વડી અદાલતે હોસ્પિટલમાં આગ લાગ્યાની સુઓમોટો નોંધ લીધી
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રી થયેલા અગ્નિકાંડમાં પાંચ લોકોનું બળીને ભડથુ થયાની ગમખ્વાર ઘટનાની સુઓમોટો નોંધ સુપ્રીમ કોર્ટે લીધી છે. સુપ્રીમે આ ઘટનાને આઘાતજનક ગણાવી છે અને આવી ઘટનાઓ પુનરાવર્તીત ન થાય તે માટે સમ્યાંતરે ઈન્સ્પેકશન એટલે કે, તપાસ કરવાનું કહ્યું છે. ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયાધીશ આર સુભાષ રેડ્ડી અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે ગુજરાત સરકાર પાસે આ ઘટનાને લઈ જવાબ માંગ્યો છે. દેશભરમાં હોસ્પિટલોમાં ફાયર સેફટીની ગોઠવણને લઈ કડક તપાસ કરવામાં આવે તેવું પણ કહ્યું છે.
કોર્ટે કહ્યું હતું કે, આવી ઘટનાઓ અટકી નથી અલગ અલગ હોસ્પિટલોમાં ઘટનાઓ થાય છે. માટે ઈલેકટ્રીકલ લાઈન વ્યવસ્થિત છે કે, નહીં તેનું ઈન્સ્પેકશન થવું જોઈએ. આવી શોર્ટ સર્કિટ કેવી રીતે થાય છે ? હાઈકોર્ટને આપવામાં આવેલો રીપોર્ટ તો ખુબજ આંચકાજનક છે. ઘણા કેસમાં તો અગ્નિશાસમ સાધનો નથી હોતા. ઘણા કેસમાં ઈલેકટ્રીકલ લાઈનનો ફોલ્ટ હોય છે. આ મામલે સોલીશિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે, આ મામલે પુરતુ ધ્યાન અપાશે, ફાયર અને વીજ વિભાગ વચ્ચે સંયુક્ત બેઠક થશે.
નોંધનીય છે કે, કોરોના વાયરસ મામલે વડી અદાલત દ્વારા તાજેતરમાં જ ગુજરાત સહિત ૩ રાજ્યની સરકારો પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે કાર્યવાહી આગળ હાથ ધરાઈ હતી. દરમિયાન આજે રાજકોટમાં ગમખ્વાર અકસ્માત થતાં વડી અદાલતે પણ આ અકસ્માતની નોંધ લીધી છે.