બેન્કોનું ખાનગીકરણ, ડિપોઝીટ પર વ્યાજ વધારો, ભરતી, શ્રમ કાયદા સહિતના મુદ્દે કામદારોનો વિરોધ
૧૦ જેટલા સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સના આશરે ૨૫ કરોડ જેટલા કામદારો આવતીકાલે હડતાળ પર ઉતરનાર છે. જેની પાછળ જવાબદાર મુખ્ય કારણોમાં કૃષિ કાયદો તેમજ શ્રમિક કાયદો જવાબદાર છે. તેની સાથોસાથ બેન્કોનું ખાનગીકરણ, ડિપોઝીટ પર વ્યાજ વધારો, ભરતી પ્રક્રિયા સહિતના મુદ્દા જવાબદાર છે. ટ્રેડ યુનિયને મુખ્યત્વે કૃષિ કાયદા અને શ્રમ કાયદાને પ્રજા વિરોધી કાયદો ગણાવ્યો છે.
કેન્દ્ર સરકારે પ્રજા વિરોધી કામદાર વિરોધી, પ્રજા વિરોધી, ખેડૂત વિરોધી નીતિઓ અખત્યાર કરી શ્રમિક વર્ગ પર આક્રમણ કરી રહી છે અને તે સામે હવે સંઘર્ષના મંડાણ કરવાનું નક્કી કર્યાનું જણાવીને આગામી તા. ૨૬ નવેમ્બર ગુરુવારે સમગ્ર દેશની સાથે સૌરાષ્ટ્રના કામદાર સંગઠનો અને વેંક કર્મચારીઓ હડતાળ પાડી વિરોધ નોંધાવશે.
ટ્રેડ યુનિનનોના જણાવ્યા અનુસાર જાહેર ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં હડતાળ પાડી વિરોધ કરવામાં આવશે. જેમાં બેંકોનું ખાનગીકરણ મુખ્ય છે. તે ઉપરાંત રેલવે, બંદર સહિતનું ખાનગીકરણ પણ અટકે તેવી માંગણી સાથે હળતાલ કરાઈ રહી છે.
મહત્વની બાબત છે કે, હડતાળમાં સરકારી કામદારો સાથે ખાનગી કંપનીઓના કર્મચારીઓ પણ જોડાય તેવી શકયતાઓ છે જેની અસર સમગ્ર દેશમાં જોવા મળશે. જેમાં બાંધકામ ક્ષેત્ર, બીડીના કામદારો, ફેરિયાઓ, કૃષિ કામદારો સહિતના કામદારો જોડાય તેવી શક્યતાઓ છે.