સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ત્યારે કચ્છના દુધઈમાં મોડી રાત્રે ૩.૨ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. ત્યારબાદ રાપરમાં પણ આંચકો આવતા કચ્છવાસીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો.
સીસ્મોલોઝી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ મોડીરાત્રે ૧૧:૦૭ વાગ્યે કચ્છના દૂધઈથી ૭ કિ.મી. દૂર ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખાતે ૩.૨ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ ૨:૫૩ વાગ્યે કચ્છના રાપરથી ૨૫ કિ.મી. દૂર ૧.૮ની તિવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે અનુભવાયો હતો. વારંવાર આવતા આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે, વૈજ્ઞાનિકોની દ્રષ્ટિ મુજબ ભૂકંપના આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી અને આ વર્ષે વરસાદની સીઝન પણ સારી રહેતા ભૂસ્તરમાં પાણીનું પ્રમાણ વધ્યું છે જેના લીધે સૌરાષ્ટ્ર કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ગઈકાલે રાત્રે કચ્છમાં ભૂકંપના બે આંચકા આવ્યા હતા. જો કે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.