સામાજીક અંતર સાથે શિક્ષણ શરૂ કરવા શાળા સંકુલો વાલીના સંમતિપત્ર માંગશે: દિવાળી પછીના બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસક્રમ ઘટાડવો પણ જરૂરી: એપ્રિલના પ્રથમ અઠવાડીયે તો પરીક્ષા આવી જાય ત્યારે ચાર માસમાં છાત્રો શું ભણશે ? પ્રવર્તમાન સંજોગો જોતા માસ પ્રમોશન ગત વર્ષની જેમ આપવું પડે તેવી સ્થિતિ
ગત માર્ચ ૨૦૨૦થી કોરોના મહામારીમાં શાળાઓ બંધ કરવી પડીને સને ૨૦૧૯/૨૦ના શૈક્ષણિક સત્રમાં ધો.૧ થી ૯માં માસ પ્રમોશન આપવુ પડયું ત્યારપછી આજ દિવસ સુધી શાળા ખુલી શકી નથી. ૨૩મીથી શરૂ કરવાનો નિર્ણય અને ગાઈડલાઈન આવી ગઈ ત્યારે તહેવાર બાદ વધતા કોરોના સંક્રમણે વાલીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જે રાજયોમાં શાળા શરૂ કરી ત્યાંથી પણ થોડા દિવસોમાં છાત્રો-શિક્ષકોના સંક્રમણના આંકડા આવતા શાળા સંકુલ સાથે વાલીઓ વિચારતા થઈ ગયા છે.
સ્કુલ ચલે હમ હાલ તો ઓનલાઈનના ભરોસે ચાલી રહ્યું છે પણ વર્ગખંડ જેવી વ્યવસ્થા, માહોલ, અસરકારકતા આવતી નથી તેમ શિક્ષકો પણ કહે છે. વિદેશોમાં ફરી લોકડાઉન કરાયું તો ત્યાં તો આખુ વર્ષ જ શાળાનું સત્ર બંધ જ રહે છે. આગામી ચાર મહિના કોરોના કાળનાં કપરા છે તેમ શિક્ષણ માટે પણ કપરા છે. ધારો કે માસ પ્રમોશન અપાય તો પણ ધો.૧૦/૧૨ને કોલેજના અંતિમ વર્ષ કે વિવિધ ડિગ્રીના લાસ્ટ ઈયરની પરીક્ષા તો ગમે તેમ લેવી જ પડશે. સરકારશ્રી-શાળા સંકુલ સાથે શિક્ષણની ચિંતા કરવાવાળા સાથે સૌ મુંઝાયા છે. સરકાર-શાળા સંચાલકો ઉપરને તે વાલીઓ ઉપર જવાબદારી નાખે છે તો બિચારા છાત્રોનો શું વાંક !!
સૌ કોરોના મહામારીમાં રૂટીંગ લાઈફ ન થતા કંટાળ્યા છે તેમાં છાત્રો પણ બાકી નથી. અમુક જીલ્લામાં વાલી મંડળ પણ લડાયક મુડમાં આવી ગયા છે. આ બધા વચ્ચે લાંબા સમય બાદ હવે શાળા શરૂ થશે કે કેમ ? આ અવઢવ યથાવત છે. છાત્રો લાંબા સમયથી પ્રત્યક્ષ સ્વરૂપના શિક્ષણ કાર્યથી દુર રહ્યા છે જેની વિપરીત અસરો પણ બાળ માનસ ઉપર પડવાની પુરી શકયતા છે. શાળા ચાલુ જ નથી ત્યારે ફિ કેમ આપવી તે બાબતે વાલીઓ પણ આક્રોશ ઠાલવી રહ્યા છે. મેડિકલ એસોસીએશનનાં તબીબો પણ આ સંજોગોમાં શાળા શરૂ કરવાની તરફેણમાં નથી. શાળા સંચાલકો સરકારની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીના વાલીની સંમતિ લેવી જરૂરી છે. વાલીઓ વિચારે છે કે બીજા રાજયોમાં જયાં સ્કૂલ શરૂ કરી ત્યાં છાત્રો સંક્રમિત થયા છે. મોટાભાગના એવું માને છે કે રસી ન આવે ત્યાં સુધી સ્કુલો બંધ રાખવી જોઈએ. ૧૫ થી ૧૭ વર્ષની વયજુથના વિદ્યાર્થીઓ સામાજીક અંતરનું પાલન રાખશે તે શકય નથી. ખુલવા છતાં બાળક શાળાએ ન આવે તો તેને ઓનલાઈન તો ભણાવવાના છે. તહેવારોમાં લોકોની ભીડને બેદરકારી જોતા લગભગ બધા કોરોના વકરવાની વાત કરતા તે આજે સાચી પડી રહી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં કોરોના આંક વધવા લાગ્યો છે. રાજકોટ શહેરમાં આજે બુધવારે બપોર સુધીમાં ૭૬ નવા પોઝીટીવ કેસો સામે આવ્યા છે જે એક ગંભીર બાબત છે.
સોમ-બુધ-શુક્ર ધો.૧૦ અને ૧૨ તથા મંગળ-ગુરૂ-શનિ ધો.૯ અને ૧૧ એટલે કે ૧૪ થી ૧૭ વર્ષની વયના માટે શિક્ષણ દ્વાર ખુલશે હજી તો ધો.૧ થી ૮નો પ્રશ્ર્ન ઉભો જ છે. કોરોના મહામારીએ આર્થિક રીતે તથા બધા સેકટરોમાં અસર કરી છે તો આરોગ્ય અને શિક્ષણ સૌથી વધુ પ્રભાવિત થયા છે ત્યારે ખુલશે તો પણ ૪ માસમાં કશુ જ વળશે નહીં અંતે બધા પ્રશ્ર્નોનો હલ અપશુકન ૨૦૨૦માં માસ પ્રમોશન જ કદાચ હશે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના હરણફાળે વધી રહ્યો છે. શાળા ખુલવા બાબતે ચિંતા અને ચિંતન બન્ને થઈ રહી છે. દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આજથી શૈક્ષણિક સત્ર ૨૦૨૦/૨૧ શરૂ તો થયું પણ કોરોનાને કારણે તમામ વર્ગો ઓનલાઈન લેવાશે.
વાલીઓના વિચારે બાળકોના શિક્ષણ કરતા તેની જીંદગી વધુ કિંમતી છે. અમુક લોકો શાળા શરૂ કરવા માટેનું તંદુરસ્ત વાતાવરણથી નથી તેવું માની રહ્યા છે. આજે બધા જ માનસિક વ્યથાના માહોલમાં છે ત્યારે બાળકોના માવનાધિકારોનું પણ રક્ષણ કરવું આપણી સૌની ફરજ છે. તહેવારો આવેને જાય છે પણ હજી કોરોના કેડો મુકતો નથી. આવા માહોલમાં શાળા શરૂ કરવાથી કોરોના વકરશે તો નહીં તે તેની ચિંતા વાલીઓને છે. કોરોના મહામારીએ બાળથી મોટેરા તમામને તેની સામે રાખવાની સાવચેતીની બરોબર ખબર પડી ગઈ છે ત્યારે શાળામાં થતી રૂટીન ભીડ કેમ ટાળશે.
હાલ દેશમાં ફરી કોરોના સંક્રમણ શરૂ થતા આપણે ફેઝ-ટુમાં પ્રવેશ્યા છીએ. એકવાર થયો હોયને ફરી કોરોના દેખાયો હોય તેવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. આવા સંજોગોમાં કયો વાલી પોતાની જવાબદારીની લેખીત સંમતિ આપીને શાળાએ ભણવા મોકલશે તે યક્ષ પ્રશ્ર્ન છે. આમ જોઈએ તો પણ સ્કુલો સિવાય બધા સેકટરો ખુલ્લી ગયા છે ત્યારે કોરોના પરિસ્થિતિ અનુકુળ બને તો ખોલવી જરૂરી છે. પાંચ કલાકને બદલે ત્રણ કલાક પણ શરૂ કરવા શાળા સંચાલકો તૈયારી બતાવતા આકરી ગાઈડલાઈન સાથે સરકાર શાળા ખોલવાના નિર્ણય પર આવી છે. જોઈએ ૨૩મીએ શું થાય છે. શરૂના ચાર-પાંચ દિવસ અગત્યનાં રહેશે જો કોરોના વકરી ગયો તો કંટ્રોલ કરવો મુશ્કેલ બની જશે.
૨૯ માર્ચ-૨૦૨૦થી શાળા બંધ છે
કોરોનાના વધતા કહેર વચ્ચે ધો.૯ થી ૧૨ માટે ૨૩મીથી ઓડ ઈવન શાળા શરૂ થઈ રહી છે. ૨૯ માર્ચથી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ છે. ફિના કકળાટ બાદ ઓનલાઈનનો ઉહાપો ઉપડયો ગત વર્ષે તો માસ પ્રમોશન અપાયું હતું. આ વર્ષ ૨૦૨૦/૨૧નાં શૈક્ષણિક સત્ર તો બંધમાં જ ગયું છે. સરકારનાં શિક્ષણ વિભાગે શાળા શરૂ કરવાના કરેલા નિર્ણય સામે વાલી પણ પોતાની જવાબદારીએ પોતાના સંતાનોને મોકલવા કે ન મોકલવા તેની ચિંતામાં છે. અભ્યાસક્રમ બંધ શાળાનાં દિવસોનો ઘટાડવો પડશે. કારણકે હવે બીજા શૈક્ષણિક સત્રનાં ફકત ૪ માસ જ બાકી છે ત્યારે કસોટીમાં કેટલો સિલેબસ રાખવો તે પણ નકકી કરવું પડશે. બોર્ડનાં ધો.૧૦-૧૨ માટેના કોર્ષનું પણ વિચારવું પડશે. હાલ સરકારે ધો.૯ થી ૧૨ના મોટા છાત્રો માટે આ નિર્ણય કર્યો છે. ધો.૧ થી ૮ના નાના બાળકોનું હવે નકકી થશે. વર્ગખંડ જેવી અસરકારકતા કયારેય ઓનલાઈનમાં ન આવે તેમ શિક્ષકો પણ માનતા થઈ ગયા છે. કેન્દ્ર સરકારે અનલોક-૫ની જાહેરાતમાં ૧૫ ઓકટોબર પછી રાજય શાળા શરૂ કરવા નિર્ણય લઈ શકશે જેના પગલે શરૂ તો ૨૩મીએ થઈ રહી છે પણ વધતા કોરોના સંક્રમણે ફરી બધાને ચિંતામાં મુકી દીધા છે. એક વાત એ પણ છે કે ઓકટોબરનાં પ્રથમ બે વીકમાં સંક્રમણ મંદ પડયું હતું પણ તહેવાર બાદ ફરી કોરોના મહામારીએ માથુ ઉંચકતા છાત્રો-વાલીઓ-શાળા સંકુલો મુંઝાયા છે.