વિશ્ર્વ એઇડ્સ દિવસ: વૈશ્ર્વિક ભાગીદારી, સહિયારી જવાબદારી
WHOના અહેવાલ મુજબ દુનિયામાં ૩ કરોડ ૮૦ લાખથી વધુ લોકો HIV સાથે જીવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે અંદાજીત નવા HIVના સંક્રમણની સંખ્યા ૧૭ લાખ, ભારતમાં ૬૯.૨૨ હજાર અને ગુજરાતમાં ૩.૩૭ હજાર છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (નાકો), આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ઇન્ડિયન કોઉન્સિલ ઑફ મેડિકલ રેસર્ચ દ્વારા ૨૦૧૯માં કરવામાં આવેલા અનુમાન પ્રમાણે ભારતમાં આશરે ૨૩.૪૯ લાખ લોકો HIV સાથે જીવી રહ્યા છે. આ અનુમાન મુજબ ભારતમાં પુખ્ત વયની વ્યક્તિઓમાં HIVનું પ્રમાણ વર્ષ ૨૦૧૯માં ૦.૨૨% છે, જે ગુજરાતમાં ૦.૨૦% છે. એ જ પ્રમાણે ગુજરાતમાં સગર્ભા માતાઓમાં HIVનું પ્રમાણ વર્ષ ૨૦૧૯માં વર્ષ ૨૦૧૭ની તુલનામાં ઘટ્યું છે જે વર્ષ ૨૦૧૭ માં ૦.૪૪% હતું જે ઘટીને ૦.૩૯% થયું છે. એ જ રીતે નવા HIVના ચેપનું પ્રમાણ પણ ઘટ્યું છે.
ગુજરાતમાં HIVના ટેસ્ટને લગતી સુવિધાઓ દરેક સ્વાસ્થ્ય કેન્દ્ર પર ઉપલબ્ધ છે. ગુજરાત માં HIV સાથે જીવતા ૭૦,૮૮૯ લોકોને જરૂરી સારવાર અને ART દવાઓ ૩૪ ART સેન્ટરો અને ૬૬ લીંક ART સેન્ટરો દ્વારા પૂરી પાડવામાં આવે છે. જાતિય રોગ પ્રસાર નિયંત્રણ કાર્યક્રમ નતર્ગત હાલમાં રાજ્યમાં કુલ ૧૫૪ STD ક્લિનિક્સ (૬૬ સરકારી STD ક્લિનિક્સ અને ૮૮ બિનસરકારી સંસ્થાઓ) કાર્યરત છે.
૨૦૨૦નું વર્ષ માતામાંથી બાળકમાં થતાં HIVના ચેપને અટકાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે. આ કાર્યક્રમ અંતર્ગત HIV ધરાવતી માતાને સગર્ભાવસ્થાથી લઈને બાળક ૧૮ મહિનાનું થાય ત્યાં સુધી ખાસ સંભાળ લેવામાં આવે છે તથા બાળકની નિશ્ચિત સમયના અંતરે HIVની તપાસ કરવામાં આવે છે. આ દરમ્યાન જો બાળકને HIV હોવાનું જણાય તો તેની તરત જ સારવાર શરૂ કરવામાં આવે છે.
