આપણે જાણીએ છીએ કે આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ યાદમાં આપણે ‘બાળ દિવસ( ચિલ્ડ્રન્સ ડે )’ 14 નવેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ‘ યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે’ 20 નવેમ્બર ના રોજ ઉજવવામાં આવતો હતો પરંતુ ૧૯૬૪માં નહેરુના મૃત્યુ બાદ સંસદમાં એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો અને જવાહરલાલ નેહરુના જન્મદિવસ પર ‘ બાળ દિવસ ‘ઉજવવામાં આવે છે.
‘બાળ દિવસ’ પર એક દિવસ માટે માતા-પિતા પોતાના બાળક માટે જાગૃત બની જાય છે તેઓ બાળક સાથે સમય વિતાવે છે શું એક જ દિવસ માટે તે તેમનું બાળક હોય છે ? આજે માતા-પિતા પોતાના બાળકને દુનિયાની ભાગ -દોડ માં શ્રેષ્ઠ બનાવવા માટે તેના પર નાની વયે ભણતરનો બોજ નાખી દેતા હોય છે .બાળકને ટ્યુશન ક્લાસીસમાં રાખવામાં આવે છે આથી તેમની રમત ગમત માટે સમય મળતો નથી અને સમય જતાં તે બાળકમાં ફક્ત ભણવાની જ આવડતની હોય છે. બીજી બાજુ જોઈએ તો માતા-પિતા પોતાના બાળકને શ્રેષ્ઠ જીવન માટે નોકરી કરતા હોય છે તેઓ પોતાના બાળકને સમય આપી શકતા નથી અને છેવટે તેઓ કહે છે કે અમારું બાળક અમારાથી દૂર રહે છે તેઓ એ સમજતા નથી કે તેમના બાળકને સારા જીવનની સાથે સાથે તેમનો સહકાર પણ જોઈએ છે.
માતા-પિતા બાળકો પાસે કોઈ બીજા પ્રકારની ઈતર પ્રવૃત્તિઓ કરાવવા માંગતા નથી અને જ્યારે તેમની શાળાઓમાં બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે એક દિવસ તેઓ આવી ઈતર પ્રવૃતિઓમાં પોતાના બાળકની સાથે ભાગ લે છે પરંતુ જો તેઓ પોતાના બાળકને રોજના જીવનમાં આવી ઈતર પ્રવૃતિઓ સાથેનું જીવન જીવવાની સાચી સલાહ આપે તો તે બાળક જીવનની દોડમાં ક્યાંય પાછો ફરશે નહીં.
જો માતા-પિતા પોતાના બાળક સાથે સમય વીતાવશે તો તેમના ચિંતાજનક જીવનમાં પણ તેઓ રાહતનો અનુભવ કરશે. તેઓ બાળક સાથે પોતાની વાતો કરે અને બાળકને પણ એવું વાતાવરણ આપે જેનાથી બાળક પોતાના સાથે બનતી બધી જ ઘટનાઓની વાત માતા પિતા સાથે કરે.
આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે કારણ કે બાળકોમાં ઈર્ષ્યા, દ્વેષ,કપટ ની ભાવના હોતી નથી તેથી જ બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. જ્યારે મનુષ્યમાં આ બધી પ્રવૃત્તિઓ વધતી જાય છે જો વ્યક્તિ કોઈ પણ ઉંમરે તે યાદ રાખે કે આપણામાં પણ એક બાળકનું અસ્તિત્વ રહેલું છે તો આ ઈર્ષ્યા ,દ્વેષ, કપટ ની ભાવનાનો અસ્ત થઈ શકે છે.
આજે પણ અનાથ આશ્રમમાં ઘણા બધા બાળકો પોતાનું જીવન માતા-પિતાની છત્રછાયા વગર વિતાવે છે તો જે દંપતીઓ તેઓની બધી જવાબદારી ઉપાડી શકે તેવા સક્ષમ હોય તો તેવા બાળકોને ખોળે લઈને તેઓનું જીવન શ્રેષ્ઠ બનાવી શકે છે. આમ કરવાથી તેઓને એક બાળક મળી જશે અને તે અનાથ બાળકને પોતાના માતા-પિતાની છત્રછાયા મળશે. તો આ બાળ દિવસે આપણે એવો સંકલ્પ નક્કી કરીએ કે પોતાના બાળકો સાથે પૂરતો સમય વિતાવીશું. નાનપણમાં પોતાના બાળક પર ભણતરનો બોજ નાખી તેમનું બાળપણ છીનવીશુ નહીં. અનાથ આશ્રમમાં જઈને ત્યાંના બાળકો સાથે સમય વિતાવીશું.
આજે ઘણા લોકો પોતાના બાળકને આર્થિક સમસ્યાના કારણે ભણાવતા નથી તેથી ઘણા બાળકો જ્ઞાનથી વંચીત રહી જતા હોય છે આપણે આમ તેને પૈસા ન વેડફફતા તેઓને મદદરુપ થવું જોઈએ.
જીવનની ભાગદોડમાં તો આપણે આપણાં બાળકોને આગળ ભણતરથી લઈ જશું પરંતુ તેઓ પાસે જે લાગણી ઓની ખામી છે તે તેમના માતા-પિતા જ પૂરી કરી શકે છે . બાળકના સર્વાંગી વિકાસનો સંકલ્પ કરીએ એ જ સાચો બાળ દિવસ ઉજવ્યો ગણાશે.