દિવાળીનું મહત્વ સમજાવતા ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી
દિવાળીનું મહત્વ સમજાવતા ગુરૂદેવ શ્રીશ્રી રવિશંકરજી જણાવે છે કે તેલના દીવાને પ્રજ્વલિત થવા માટે દિવેટે તેલમાં આંશિક રીતે બોળાયેલા રહેવું પડે છે.જો તે તેલમાં પૂરેપૂરી ડૂબેલી હોય તો તે અજવાળું ના પાથરી શકે. જીવન દીવાની દિવેટ જેવું છે,તમારે દુનિયામાં જીવવું જ પડે અને છતાં તેનાથી નિર્લેપ રહેવું પડે.જો તમે દુનિયાની ભૌતિકતામાં તણાઈ જાવ તો તમે તમારા જીવનમાં ખુશી અને જ્ઞાન લાવી શકતા નથી.દુનિયામાં રહીને પણ જો તેના દુન્યવી પાસામાં તણાઈ નથી જતા તો આપણે ખુશી અને જ્ઞાનનો દીપ બની શકીએ છીએ.
વર્ષના આ સમયગાળામાં દુનિયાભરમાં લોકો, દીપોનો ઉત્સવ, દિવાળી ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. દિવાળી પૂર્વના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તે અનિષ્ટની ઉપર કલ્યાણકારી, અંધકારની ઉપર પ્રકાશ અને અજ્ઞાનતાની ઉપર જ્ઞાનના વિજયની સૂચક છે.
દિવાળી એ આપણા જીવનમાં જ્ઞાનના પ્રકાશની ઉજવણી છે.એ દિવસે ઘરમાં દીવા માત્ર સુશોભન અર્થે નહીં પણ જીવનના આ નક્કર સત્યને વ્યક્ત કરવા માટે પ્રગટાવવામાં આવે છે.દરેકના હ્રદયમાં જ્ઞાન અને પ્રેમનો દીપ પ્રજ્વલિત કરો તથા દરેક ચહેરા પર ઝળહળતું સ્મિત આણો.
દરેક મનુષ્યમાં કેટલાક સારા ગુણો હોય છે.તમે જે દરેક દીપ પ્રગટાવો કરો છો તે આનું સૂચક છે.કેટલાક લોકોમાં સંયમ હોય છે;કેટલાકમાં પ્રેમ,તાકાત, ઉદારતા, જ્યારે અન્યોમાં લોકોને એકત્રિત રાખવાની ક્ષમતા હોય છે.
ફટાકડા ફોડવા એ એક એવો માનસશાસ્ત્રીય વ્યાયામ છે જે લોકોને એકત્રિત થયેલી લાગણીઓને મુક્ત કરવામાં સહાય કરે છે.જ્યારે તમે બહારની બાજુએ ધડાકો અનુભવો છો ત્યારે તમે આંતરિક રીતે પણ એવી સંવેદનાઓ અનુભવો છો.ધડાકાની સાથે પુષ્કળ પ્રકાશ પણ ફેલાય છે.જ્યારે તમે એ બધી લાગણીઓથી મુક્ત થાવ છો ત્યારે નિર્મળતાનો આવિર્ભાવ થાય છે.
દુનિયાભરમાં,યુરોપથી ઓસ્ટ્રેલિયા કે જાપાનથી દક્ષિણ અમેરિકામાં, દિવાળી કે નવું વર્ષ ઉજવવા માટે આપણી ઉજવણીની ભાવના ફટાકડા ફોડવા સાથે સંકળાયેલી છે.પરંતુ ઉજવણીની સાથે સંવેદનશીલતા પણ જરૂરી છે.ભારતમાં દર વર્ષે દિલ્હી,મુંબઈ અને મહાનગરોમાં હવામાં એટલા બધા વિષદ્રવ્યો ઉમેરાય છે કે લોકો શ્વાસ લઈ શકતા નથી.ઘણાને દવાખાનામાં પણ દાખલ કરવા પડે છે.એ દુર્ભાગ્યપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે ધ્વની અને વાયુના પ્રદુષણને નિયંત્રિત કરવા લોકોને અમુક વાગ્યા પછી ફટાકડા ના ફોડવા કહેવું પડે છે.
દિવાળી પર ભેટ-ઉપહારનું આદાનપ્રદાન તથા મીઠાઈ વહેંચવી એ પણ પ્રતિકાત્મક છે.તે ભૂતકાળની કડવાશ નષ્ટ કરવા અને આવનાર સમયમાં મિત્રતાના પુન:સ્થાપનના સૂચક છે.
દિવાળી એટલે વર્તમાનમાં રહેવું. માટે ભૂતકાળના ખેદ અને ભવિષ્યની ચિંતાઓ છોડો અને વર્તમાનમાં જીવો.આ સમય ગત વર્ષમાં થયેલા કંકાસ અને નકારાત્મકતાને ભૂલવાનો છે.આ સમય છે તમે પ્રાપ્ત કરેલા જ્ઞાનનું મહત્વ સમજવાનો અને નવી શરૂઆતને આવકારવાનો.જ્યારે સાચા જ્ઞાનનો આવિર્ભાવ થાય છે ત્યારે તે ઉજવણીને જન્મ આપે છે.
જ્ઞાની માટે દરેક દિવસ દિવાળી છે. જેને આધ્યાત્મિક જ્ઞાન નથી તેને માટે દિવાળી વર્ષમાં એક વાર આવે છે.પરંતુ જ્ઞાનીઓ માટે દર ક્ષણ અને દરરોજ દિવાળી છે.