ડાયાલીસીસ સેવાને બિરદાવતા જૈન સાધ્વી અરૂણા મહાસતિજી
પદ્મકુંવરબા હોસ્પિટલનું ડાયાલીસીસ મશીન, એ.સી. તત્કાલ શરૂ કરાવ્યા
લોકોની આરોગ્ય સેવા માટે રૂપાણી સરકારનું ડેશ બોર્ડ સદા તત્પર હોવાનો દર્દીઓને અનુભવ થઈ રહ્યો છે. રાજકોટની પદ્મકુંવરબા હિમોડાયાલસીસ સેન્ટરમાં દર્દીનું ડાયાલીસીસ માટેનું ડાયાલાઈઝર તથા એ.સી. બંધ હોવા અંગેની મુખ્યમંત્રીના ડેશ બોર્ડમાં જાણ થતાં તુરંત જ ચાલુ કરાવતા દર્દીઓને રાહત થઈ હતી.
રાજકોટની પદ્મ કુવરબા હોસ્પિટલ ખાતે હિમોડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે. જેમાં દર્દીઓની ડાયાલિસીસ પ્રક્રિયા કરવામાં આવે છે. દર્દી લીનાબેન દીપકભાઈને આજ સેન્ટરમાં છેલ્લા ચાર વર્ષથી ડાયાલીસીસ કરાવે છે. ગત માસે તેમના પતિ દીપકભાઈ યશવંતેને ગાંધીનગર સ્થિત સી.એમ. ડેશ બોર્ડમાંથી સારવાર સુવિધા અંગે પૂછવામાં આવતા એ સમય દરમ્યાન અહીં ટેકનિકલ કારણોસર એસી તેમજ ડાયાલાઈઝર બંધ થઈ જતા હોવાનું હકારાત્મક સૂચન કરવામાં આવ્યું. પછી ગાંધીનગર ખાતેથી તવરિત રિસ્પોન્સ મળતા અહીં બંધ પડેલ એ.સી. તેમજ ડાયાલાઈઝર મશીન શરૂ કરી આપવામાં આવતા દીપકભાઈએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સેવા માં કોઈ કસર છોડી નથી. ખાનગી સ્થળે મળતી મોંઘી સુવિધા સામે અમને અહીં નિશુલ્ક ડાયાલિસિસ કરી આપવામાં આવે છે.
અન્ય એક દર્દી જૈન સાધ્વી અરુણાજી મહાસતી પહેલા ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા હતા, જેવો હવે અહીં નિયમિત આવે છે. તેઓ જણાવે છે કે તેમનો સ્ટાફ સરળ હૃદયનો છે. જે રીતે યોગદાન આપી રહ્યા છે તે લેખે લાગે છે. આટલા બધા દર્દીઓને સાચવી સારવાર કરે છે. તેમની કર્મદક્ષતા અમને ખૂબ ગમી ગઈ છે. અહીંયા ચોખ્ખાઈ ખૂબ સરસ છે, જેનાથી મન પ્રસન્ન રહે છે. ગુજરાત સરકાર ખૂબ સારી સુવિધા પુરી પાડી રહી છે જે માટે હું દિલથી તેમનો આભાર માનું છું
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ દર્દીઓને રૂપિયા 300 ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ચૂકવવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને હિમોગ્લોબીનના એરીથ્રોકોએટીન ઈન્જેક્શન નિ:શુલ્ક આપવામાં આવતું હોવાનું હેડ ટેકનિશિયન નયન શીશાંગીયા જણાવે છે.
અમારા માટે ક્રેડિટ એ છે કે અહીં રાજકોટની ખ્યાતનામ ખાનગી હોસ્પિટલના દર્દીઓ પણ ટ્રાન્સફર થઇ ડાયાલિસીસ માટે આવતા હોવાનું આર.એમ.ઓ. ડો. નૂતન જણાવે છે.
સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય લક્ષી સેવાઓ વધુ ને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર શુશ્રુષામા ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.