મહાદેવે ત્રિપુરાસુરનો નાશ કર્યો, દેવતાઓએ દેવ દિવાળી મનાવી
આજે ચંદ્ર દેવ ક્ષયરોગ મુક્ત થયા હતા
મહાભારતના અને પુરાણોના ઉલ્લેખ પ્રમાણે કાર્તિકીપૂર્ણિમાએ ભગવાન શિવએ ત્રિપુર નામના અસુરોનો નાશ કરી લોહ, રૌપ્ય અને સુવર્ણના નગરોનો બાળીને તે દિવસે અસુરના કષ્ટમાંથી લોકોને મુક્ત કરાવ્યો હતો. જેથી આ દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વનો માનવામાં આવે છે.
ચંદ્રને પોતાના સ્વસુર દક્ષ પ્રજાપતિએ આપેલ શ્રાપ બાદ, મુક્તિ મેળવવા બ્રહ્માજીએ પ્રભાસ ક્ષેત્રના રત્નાકર તટે ચંદ્રને શિવ આરાધના કરવા જણાવેલ. પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્રમાએ ૧૦ કરોડથી વધુ મહામૃત્યુંજય જાપના ફળ સ્વરૂપે ભગવાન શિવજી પ્રસન્ન થયેલા અને તેમના ફળસ્વરૂપે ચંદ્રને તેની કળાઓ પુન: પ્રાપ્ત થઈ. ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થઈ શિવ સ્વયં ચંદ્ર એટલે સોમના નાથ એમ સોમનાથ સ્વરૂપ પ્રભાસમાં બિરાજમાન થયા.
ધાર્મિક પરંપરા જળવાઈ રહે તેા શુભઆશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ પારંપરીક મેળાનું આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે કોરોના વૈશ્ર્વિક મહામારીને લઈ બંધ રાખવામાં આવ્યો છે.
સોમનાથ તીર્થધામમાં કાતિર્કી પૂર્ણિમાનું અનેરૂ મહત્વ સમાયેલ છે, સોમનાથના મહામેરૂપ્રાસાદના શિખર ઉપર પૂર્ણિમાની મધ્યરાત્રીએ ચંદ્ર એવી સ્થિતિ થાય છે કે, જાણે સ્વયં ભગવાન સોમેશ્ર્વરે ચંદ્રને મુગટ સ્વરૂપે ધારણ કરેલ હોય. મધ્યરાત્રીએ ભગવાન સોમનાથજીની મહાપૂજા-મહાઆરતી થાય છે. ભાવિકો કાર્તિકી પૂર્ણિમાએ સોમનાથ મહાદેવના મધ્યરાત્રીએ દર્શન, આરતી, ખગોળીય સંયોગની ઝાંખી દ્વારા શિવકૃપા પ્રાપ્ત થાય તેવા શુભાશય સાથે તમામ કાર્યક્રમો ટ્રસ્ટની વેબસાઈટ તથા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ કરવામાં આવ્યા છે.