માત્ર અંગ્રેજી ભાષા જાણતી મોઝામ્બિકની બે મહિલાઓને રાત્રી કરફયુ દરમ્યાન જણાવેલ સરનામે સલામત પહોંચાડાઇ
રાજકોટના રાત્રી કરફ્યુના માહોલ વચ્ચે 181 અભયમ હેલ્પલાઇનના ફોનની ઘંટડી રણકી…ફોનમાં સામે છેડે અંગ્રેજી ભાષામાં વાત કરતાં એક મહિલાએ જણાવ્યું કે, “અમે વિદેશી છીએ અને રાજકોટ આવ્યા છીએ. માધાપર ચોકડી વિસ્તાર આજુબાજુ અમે બે મહિલાઓ ભૂલા પડ્યા છીએ, અને માત્ર અંગ્રેજી ભાષા જ જાણતાં હોવાથી અહીં કોઈ સાથે વાતચીત શક્ય નથી તેથી અમારે શુ કરવું એ સમજાતું નથી. અહીં એક વ્યક્તિને અમારી સમસ્યા સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેઓ કંઈક 181 નંબર ડાયલ કરવાનું કહેતાં હોય તેવું લાગ્યું તેથી અમે અહીં ફોન કર્યો, અમારી મદદ કરો.”
યુવતીનો ફોન આવતા તાત્કાલિક 181 અભયમ હેલ્પલાઇનની ટીમ કાઉન્સેલર ચંદ્રીકાબેન મકવાણા, જી.આર.ડી. રવિનાબેન તથા પાયલોટ ભાવિનભાઈ માધાપર ચોકડી પહોંચ્યા. બન્ને વિદેશી બહેનો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, તેઓ મુળ મોઝામ્બિકના વતની છે અને રાજકોટમાં બેચલર ઓફ કોમર્સના અભ્યાસ માટે પહેલાં અમદાવાદ અને ત્યાંથી બસમાં રાજકોટ આવ્યાં છે. અહીં માધાપર ચોકડી ઉતર્યા જ્યાં તેઓના ઓળખીતા તેમને લેવા આવવાના હતા પરંતુ રાજકોટમાં પહોંચતા મોડું થઈ ગયું હોવાથી રાત્રી કરર્ફ્યુના કારણે તેઓના ઓળખીતા વ્યક્તિ પોતે બહાર ન નીકળી શકવાથી લેવા આવી શકે તેમ નથી, અને કર્ફ્યૂ હોવાથી અન્ય કોઈ વ્યવસ્થા પણ શકય ન હતી. આ બન્ને બહેનોને કયાં જવાનુ છે તે વિશે પણ માહિતી ન હતી.
માધાપર ચોકડીએ ફરજ બજાવતા પોલીસના જવાનોએ આ મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો નંબર આપ્યો અને અહીં ફોન કરતાં જ મહિલાઓના હિત માટે કાર્યરત 181 ટીમ મદદ માટે પહોંચી ગઈ. આ બંને મહિલાઓ ફક્ત અંગ્રેજી ભાષા જાણતી હતી. તેથી 181 અભયમ હેલ્પલાઈનના કાઉન્સેલર્સ દ્વારા મહિલાઓ સાથે વાતચીત કરી રાજકોટમાં તેમના જાણીતા વ્યક્તિનો ફોન નંબર લઈ તેઓએ જણાવેલી જગ્યા ઉપર સલામત રીતે મહિલાઓને પહોંચાડવામાં આવ્યા હતાં.
આમ, અભયમ 181 ટીમે રાત્રી કરફ્યુના સમયમાં રાજકોટમાં આવેલી બે વિદેશી મહિલાઓની મૂંઝવણમાં સહાયરૂપ બની તેમને સાચાં સરનામે પહોંચાડી ફરી એક વાર પોતાની માનવતાસભર કાર્યદક્ષતા સાબિત કરી હતી.