માલ સામાનની ગેરરીતિ મુદે પોલીસ ફરિયાદની સંભાવના; ભાજપના આગેવાનની સંડોવણી
જસદણ નગરપાલીકામાં ભુતકાળમાં માલસામાનની ખરીદી અને ચૂકવણીમાં થયેલ ભયંકર ગેરરીતિ અંગે પાલીકાના પૂર્વ અધિકારી, પદાધિકારી અને કર્મચારીઓને ચૂકવવા માટે આદેશ થતા આ અંગે પોલીસ ફરિયાદ થવાની સંભાવના પાલીકા સુત્રોએ વ્યકત કરી છે. પાલિકામાં બનતા મકાનો, શોપીગ સેન્ટરોમાં ચીફ ઓફીસરની સહીવાળા બનાવટી પ્રમાણપત્રો બનાવી આપી હયાતીના સર્ટીફીકેટ આપી બિલ્ડરો પાસે લાખો રૂપીયા લઈ ઓકેની મંજૂરી આપી દીધી છે. એવા સમાચારની હજુ શાહી સુકાય નથી ત્યાં જસદણ શહેર તાલુકા ભાજપના યુવા આગેવાન મધુભાઈ જીવરાજભાઈ છાયાણીની છાયાણી સેલ્સ કોર્પોરેશનએ પાણી પૂરવઠા વિભાગને ઓછો માલ સપ્લાય કરેલ અને એમની સાથે સંડોવાયેલા પાલિકા ઈજનેર એસ.બી. રાવલ રોજમદાર પાણી પૂરવઠા બોર્ડ સુપરવાઈઝર એ.બી. ભંડેરી ડે. એકાઉન્ટન્ટ કે એન તાવીયા તત્કાલીન ચીફ ઓફીસર બી.સી. ગોસ્વામી, તત્કાલીન પ્રમુખ બી.એલ. છાયાણી અને છાયાણી સેલ્સ કોર્પોરેશનના ભાજપના આગેવાન મધુભાઈ જીવરાજભાઈ છાયાણીને રૂપીયા ૧૧.૫૦ લાખ ચૂકવવા આદેશ થયો છે. જેને લઈ સ્થાનિક રાજકારણમાં જુદા જુદા પ્રતિભાવો વ્યકત થઈ રહ્યા છે.જસદણ નગરપાલીકાના વર્તમાન કારોબારી ચેરમેન કાજલબેન પ્રવિણભાઈ ધોડકીયાએ જણાવ્યું હતુ કે ભૂતકાળમાં જસદણ નગરપાલીકામાં શૌચાલય મકાન, શોપીંગ સેન્ટરોની મંજૂરીમાં કરોડો રૂપીયાના ગફલા થયા છે. પ્રજાના પરસેવાની કરોડો રૂપીયાની કમાણી હડપનારાઓને જેલયાત્રા સાથે એમણે કરેલા કૌભાંડ ગેરરીતિ ભ્રષ્ટાચારની એક એક પાયની રકમ પાલીકાની તેજુરીમાં જવી જોઈએ.