પ્રાણવાયુ સીવાય કોનો ભરોસો ?
આરોગ્ય મંત્રાલયે પ્રાણવાયુના ઉત્પાદકોને ૫૦ ટકા જથ્થો મેડિકલ ક્ષેત્ર માટે અનામત રાખવા આપ્યો આદેશ
સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર છેલ્લા લાંબા સમયથી ફફડાટ ફેલાવી રહ્યો છે. ભારતમાં હાલ સુધી ૯૪,૩૨,૦૭૫ કેસ નોંધાઈ ચૂકયા છે. જ્યારે ૧,૩૭,૦૦૦થી પણ વધુ મોત થયા છે. એક તબક્કે કોરોના સંક્રમણ ઉપર મહદઅંશે કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ફરીવાર કોરોનાએ માથુ ઉંચક્યું હોય તેવી રીતે સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની બીજી ઈનીંગમાં લોકડાઉન કોઈ કાળે પોસાય તેમ ન હોય, રાત્રી કર્ફ્યુ અમલી બનાવી સંક્રમણને અટકાવવા પ્રયત્ન કરાઈ રહ્યાં છે. કોરોનાની બીજી ઈનીંગની શરૂઆત દેશના પાટનગર દિલ્હીથી થઈ હતી. એકાએક દિલ્હીમાં ઉછાળો નોંધાયો હતો. જે બાદ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ફરીવાર વધતું નજરે પડી રહ્યું છે. એક તરફ કોરોનાનો ખૌફ વ્યાપ્યો છે અને બીજીબાજુ વેકસીનની ખેંચતાણ પણ ઉભી થઈ છે. કોરોનાની રસી માટે રસ્સાખેંચ જામી હોય તે પ્રકારે મોટી-મોટી મલ્ટીનેશનલ કંપનીઓ સચોટ રસીના નિર્માણનો દાવો કરી રહી છે. પરંતુ દાવાઓ વચ્ચે કઈ રસી સૌથી સચોટ છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ નિર્ણય લઈ શકાયો નથી. આ તમામ બાબતો પરથી પ્રજા તો મુંઝવણમાં મુકાઈ છે સાથો સાથ તંત્ર અને સરકાર પણ ભારે મુંઝવણનો સામનો કરી રહી છે.
વેકસીનની સાથે હવે વેન્ટિલેન્ટર અંગે પણ ખેંચતાણો થઈ રહી છે. વેન્ટિલેન્ટરના વધતા ભાવ અને તળીયે ગયેલી વિશ્વાસનીયતા સરકારને ચિંતામાં મુકી રહી છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. પ્રાથમિક તબક્કે વેન્ટિલેન્ટરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું તારણ સામે આવી રહ્યું છે. ત્યારે વેન્ટિલેન્ટરની વિશ્વાસનીયતા ખરેખર કેટલી તે અંગે સવાલો ઉદ્ભવીત થઈ રહ્યાં છે.
કોરોનાની હાલ કોઈ ચોક્કસ દવા નથી, લોકોએ રોગપ્રતિકારક શક્તિ વિકસાવી કોરોનાથી બચવાનું છે. કોરોના સંક્રમિત દર્દીઓના પ્રાણ બચાવવા માટે પ્રાણવાયુનો સૌથી મહત્વનો ફાળો છે. કોરોનાની પ્રથમ ઈનીંગમાં દેશની મોટી-મોટી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતનાં સમાચાર પ્રાપ્ત થયા હતા. ઓક્સિજનના અભાવે અનેક દર્દીઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું હતું. કોરોનાની બીજી ઈનીંગમાં ઓક્સિજનની અછત ન વર્તાય તે અંગે સરકાર પાણી પહેલા પાળ બાંધી રહી છે. રાજ્યની આરોગ્ય મંત્રાલયે એક પરિપત્ર જાહેર કરીને ઓક્સિજનના ઉત્પાદકોને ૫૦ ટકા જથ્થો મેડિકલ ક્ષેત્ર માટે અનામત રાખવા આદેશ કર્યો છે. સરકારે પરિપત્રમાં નોંધ્યું છે કે, કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓક્સિજન ખુબ મહત્વપૂર્ણ છે. કોઈપણ દર્દીને અચાનક શ્ર્વાસ લેવાની તકલીફ પડી શકે છે અને ત્યારે ફક્ત પ્રાણવાયુ જ દર્દીના પ્રાણ બચાવી શકે તેમ છે. જેથી ઉત્પાદકો ૫૦ ટકા જથ્થો મેડિકલ ક્ષેત્ર માટે અનામત રાખે.
