સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
89 ટકા લોકોએ માન્યુ કે કોરોના કાળમાં દવા લેવાનું વધ્યું: 66 ટકા લોકો શરદી-ઉધરસના લક્ષણ ન હોવા છતાં દવા લેવા લાગ્યા
કોરોનાની મહામારીએ વિશ્ર્વ આખાને ભરડામાં લીધો છે ત્યારે છેલ્લા 9 મહિનાથી લોકો કોરોનાના કારણે જાણે દવાનું ઘર કરી લીધું હોય તેમ દવાના વ્યસની થઈ ગયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના એક સર્વેમાં ચોંકાવનારો ખુલ્લાસો સામે આવ્યો છે. 84 ટકા લોકો એવા છે કે, જે કોરોનાની બિમારી કે અન્ય કોઈ બિમારી ન હોવા છતાં દવા લે છે. 66 ટકા લોકો એવા છે કે, શરદી-ઉધરસના લક્ષ્ણ ન ધરાવતા હોય તો પણ અનેક દવાઓ લેવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસી. પ્રો. નિમીષા પડારીયા અને તોફીક જાદવ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે છે, પરંતુ આધુનિક યુગમાં, કેટલાક રોગ લોકોને પરેશાન કરે છે, અને દવાઓ લેવી પડે છે, તેથી કોઈપણ દવાનો ઉપયોગ કરતા પહેલા દવાઓ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.
આવા લોકોની સંખ્યા સતત વધી જાય છે, જે એક દિવસમાં 1 થી 10 ગોળીઓ (પેઇનકિલર) ખાય છે. સહેજ માથાનો દુખાવો, પેટનો દુખાવો, કોઈ નાની મોટી પીડા અથવા સાંધાનો દુખાવો થાય છે. કે તરત વ્યક્તિ દવા લેવાનું શરૂ કરી દે છે. ક્યારેક જરૂરીયાત માટે લે છે પરંતુ ધીમે ધીમે તે ટેવ બની જાય છે. બિનજરૂરી પેઇનકિલર્સ લેતા લોકોની સંખ્યા વધતી જાય છે. કોઈ પણ બીમારીની દવાઓ લેતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. શરીરના એસિડિક એસિડ અને પાચક સિસ્ટમના અન્ય ઉત્સેચકો દ્રારા શરીરમાં તેની અસર લાવી શકે છે. આ દવાઓ સીધી લોહી પ્રવાહમાં ભળી જાય છે. ખાસ બનાવટી દવાઓનો વપરાશ ટાળવો જોઈએ અને યોગ્ય જગ્યાએથી ગુણવત્તાવાળી દવાઓ ખરીદવી જોઈએ. કારણ કે દવાઓની શરીર પર મોટાપ્રમાણમાં આડઅસર થતી હોય છે. 513 લોકોના આ સર્વેમાં ચીકાવનારા તારણો આવ્યા.
તમે પહેલા કરતા હાલમાં વિવિધ દવાઓ લ્યો છો? જવાબમાં 84% એ જણાવ્યું કે કોરોનાની બીમારી કે બીજી કોઈ બીમારી ન આવે એ માટે દવા લઈએ છીએ. 16% એ દવા લેવાનો ઇન્કાર કરેલ. ડોક્ટરના કહ્યા મુજબ દવા લ્યો છો કે જાહેરાત કે અન્યના સૂચનથી? જવાબમાં 72% એ જણાવ્યું કે ડોક્ટર પાસે જવા કરતા સીધી દવા લઈએ છીએ જયારે 28% એ જણાવ્યું કે ડોક્ટરની સલાહ મુજબ જ દવા લઈએ છીએ. શરદી, તાવ કે ઉદરસ જેવું લાગે તો શું કરો? 32% ડોક્ટર ને બતાવીએ એવું કહ્યું 40% એ મેડિકલ માંથી દવા લઇ લેવાનું જણાવ્યું જયારે 28% એ દેશી ઉપચાર લેવાનું જણાવ્યું. કોરોના પછી દવાનું પ્રમાણ લેવાનું વધ્યું? 89% લોકોએ દવાઓ લેવાનું વધ્યું એવું જણાવ્યું જયારે 11% એ કોઈ ફર્ક પડ્યો નથી એવું જણાવ્યું. કોઈ રોગ વગર દવા લેવાનો વિચાર આવે છે અને લ્યો છો? 66% એ જણાવ્યું કે કોઈ શરદી ઉદરસ કે તાવના લક્ષણો નથી હોતા છતાં દવા લઈએ છીએ જયારે 34% એ ના કહીં. કોઈપણ દવાની આડઅસર હોય છે એ જાણવા છતાં દવા લ્યો છો? 62% એ જણાવ્યું કે હા દવા લઈએ છીએ જયારે 38% એ ના જણાવી. દવાખાને જવાનાં ભયથી ઘરે ઉપચાર કરો છો? 77% એ જણાવ્યું કે દવાખાનાનું નામ આવતા જ ભય ને ચિંતા થાય છે માટે ઘરઘથ્થુ ઉપચાર કરીએ છીએ જયારે 23% એ ના જણાવી. દવાનું વળગણ થઇ ગયું હોય તમને એવો અહેસાસ થાય છે? 56% એ જણાવ્યું કે હા, 44% એ ના જણાવી.