ચાલુ વર્ષે કોરોનાની મહામારીના મુશ્કેલીભર્યા સમયમાં પણ ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી, ગુજરાત સરકાર દ્વારા સેવાભાવી સંસ્થાઓ, અન્ય સરકારી વિભાગો જેમ કે ટીબી વિભાગ, બ્લડ બેન્ક સાથે મળીને HIVની નિયમિત તપાસ થાય તથા HIV ધરાવતા લોકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ART દવાઓ મળી રહે, તેની નિયમિતતા જળવાય અને અન્ય લાભો મળી રહે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
કોવીડ-૧૯ના ચેપને વધુ પ્રસરતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલ દેશવ્યાપી લોકડાઉન દરમયાન HIV ધરાવતી વ્યક્તિને તપાસ માટે ART સેન્ટરની મુલાકાત લેવા માટેની મંજૂરી આપવા માટે ગૃહ વિભાગ સાથે મળીને વિશેષ છૂટછાટ આપવામાં આવી હતી. લોકડાઉનને કારણે દેહ વિક્રયનો વ્યાપાર કરતી બહેનો, સજાતીય સંબંધ ધરાવતા પુરુષો, ઇન્જેક્શનથી નશો કરનારા તેમજ માઈગ્રન્ટ અને ટ્રકર કોમ્યુનીટીને પોતાનું અર્થોપાર્જન દૈનિક ધોરણે ચાલુ રાખવામાં અનેક અડચણો અને પડકારોનો સામનો કરવો પડ્યો, આવા કપરા સમયે તેઓ સ્વમાનભીર પોતાનું ભરણપોષણ કરી શકે તેમજ તેમને અને તેમના સ્વજનોને કોવીડ-૧૯ના ચેપ થી બચાવી શકે તે માટે, સામાજિક સ્વૈચ્છિક સંગઠનોની મદદ લેવા માટે એડીશનલ પ્રોજેક્ટ ડીરેક્ટર, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. આને અનુલક્ષીને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી સાથે જોડાયેલી તેમજ અન્ય અનેક સ્વૈચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કોમ્યુનીટી સાથે જોડાયેલા અનેક લોકોને આ પહેલનાં કારણે જરૂરી ડ્રાય રેશન કીટ, તૈયાર ફૂડ પેકેટ, માસ્ક, સેનીટાઈઝર, સાબુ/લિક્વિડ સાબુ વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
HIVના ચેપ વિષે લોકોમાં જાગૃતિ વધે, HIVના ચેપને ફેલાવતો અટકાવી શકાય, HIV ધરાવતી વયક્તિની સમયસર તપાસ થઈ તેને પૂરતી સારવાર મળી રહે તેના માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ માટે ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીની આગેવાની હેઠળ વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અસ્તિત્વમાં છે જેમ કે સરકારી દવાખાનાઓમાં HIVની મફત તપાસ અને સારવાર, HIV ધરાવતા વ્યક્તિઓને સામાજિક અને તબીબી સહાય, ART અને તકવાદી ચેપોની સારવાર માટે મુસાફરી ખર્ચ સહાય યોજના, પાલક માતા-પિતા યોજના અને શિષ્યવૃત્તિ યોજના. આ યોજનાઓ દ્વારા HIV ધરાવતી વ્યક્તિ પણ અન્ય સામાન્ય નાગરિકની જેમ ગુણવત્તાસભરનું જીવન જીવી શકે અને સમાજની પ્રગતિમાં પોતાનો ફાળો આપી શકે એ માટેની કામગીરી કરવામાં આવે છે. વધુ જોખમ ધરાવતા જૂથો (દેહ વિક્રયના વ્યવસાય સાથે સંકળાયેલ બહેનો, સજાતીય સંબંધ ધરાવતા પુરુષો, ઇન્જેક્શનથી નશો કરનાર લોકો) તથા જોખમની સંભાવના ધરાવતા લોકો (સ્થળાંતરીત શ્રમિકો અને ટ્રકર્સ) લોકો માટે રાજ્યમાં ૮૮ લક્ષિત દરમ્યાનગીરી પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે, જેમાં જોખમી જાતિય વર્તણૂક ધરાવતી વ્યક્તિઓના જોખમી વર્તણૂકની તરાહમાં ફેરફાર કરી તેઓને જરૂરી સેવાઓ (કાઉંસેલીંગ, કોન્ડોમ વિતરણ, વર્તન પરિવર્તનનુ સાહિત્ય વગેરે) ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આજના યુવાઓમાં HIV અઈંઉજ પ્રત્યે જાગરૂકતા વધે અને આ રોગ સાથે સંળાયેલી ખોટી માન્યતાઓ દૂર થાય એ માટે નાકો દ્વારા યુનિસેફના સહયોગથી NACO HIV AIDS નામની મોબાઈલ ઍપ્લિકેશન બનાવવામાં આવી છે. આ ઍપ્લિકેશન ગુજરાતી સહિત ભારતની ૧૧ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને નજીકના HIV તથા અન્ય જાતીય રોગોની તપાસ અને સારવારના કેન્દ્રોની માહિતી મેળવી શકાય છે. આવનારા દિવસોમાં પણ HIVને લગતી ગુણવત્તાપૂર્વકની સેવાઓ અવિરતપણે મળતી રહે અને HIV સાથે જીવતી વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો સામાજીક ભેદભાવ ન થાય એ માટેની કામગીરી માટેના સુદ્રઢ પ્રયત્નો ચાલુ જ રહેશે.