પાંચ દર્દીનાં મોત મામલે ત્રણેય તબીબોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે ધરપકડ કરી
રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીના મોત પ્રકરણમાં ગંભીર બેદરકારી દાખવનાર હોસ્પિટલના પાંચ સંચાલકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસ ડો.પ્રકાશ મોઢા સહિત ત્રણ ડોક્ટરને આજે કોર્ટમાં રજૂ કરશે.રાજકોરમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે પોલીસે અટકાયતમાં લીધેલા ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટાના કોરોના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ત્રણેય ડોકટર્સની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત ગુરૂવારે રાત્રે ઉદય કોવિડ હોસ્પિટલમાં લાગેલી ભયાનક આગની ઘટનામાં રાજકોટ પોલીસે ગોકુલ કોવિડ હોસ્પિટલના સંચાલક ડો. પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડો.તેજસ કરમટા, ડો. તેજસ મોતી વારસ અને ડો. દિગ્વિજય સિંહ જાડેજા સામે કલમ ૩૦૪એ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયા બાદ તબીબોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
ત્રણેય ડોક્ટરના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
આ આગ મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષપદે એક તપાસ પંચની નિમણુક કરી છે. આ પહેલાં મુખ્યમંત્રી રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે જસ્ટીસ કે.એ. પૂંજના અધ્યક્ષસ્થાને તપાસ પંચ નિમવાની જાહેરાત કરી હતી. જોકે જસ્ટીસ કે.એ. પૂંજ અન્ય ન્યાયીક તપાસમાં વ્યસ્ત હોવાથી તેમના સ્થાને જસ્ટીસ ડી.એ. મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસપંચની રચના થઈ.
આ તપાસ પંચ આગામી ત્રણ માસમાં રાજય સરકારને પોતાનો રીપોર્ટ સબમિટ કરશે.