ઘણીવાર જોવા મળ્યું છે કે, લોકો માથાનો દુખાવો રાહત માટે ડિસપ્રિન લે છે અને તેમને પેટમાં દુખાવો થવા લાગે છે. આનું મુખ્ય કારણ આંતરડાના અલ્સરનું છે. જો તમને કોઈ પાચનની સમસ્યાઓ છે, તો તમારે ડિસપ્રિન લેવાનું ટાળવું જોઈએ. જો તમને પેટમાં અલ્સર અથવા પેટમાં ગેસ અથવા અન્ય સમસ્યા હોય તો ડિસપ્રિન લેવી જોઈએ નહીં.
લોકો જ્યારે ઊંઘ ન આવતી હોય, જમવાનું ન ભાવે માથાના દુખાવો, પેટનો સામાન્ય દુખાવો, અને તાણથી રાહત મેળવવા માટે દવાનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે આ દવાઓનું સેવન વધુ પડતું કરવામાં આવે ત્યારે તે આદત બની જાય છે, દર્દી તેનો વ્યસની બની જાય છે અને તેની સ્થિતિ વ્યસનીની જેમ બની જાય છે. તેથી, કોઈપણ રોગમાં ડ્રગનો ઉપયોગ કરતા પહેલા, તેમના વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવી જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તબીબી સલાહ વિના લેવામાં આવતી દવાઓ વધુ નુકસાન પહોંચાડે છે કારણ કે દરેક દવા લેવાની તેની પોતાની રીત હોય છે. દર્દીઓના ઇતિહાસ, ઉંમર, બીમારી, આહાર, દવાનું પ્રમાણ અનુસાર ડોકટરો દવાઓ આપતા હોય છે. માટે ખૂબ સાવચેતીપૂર્વક અને યોગ્ય જગ્યાએથી દવા લેવાનું રાખવું જોઈએ અને જરૂરિયાત મુજબ દવા લેવી જોઈએ.
દવાઓની આડઅસરો
કેટલીક દવાઓ દર્દીને એલર્જીક પ્રતિક્રિયાઓ આપી શકે છે. ઉલટી, ઝાડા, થાક, ત્વચા પર ફોલ્લીઓ થવી, ત્વચા પર બળતરા થવી. કેટલીક દવાઓના શરીરના અન્ય ભાગો પર પણ ખરાબ અસર પડે છે જેમ કે હૃદયના અસામાન્ય દર. કેટલીકવાર વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં દવાની અસર વિષે ખાસ કાળજી લેવી જોઈએ, કારણ કે તે દવાની અસર બાળકોમાં પણ થઈ શકે છે. ત્વચા પર દેખાતી દવાઓની આડઅસર વિષે નિષ્ણાતો કહે છે કે, ત્વચા એ શરીરનો સૌથી મોટો અંગ છે. તે સૌથી સંવેદનશીલ પણ છે. કોઈપણ દવાની અસર ત્વચા પર તરત જ દેખાવા લાગે છે. જો કંઈક અસામાન્ય બને તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કેટલીક દવાઓ, ઉંઘ, ખોરાકમાં અરુચિ પણ પેદા કરે છે. અસ્થમા: ઘણી દવાઓ અસ્થમામાં પણ વધારો કરે છે. માનસિક રોગ: કેટલીકવાર વ્યક્તિ ચીડિયાપણું, યાદશક્તિમાં ઘટાડો, ઉદાસી અથવા મૂંઝવણનું પ્રમાણ વધે છે. દવાઓ કેન્સરનું કારણ બની શકે છે. બ્લડ પ્રેશર અથવા અન્ય કોઈપણ દવાઓ કે કારણ વગર લેવામાં આવે છે. તે કેન્સરનું જોખમ ત્રણ ગણુ વધારી શકે છે. એસ્પિરિન આંતરિક રક્તસ્રાવનું જોખમ વધારે છે. શરીરમાં એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે.