ઝારખંડ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨માં ઔદ્યોગિક એકમોને વીજ રાહત આપવાનું વચન હજુ સુધી ન પાળતા વડી અદાલતની ટકોર
સરકારી યોજનાના અમલીકરણના જાહેરનામાને લઈને દેશની વડી અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. જે મુજબ સરકારી યોજનાના અમલીકરણ પહેલા તેનું જાહેરનામુ બહાર ન પાડવામાં આવે તો તે કલમ ૧૪નું ઉલ્લંઘન હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત કોર્ટે એમ પણ નોંધ્યું છે કે, રાજકીય ઉદ્દેશ પુરા થયા બાદ નીતિગત નિર્ણયોની ઘોષણાનો ઉલાળીયો થવો જોઈએ નહીં. સરકારે સમય મર્યાદાના અંદર નોટિફિકેશન બહાર પાડવું જોઈએ.
ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ અને ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રાની ખંડપીઠે સરકારની નીતિગત નિર્ણયો બાબતના જાહેરનામાને લઈ મહત્વનો ચુકાદો આપ્યો હતો. સરકાર દ્વારા જાહેર કરાયેલા નીતિગત નિર્ણયો નાગરિકો અને ઉદ્યોગો માટે ગૌરવપૂર્ણ વચનો છે. આ વચનો પૂરા થાય તેવી અપેક્ષા પણ હોય છે. વચનો પુરા કરવાની જવાબદારી તંત્રની છે. આ ચુકાદો વર્ષ ૨૦૧૨માં ઔદ્યોગીક યુનિટનો વીજ ટેરીફ આપવાના ઝારખંડ સરકારના નિર્ણયમાં અમલીકરણને લઈને આવ્યો છે. ઝારખંડ સરકારે ટેરીફ બાબતે આપેલું વચન હજુ પૂરું કર્યું નથી.
ન્યાયાધીશ ચંદ્રચુડે ચુકાદો લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રતિનિધિઓએ આપેલુ વચન પૂરું કરવું જોઈએ. જ્યારે તંત્ર કોઈ કારણ આપ્યા વગર વચન પાળવામાં નિષ્ફળ જાય છે. ત્યારે તે નાગરિકોનો વિશ્ર્વાસ ગુમાવે છે. ખંડપીઠે ઉમેર્યું હતું કે, લોકશાહીમાં રાહત આપવાની માનસીકતા હોય છે. પરંતુ તેવી જાહેરાતોનું સમયસર પાલન ન થાય તો તે કલમ ૧૪નો ભંગ છે.
કેન્દ્ર કે રાજ્ય સરકાર યોજનાઓ બહાર પાડે તે પહેલા તેમણે નિયત સમય મર્યાદામાં તેનું જાહેરનામુ બહાર પાડવું એટલું જ જરૂરી છે કે જેટલી યોજનાની અમલવારી. સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨થી અધ્ધરતાલ થયેલી ટેરીફની યોજનાને લઈ સવાલો ઉભા કર્યા છે અને રાજ્ય સરકારને ટકોર કરતાં જણાવ્યું છે કે, સરકારે કોઈ પણ યોજના હોય, તેનું સમયાંતરે જાહેરનામુ બહાર પાડવું આવશ્યક છે એ પછી જ અમલવારી ચોક્કસપણે થઈ શકે. જો રાજ્ય સરકાર આમ કરવામાં નિષ્ફળ જાય તો તે નાગરિકોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. બંધારણની કલમ-૧૪નું સરેઆમ ઉલ્લંઘન છે.