પોતાના જ અનુયાયી મહિલાને સેવાના બહાને આશ્રમમાં બોલાવ્યા પછી દુષ્કર્મ આચાર્યની પોલીસ ફરિયાદ: પોલીસ દ્વારા મહંતની કરાઇ અટકાયત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં આવેલા ઉદાસીન આશ્રમના મહંત સામે તેની એક અનુયાયી પરિણીત મહિલાએ પોતાના ઉપર ગત ફેબ્રુઆરી માસમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. જોડિયા પોલીસે સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી મહંતને અટકાયતમાં લઇ લીધા છે, જ્યારે ભોગ બનનાર પરણિતાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલાઈ.
આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં આવેલા ઉદાસીન આશ્રમના મહંત હરિદાસબાપુ કે જેઓની ઉંમર ૫૬ વર્ષની છે, અને છેલ્લા ૩૩ વર્ષથી આશ્રમમાં રહીને સેવા પૂજા કરે છે. જ્યારે જામનગર સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં પણ તેમના અનુયાયીઓ છે. અને આશ્રમમાં અવરજવર કરે છે.
જે મહંત હરિદાસ બાપુની ગત ચોથી ફેબ્રુઆરીએ તબિયત બગડી હતી. જેથી સેવા પૂજા કરવા માટે જોડિયા તાલુકાના બાલંબા ગામની વતની અને હાલ પુના પરણાવેલી એક પરણિત મહિલા જે પોતાના માવતરે આંટો દેવા આવી હતી. તેને સેવાના નામે બોલાવી હતી. અને પોતાના હાથ પગ દબાવવા માટેનું જણાવ્યું હતું.
દરમિયાન એકાએક મહંતની દાનત બગડી હતી અને પરિણીતા સાથે છેડછાડ શરૂ કરી દીધી હતી. પરણિતાએ ઇન્કાર કર્યો હોવા છતાં તેણીની સાથે બળજબરી કરી હતી અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોટી ઉંમરના કારણે તેઓ સફળ થયા ન હતા.
સાથોસાથ મહંત દ્વારા ધમકીઓ આપ્યે રાખી હતી, અને આ અંગેની કોઈને જાણકારી આપશે તો પોતે તાંત્રિક વિધિ કરીને પરિવારને ખતમ કરી નાખશે, જેથી તેમના પરિવારજનો ચૂપ રહ્યા હતા.
જે બનાવને આટલો સમય વીતી ગયા પછી પરિવારજનોએ હિંમત દાખવીને અન્ય કોઈ વ્યક્તિ મહંતનો શિકાર ન બને, તેના ભાગરૂપે ગઈ રાત્રે જોડિયા પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરતા આખરે જોડીયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત ધૃણાસ્પદ ઘટના અંગે જોડિયા પોલીસે ભોગ બનનાર પરિણીતાની ફરિયાદના આધારે મહંત હરિદાસ બાપુ સામે આઇપીસી કલમ ૩૭૬ અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધ્યો છે, અને તેઓની અટકાયત કરી લઈ કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. સાથોસાથ ભોગ બનનાર પરિણીતાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી છે. આ સમગ્ર મામલો સામે આવતાં આશ્રમના અનુયાયીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.