કોરોનાની પ્રથમ ઈનીંગમાં ઓક્સિજનની ઘટ વર્તાતા રાજ્ય સરકારે ૧૦ સપ્ટેમ્બરના રોજ આ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યો હતો. ત્યારે ફરીવાર ૨૬મી નવેમ્બરના રોજ આરોગ્ય મંત્રાલયે એપીડેમીક ડીઝીઝ એકટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ આ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, ઉત્પાદકો તેમની સંપૂર્ણ ક્ષમતાથી કોઈ પણ જાતના અવરોધો વિના ઉત્પાદન અવિરતપણે ચાલુ રાખે. ઉત્પાદનના ૫૦ ટકા જેટલો જથ્થો રાજ્યની કોવિડ હોસ્પિટલોને મળે તે પ્રકારનું આયોજન કરવા પણ સરકારે સુચવ્યું છે. પરિપત્રમાં વધુમાં ઉમેરો કરવામાં આવ્યો છે કે, ઈન્ડસ્ટ્રીયલ યુઝ માટે વપરાતો ઓક્સિજનનો જથ્થો પણ મેડિકલ ક્ષેત્ર માટે ડાયવર્ટ કરવામાં આવે અને મેડિકલ ક્ષેત્રને જથ્થો પુરો પાડવાને પ્રાધાન્ય આપે જેથી સંક્રમણના ઉછાળા સમયે ઓક્સિજનની ઘટ વર્તાય નહીં. સરકારનો પરિપત્ર ૩૧ ડિસેમ્બર સુધી અમલી રહેશે.
કોરોના ડામી ન શકાય તેવી ફેફસાની બિમારીઓને નોતરૂ આપનારૂ
હાલ સુધી કોરોના સંક્રમીત દર્દીઓ સ્વસ્થ થયા બાદ અનેકવિધ આડઅસરથી પીડાતા હોવાના અહેવાલ સામે આવ્યા છે પરંતુ કોરોના સંક્રમીત દર્દીઓને ફેફસાની પણ અતિ ગંભીર બીમારીઓનો ભોગ બનવું પડે છે. તે પ્રકારના અહેવાલો હાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે. ધ ઈન્ડિયન ચેસ્ટ સોસાયટીએ કોરોના સંક્રમણ બાદ દર્દીઓમાં લંગ ફાઈબ્રોસીસની ગંભીર અસર અંગે અહેવાલ તૈયાર કર્યો છે. કોરોનાથી લડવું એટલું જ કાફી નથી પરંતુ દર્દીને કોરોના સંક્રમણ બાદ ફેફસાની બીમારીઓથી પીડાવવું ન પડે તે માટે પણ તકેદારી રાખવાની જરૂરીયાત છે. જર્નલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, પોસ્ટ કોવિડ લંગ ફાઈબ્રોસીસને જો અટકાવી નહીં શકાય તો આ બીમારી ‘સુનામી’ લાવી શકે છે. આર્ટીકલના ઓથર ડો.ઝરીર ઉદવાળીયાએ કહ્યું હતું કે, સામાન્ય રીતે અમે તમામ દર્દીઓમાં ફાઈબ્રોસીસના લક્ષણો જોઈ રહ્યાં છીએ. દર્દીઓમાં ન્યુમોનિયા અને બ્લડ ક્લોટસ સહિતની આડઅસરો જોવા મળી રહી છે. ફેફસામાં આવેલા ટીસ્યુમાં ઈન્ફેકશન થવાથી શ્ર્વાસ લઈ શકવા સક્ષમ હોતા નથી. જેથી મોટાભાગના દર્દીઓ લંગ ફાઈબ્રોસીસથી પીડાતા હોય છે. હજારો દર્દીઓને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલા રીપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોરોના સંક્રમણથી પણ વધુ લંગ ફાઈબ્રોસીસ છે. જેને કાબુમાં રાખવા બનતા તમામ પ્રયાસો તબીબોએ કરવા પડશે.