપદા પડધરીના મોવૈયા ગામના વતની છે. તેઓના પતિ ધીરુભાઈ તળપદા પણ જાહેર જીવનના અગ્રણી છે. તેઓ પડધરી તાલુકાના રાજકારણ ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની મુદત ૨૧ ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે. જો સરકાર મુદત ન લંબાવે તો નવા કારોબારી અધ્યક્ષ માત્ર ૧૮ દિવસ જ પદ ઉપર રહી શકશે.