ડેટા પ્રાઇવસી મુદ્દે ટિકટોકે ગુમાવેલી વિશ્વસનીયતા પાછી મેળવવી લગભગ અસંભવ
બાઈટ ડાન્સની માલિકીવાળી ટિકટોક એપને ગત જૂન મહિનાના અંતમાં ભારત અને ચાઈના વચ્ચેની તંગદિલીની પરિસ્થિતિ દરમિયાન ડેટા પ્રાઇવસીના મુદ્દે પ્રતિબંધિત કરવામાં આવી હતી. ચાઈનાની ૧૦૦ થી વધુ એપ્લિકેશનને ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી હતી. જેમાં મુખ્ય પ્રશ્ન ડેટા પ્રાઇવસીનો હતો પણ ફરીવાર ટિકટોક ભારતમાં તેની ટીકટીક શરૂ કરવા પ્રયત્નો કરી રહ્યું છે.
ભારતના લગભગ તમામ ક્ષેત્રની અગ્રણીઓ ટિકટોકનો ઉપયોગ કરતી થઈ હતી. જેમાં મનોરંજનથી માંડીને રમત – ગમત ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. અમુક રાજકારણીઓ પણ ટિકટોકનો ઉપયોગ કરી પોતાની વાત યુવાનો સમક્ષ મુકતા થયા હતા તેવા સમયમાં ટિકટોકે વિશ્વસનીયતા ગુમાવી જેના કારણે ભારતમાં લાખો યુઝર્સ ધરાવતી ટિકટોક એપને પ્રતિબંધિત કરી હકાલપટ્ટી કરવામાં આવી હતી પરંતુ ભારત યુવાનોનો દેશ છે અને ભારતમાં લગભગ સૌથી વધુ ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે જેને ધ્યાને રાખીને ટિકટોક ભારતમાં ફરીવાર ટીકટીક શરૂ કરવા ફાંફા મારી રહ્યું છે. જેના માટે બાઈટ ડાન્સ કંપની પાર્ટનર્સની શોધમાં છે. જે રીતે ભારત બાદ અમેરિકાએ પણ પ્રતિબંધ મુક્યો હતો પરંતુ અમેરિકામાં ઘોંચમાં પડેલી ચૂંટણી બાદ ટિકટોક ફરીવાર વોલમાર્ટ ઓરેકલ ડિલ બાદ શરૂ થાય તેવી આશા સાથે ભારતમાંથી પણ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે તેવો આશાવાદ બાઈટ ડાન્સને સાંપડ્યો છે. ટિકટોકે ભારતમાં આશરે ૨૦૦૦ જેટલા નિમેલાં કર્મચારીઓને હજુ સુધી છુટા કરવામાં આવ્યા નથી અને અધૂરામાં પૂરું તમામ કર્મચારીઓને દિવાળીનું બોનસ પણ આપવામાં આવ્યું છે જે સ્પષ્ટ સંકેત આપે છે કે, ટિકટોક ફરીવાર ભારતમાં ટીકટીક શરૂ કરી શકે છે. ટિકટોકના વક્તાએ સતાવાર રીતે ભારતમાં વાપસી અંગેના કોઈ પ્લાન અંગે કોઈપણ જાતની સ્પષ્ટતા કરી નથી પરંતુ ભારત સરકારના નિયમોના પાલન સાથે ડેટાની સંપૂર્ણ સુરક્ષીતતા અંગેની ખાતરી સાથે હકારાત્મક વાપસી અંગેના એંધાણ ચોક્કસ આપ્યા છે. તેમન્સ૬ વધુમાં ઉમેર્યું હતું કે, અમે તમામ પ્રકારની સ્પષ્ટતા કરતો રિપોર્ટ સરકાર પાસે રજૂ કરી દીધો છે અને જો સરકાર વધુ કોઈ પુરાવાની માંગણી કરે અથવા શરતો મૂકે તો અમે તેનું પાલન કરવા પણ તૈયાર છીએ. અમે ભારતના તે યુવાનો માટે સચેત છીએ જેમણે અમારા પ્લેટફોર્મ થકી પ્રસિદ્ધિ મેળવી છે.
જો ટિકટોકે ભારતમાં વાપસી કરવી હશે તો એવી પેઢી અથવા વ્યક્તિ સાથે પાર્ટનરશીપ કરવી પડશે જે નોન ચાઈનીઝ હોય. જેના માટે હાલ બાઈટ ડાન્સ વિશ્વ સ્તરે પાર્ટનરની શોધમાં છે.
સરકાર પરવાનગી આપે તો પણ પ્રજા સ્વીકૃતિ આપશે કે નહીં ?
ટિકટોકને ભારતમાં વાપસી કરવા અંગે સરકાર મંજૂરી આપશે કે કેમ તે પાસું સૌથી વધુ મહત્વપૂર્ણ છે.
ટિકટોક વાપસી કરે તો પણ પ્રાઇવેસીનો પ્રશ્ન મુખ્ય રહેશે. જે રીતે લોકોની પ્રાઇવસી ટિકટોકના ઉપયોગથી જળવાતી નહિ હોવાના અહેવાલને પગલે ટિકટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેના કારણે મોટાભાગના યુઝર્સ પણ હવે પ્રાઇવસી અંગે ટિકટોક પર ભરોસો કરશે નહીં. હાલના સમયમાં ડેટા ઇઝ ધ કિંગની હોડમાં પ્રાઇવસીનો મુદ્દો અતિમહ્ત્વપૂર્ણ છે જેને જાળવવામાં ટિકટોક ઉણું ઉતર્યું હતું. જો સરકાર મંજૂરી આપી પણ દે તો પણ પ્રજા ફરીવાર ટિકટોક પર વિશ્વાસ મુકશે કે કેમ તે પાસું પણ મહત્વપૂર્ણ છે જેના પાયામાં મૂળ વિશ્વસનીયતાનો પ્રશ્ન ઉભો છે.