નગરોટામાં માર્યા ગયેલા ૪ જૈસ-એ-મોહમદના આતંકીઓ સુરંગમાંથી ઘુસ્યા હોવાનું આવ્યું સામે: સૈન્યને ૧૫૦ મીટરની લાંબી સુરંગ મળી આવી
નાપાક પાકિસ્તાન પૃથ્વી પરના સ્વર્ગસમા કાશ્મીરમાં આતંકી હુમલા કરવામાં સહેજ પણ બાજ આવતા નથી. કેન્દ્ર સરકાર દ્વારા કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવ્યા બાદ એક સમયે એવું લાગતું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં અમન અને શાંતીનો માહોલ જોવા મળશે પરંતુ આતંકીઓ દ્વારા દેશની શાંતી કેવી રીતે ડહોળાય તે પ્રકારની ગતિવિધિઓ જોવા મળી રહી છે ત્યારે પાકિસ્તાન તેની નાપાક હરકત સહેજ પણ બાજ આવતું નથી ત્યારે ભારત-પાકિસ્તાનની એલઓસી પર ૧૫૦ મીટર લાંબું ભોયરુ બનાવ્યું છે જેમાંથી આતંકીઓની ઘુષણખોરી થતી હોવાનું ચિત્ર હાલ સામે આવ્યું છે. સૈન્ય દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ૧૫૦ મીટર લાંબી સુરંગ મળી આવતાની સાથે જ કરાંચીની બેગ પણ જોવા મળી હતી.
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં એલઓસી પર અંદાજે ૧૫૦મી. લાંબી સુરંગ મળી આવી છે. ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે નગરોટા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકી આ સુરંગ માર્ગેથી જ ભારતમાં આવ્યા હતા. બીએસએફના સર્ચ-ઓપરેશન દરમિયાન એલઓસી નજીકથી આ સુરંગ મળી આવી. એ પાક.માં બનેલી રેતીની બોરીઓ અને લાકડાંથી ઢંકાયેલી હતી. સુરંગમાં પગથિયાં પણ છે. એન્કાઉન્ટર ગયા ગુરુવારે થયું હતું, જેમાં સુરક્ષાદળોએ ૪ પાક. આતંકીને ટ્રક સાથે ઉડાવી દીધા હતા.
સુરક્ષાદળોએ ગત ગુરુવારે જમ્મુના નગરોટામાં ચાર આતંકવાદીને ઠાર કર્યા હતા. ચારેય આતંકી દારુગોળા અને હથિયારો લઈને જમ્મુથી શ્રીનગર આવી રહ્યા હતા. ટોલપ્લાઝા પર એક ટ્રકમાં સુરક્ષાદળો તપાસ કરી રહ્યા હતા એ દરમિયાન અંદરથી ફાયરિંગ થવા લાગ્યું હતું. બે કલાકના એન્કાઉન્ટર પછી સુરક્ષાદળોએ ટ્રકને ઉડાવી દીધી હતી, જેમા ચારેય આતંકી ઠાર થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવ્યા પછી ૪૦૨ દિવસમાં ૨૧૧ આતંકી ઘટના બની છે, જેમાં ૧૯૪ આતંકી માર્યા ગયા છે. આ ઘટનાઓમાં ૪૯ જવાન શહીદ થયા છે.