અમદાવાદ, સુરત અને બરોડા મહાપાલિકાની માફક રાજકોટને પણ અલાયદુ પોલીસ સ્ટેશન ફાળવવા માંગ
રાજકોટ મહાનગરપાલિકાનો વિસ્તાર સતત વધી રહ્યો છે. રાજીંદી કામગીરી માટે જતાં મહાપાલિકાના સ્ટાફ પર હુમલા થવાની ઘટના હવે સામાન્ય બની જવા પામી છે. આવી ઘટના બાદ પોલીસ ફરિયાદ કરવા માટે મહાપાલિકાએ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પગથીયા ઘસવા પડે છે. આવામાં હવે અમદાવાદ, સુરત અને વડોદરા મહાપાલિકાની માફક રાજકોટ મહાપાલિકાને પણ પોતિકુ અલાયદુ પોલીસ સ્ટેશન ફાળવવાની માંગણી શાસકો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવશે તેવું વિશ્ર્વસનીય સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
રાજ્યની ત્રણ મોટી મહાનગરપાલિકા અમદાવાદ, સુરત અને વડોદરાને રાજ્ય સરકાર દ્વારા પોતાના અલાયદા પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટની ગણતરી પણ હવે આ ત્રણ મહાનગરપાલિકાઓ સાથે થવા લાગી છે અને શહેરનો વિસ્તાર અને વસ્તી સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોર્પોરેશનના કર્મચારીઓ પર જ્યારે હુમલો થવાની ઘટના બને ત્યારે તંત્રએ પોલીસ ફરિયાદ કરવા માટે જે તે પોલીસ સ્ટેશનના પગથીયા ચડવા પડે છે. આગામી દિવસોમાં રાજકોટ મહાપાલિકાને પણ પોતાનું પોલીસ સ્ટેશન મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે વિજીલન્સના સ્ટાફ પર થયેલા હુમલાની ઘટના બાદ આજે સવારે શાસકો, વહીવટ પાંખ અને વિજીલન્સ શાખા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવાયો છે કે, શાસક પાંખ દ્વારા મહાપાલિકાને અલાયદુ પોતાનું પોલીસ સ્ટેશન મળી રહે તે માટેની માગણી રાજ્ય સરકાર પાસે મુકવામાં આવશે. આ માટે મેયર દ્વારા એક ડ્રાફટ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ પાણી પણ રાજકોટના જ હોય મહાપાલિકાને પોતાનું અલાયદુ પોલીસ સ્ટેશન મળી રહે તેવા ઉજળા સંજોગો હાલ વર્તાઈ રહ્યાં છે.
આગામી દિવસોમાં રાજકોટ મહાપાલિકાને પણ પોતાનું પોલીસ સ્ટેશન મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગઈકાલે વિજીલન્સના સ્ટાફ પર થયેલા હુમલાની ઘટના બાદ આજે સવારે શાસકો, વહીવટ પાંખ અને વિજીલન્સ શાખા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.