જય જલીયાણ કરો કલ્યાણ
૨૧મી નવેમ્બરે જલારામ જયંતિ
‘જયા રોટીનો ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ જેવા માનવતાના મહામુલા મંત્રની આપી દ્રષ્ટિ, સ્નેહ સેવા અને સમર્પણી સર્જી અજબ મસ્તી ભરી, સાચી આધ્યાત્મિક હસ્તિ એટલે, આબાલવૃધ્ધોનાં હૈયાના સિંહાસને બિરાજમાન, અંતરથી પોકારે નામ અને હાજરા હજૂર થાય, ‘જલારામ’
આવા ભુવન ભાસ્કર સમુ પરમ પાવન ગરીમા સભર પ્રકાશપૂંજ પ્રગટયું સવંત ૧૮૫૬નાં કાર્તિક સુદ સપ્તઋષિ સમી સપ્તમીને શુકનવંતા સોમવારે, ટચલી આંગળીના ટેરવા સમા ખોબલા જેવા વિરપૂર ગામે, માતા રાજબાઈના કૂખે ભગવાન શ્રી રામ જે નક્ષત્રમાં જન્મ્યા હતા તે અભિજીત નક્ષત્રે વિજય મુહૂર્ત.
પિતાનું નામ પ્રધાન ઠકકર કાકા વાલજીભાઈ બંને કરીયાણાનાં સાધારણ વ્યાપારી, સ્વભાવિક પણે સ્થિતિ નથી સારી.
પ્રધાન ઠકકરના પ્રથમ પુત્રનું નામ બોઘાભાઈ, આ બોઘાભાઈ પાંચ વર્ષના થયા ત્યારે વિરપૂર ગામે રઘુવરદાસજી નામના સિધ્ધ સંત પધાર્યા. માતા રાજબાઈએ પોતાના પુત્રના ચરણ સ્પર્શ કરાવ્યા અને હર માની મમતા ઈચ્છે એમ પોતાના બાળની પ્રગતી થાય એવા આશીર્વાદ અર્પવા લાગણી ભરી માંગણી કરી ત્યારે ભાવીના ભેદને ભીતરથી ખોલતા સંત વધ્યા, માતા તારો પુત્રતો સામાન્ય રહેશે પણ દ્વિતિય પૂત્ર અદ્વિતય કાર્ય કરી ફકત વિરપૂર જ નોંધ પણ વિશ્ર્વ આખાનો વંદનીય બનશે એને માનવતાને મહેકાવે એવા રૂડા કામ કરશે આમ અગમવાણીને આકાર આપતા માતા રાજબાઈને ત્યાં બિજાપુત્રનું અવની પર અવતરણ થયું જે સર્વેદીન દુ:ખીયાનું સ્થાનક બન્યું.
ત્યારબાદ પ્રધાન ઠકકરને ત્યાં ત્રીજા પુત્ર અને ત્રણ પુત્રીનો પણ જન્મ થયો.
બાપાનએ ૧૮૭૬માં મહા સુદબીજનાં શુકનવંતા દિને સદાવ્રત શરૂ કર્યું સેવાયજ્ઞ આદર્યું.
એક દિ’ રામ રોટી માટે ચાર પાંચ સાધુઓ, આ અલખના અલગારીના આંગણે આવ્યા ઘરમાં અન્નાજનો દાણો નહી ! પણ આ દિલેર આદમીએ તેમને અંતરનાં આનંદથી આવકારી ઙઘરની અંદર ગયા ! પણ એમની અર્ધાગ્ની, આર્ધનારી, સાચી પરિસ્થિતિ પામી ગયા અને પોતાના દેહ ઉપરથી દાગીના ઉતારી, પોટલી વાળી પોતાના પતિને આપતા સહજ કહ્યું, ‘લો આને વેચી આવો અને વસ્તુ ખરીદી લાવો’ આર્યનારીના ઉરની આ ઉદારતા જોઈ, જલારામ ગદ્ગદીત થઈ ગયા ! મનોમન વંદી રહ્યા, અને સંતોને પ્રેમે જમાડયા.
આ અવિરત ચાલતી સદાવ્રતની પ્રવૃત્તિની પરિમલ પથરાતી રહી અને એની પરિમલ પમરાટ ચોતરફ વિસ્તરતી રહી ફેલાતી રહી. એવામાં એક સન્યાસી, સ્થાનકે આવી પોતાની કૃશ કાયાની સેવા અર્થે પોતાની સાથે માતા વિરબાઈને મોકલવાની અજબ ગજબ માંગણી કરી. પણ શાંત નહી પરંતુ પ્રશાંત મને આ જીગરદાર જીવે એમના પત્નિને આ વાત કરી અને એ ઈશ્ર્વરી શકિત માતેશ્ર્વરીએ તુરત આ સદ્કાર્યની હૈયાથી ‘હા’ ભણી, નારી શકિતની મહાનતાની કેવી દ્યનય વંદનીય ઘડી !
તેઓ તો પતિને પ્રણામ કરી, આ અકળ લીલાધરની વાટ પકડી ! રસ્તામાં આ જર્જરીત કાયાવાળા જટાવા જોગીએ માને એક ઓટલે બેસાડી ‘હમણા જંગલ જઈને આવું છું આપ અહીયા બેસો’ આટલું કહી પોતાની વાટ પકડી, પણ તે જોગી ગયો તે ગયો, પાછો ફર્યો નહી ! ત્યાં આકાશવાણી થઈ, ‘ધન્ય છે સતી તારા સતીત્વ, સમર્પણ, શકિત અને શ્રધ્ધાને હું તો તારી કસોટી કરવા આવ્યો હતો પણ આ તો મારી કસોટી થઈ ગઈ !
મહામાનવે સવંત ૧૯૩૭ના મહાવદ દસમને બુધવારે, એકયાસી વર્ષની ઉંમરે પાર્થીવ દેહ છોડી વિરાટમાં વિલીન થઈ ગયું સ્થૂળ દેહ છોડી સર્વેની સુખાકારી માટે સુક્ષ્મરૂપે સચરાચરમાં વ્યાપી ગયું