દરીદ્રનારાયણની જઠારાગ્ની ઠારતું જે ભગવાન અન્નક્ષેત્ર:દિવાળીના તહેવારોમાં દુધ પાક પુરીના ભોજન પીરસાયા
માનવ સેવા અને અબોલ જીવની સેવા માટે ગોંડલ જાણીતું છે. ગુંડાગીરી તરીકે ગોંડલ ભલે ઓળખાતું હોય પણ આ શહેરની ખરી ઓળખ શહેરમાં ચાલતા વિવિધ સેવા યજ્ઞોથી છે.
મીડલ કલાસ શહેર ગણાતા ગોંડલમાં પાંચથી સાત અન્નક્ષેત્રો ધમધમી રહ્યા હતા પણ કોરોના કાળમાં તે પૈકી કેટલાક બંધ થઇ ગયા ગત તા.રર માર્ચના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા એક દિવસીય જનતા કફર્યુનું એલાન અપાયું અને બાદમાં લાંબા ગાળાનું લોકડાઉન શરૂ થયું લોકડાઉનમાં વિકટ પરિસ્થિતિ કોઇના ભાગે જો આવી હોય તો એ હતો શ્રમજીવી વર્ગ
રોજે રોજનું રળી લઇ ખાનારા હજારો પરિવારો લોકડાઉનમાં અટવાઇ પડયા, ધંધા રોજગાર બંધ હોવાથી ઘરનો ચુલો કેમ પેટાવવો એ સવાલ ઉભો થયો
આવા સંજોગોમાં જાણીતા ગૌસેવક ગોપાલભાઇ ટોળીયા, ગોરધનભાઇ પરડવા અને ઉઘોગપતિ મુકેશભાઇ ભાલાળાએ કંઇક કરી છુટવા સંકલ્પ કર્યો, અને રસોડા ધમધમતા કર્યા, ‘લોગ આતે રહે કારવાં બનતા ગયા’ મુજબ દાનની સરવાણીઓ વહેતી થઇ, અને શરૂ થયો અન્ન નો મહાયજ્ઞ માંડવી ચોક જાણે કર્મભૂમિ બની, ગોપાલભાઇ ટોળીયાની રાહબરી હેઠળ સૌથી સવાસો યુવાનોની ટીમ કામે લાગી, અને રોજીંદા અઢારથી વીસ હજાર ભુખ્યા લોકોને ભોજન પહોચતું થયું, અંદાજે દશ જેટલી બલેરો પીકઅપ વાનમાં મોટા ટોપ અને બેરલોમાં ભોજન ભરી શહેભરમાં વસતા શ્રમજીવી પરિવારોને રોજીંદા બે ટાઇમ ભોજન પહોચતું કરાયું, છેવાડાની ઝુપડપટ્ટીમાં પણ આ યુવા ટીમ પહોચી જતી અને ભોજન પીરસતી હતી. શાક, રોટલી, ખીચડી કે કયારેક દાળભાત અને ગુંદી ગાંઠીયા, છાશ દ્વારા દરીદ્ર નારાયણોની ક્ષુધા તૃપ્ત થતી હતી. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે બંધ પડેલા અન્ન ક્ષેત્રોની સેવા ગોપાલભાઇની ટીમે ઉપાડી લીધી. માનવી પાસે ચાર ગમે તેટલો પૈસો હોય પરંતુ ભુખ પાસે એ લાચાર બનતો હોય છે. ઘણા એવા પરિવારો પણ હતા, જેમની પાસે પૈસા તો હતા. પણ લોકડાઉનની બંદીને કારણે રાશન નહોતું, આવા પરિવારોને ટીફીન પહોચતા કરાયા, ગોપાલભાઇ ટોળીયાની અન્નસેવા શહેરની અન્ય સંસ્થાઓ માટે પણ પેરણા બની હતીલોકડાઉન પુરૂ થયું અને અનલોક શરૂ થયું, ધીમે ધીમે પરીસ્થિતિ થાળે પડતી ગઇ, રોજગારો પણ આહિસ્તા આહિસ્તા શરૂ થઇ, લોકોએ રાહતનો દમ લીધો, પરંતુ એવા પણ લોકો અને પરિવારો જીવન બસર કરે છે. જેના જીવનમાં લોકડાઉન જીવનભરનું હોય છે. ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે જીવતા આ પરીવારોને લોકડાઉન કે અનલોક નો કોઇ ફર્ક પડતલ નથી, લોકડાઉન પુરૂ થતાં ગોપાલભાઇ દ્વારા અન્ન સેવા સમેટી લેવાઇ પણ માંડવી ચોકમાં ભોજનની આશા અપેક્ષા એ દરીદ્ર નારાયણોનો પ્રવાહ થંભ્યો ના હોય ગોપાલભાઇ ટોળીયા અને મિત્રો દ્વારા માંડવી ચોકમાં શાક માર્કેટ પાસે કાયમી અન્નક્ષેત્ર શરૂ કરવા નિર્ણય લેવાયો અને ‘જે ભગવાન અન્નક્ષેત્ર’ નામે શરૂ થઇ એક અનોખી સેવાઆજે જે ભગવાન અન્નક્ષેત્રમાં રોજીંદા ત્રણસોથી ચારસો લોકો રોજીંદા ભોજન મેળવી અમીનો ઓડકાર મેળવી રહ્યા છે. અલગ અલગ ભાવતા ભોજન અહીં રસોડામાં તૈયાર થઇ પિરસાય છે. દિવાળીના તહેવારોમાં દુધપાક, પુરી અને ઉંધીયાનું ભોજન મેળવી દરીદ્ર નારાયણોએ તહેવારોની અમીરી અનુભવી હતી.ઠંડા પાણીની વ્યવસ્થા, સુંદર લાઇટીંગ અને બ્લોગની બનેલી ફર્શ પર આશન પાથરી અહીં પંગતભેર લોકોને ભોજન પિરસાય છે. અહીં ખુબ પ્રેમથી આગ્રહ કરી ભોજન પીરસાતા હોય તેવા દ્રશ્યો નિહાળી ભાવ વિભોર બની જવાય છે. દરીદ્રતા, લાચારી કે ઓશીયાળી જીંદગીઓ માટે જે ભગવાન અન્નક્ષેત્ર હુંફ ભર્યો હોંકારો બનવા પામ્યું છે. અહીં આવતા અપંગ અપાહિત લોકોનો ટેકો બની સ્વંયસેવકો ભોજનના આશને બેસાડે છે. ઘણા પરિવારો અહીંથી ટીફીન પણ લઇ જાય છે. અલાયદા રસોડામાં બહેનો દ્વારા ગરમા ગરમ રસોઇ તૈયાર કરાય છે. ગોપાલભાઇ, ગોરધનભાઇ અને મુકેશભાઇની ત્રિપુટી રસોડામાં શાકભાજી અનાજ કરિયાણાથી લઇને તૈયાર ભોજન સુધી પુરતી ચિવટ રાખે છે. જે ભગવાન અન્નક્ષેત્રમાં એક ટાઇમ સાંજે ભોજન અપાય છે. અહીં સેવા આપતા યુવાનો પોતાના કામધંધામાંથી પરવારો અન્નક્ષેત્રમાં પહોંચી રાત્રીના બાર વાગ્યા સુધી દિલથી ઉત્સાહભેર સેવા આપે છે. જે ભગવાન અન્નક્ષેત્રમાં રસોઇની મધમધતી સોડમ વચ્ચે માનવતાની મહેક પણ સુગંધી બની રહી છે. ત્યારે ભોજન મેળવી દરીદ્ર નારાયણની આંખોમાં ચમકતી તૃપ્તી અહી ‘જે ભગવાન’ શબ્દનો જાણે સાક્ષાત્કાર કર્યાની અનુભૂતિ સાથે નજરે પડે છે.