લોકમેળામાં પોલીસની ત્રીસરી આંખ (સીસીટીવી)ની અસામાજીક તત્વો પર બાજ નજર રહેશે: ૧૬ વોચ ટાવર, ૪૨૨ પોલીસ, એક કંપની એસઆરપી, ૩૦૦ હોમગાર્ડ, ૧૨૫ ટ્રાફિક વોર્ડન અને ૮૦ જીઆરડી સ્ટાફ બંદોબસ્ત માટે તહેનાત
રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી નિમિતે યોજાતા લોકમેળામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સરળતાથી મેળો માણી શકે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના માર્ગ દર્શન હેઠળ પોલીસ બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
તા. ૧૩ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં ડીસીપી કરણરાજ વાઘેલાના સુપર વિઝન હેઠળ ત્રણ એસીપી, પાંચ પોલીસ ઇન્સ્પેકટર, ૩૧ પી.એસ.આઇ. બે મહિલા પી.એસ.આઇ. ૩૬૦ હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ ૨૦ મહિલા કોન્સ્ટેબલ, ૧૨૫ ટ્રાફિક વોર્ડન, ૩૦૦ હોમગાર્ડ જવાનો, ૮૦ જીઆરડીના જવાનો તેમજ એક કંપની એસઆરપીને બંદોબસ્તની જવાબદારી સોપવામાં આવી છે.
લોકમેળામાં સુરક્ષાને ધ્યાને રાખી ચાર એન્ટ્રી અને એકઝીટ ગેઇટ પર તેમજ ૧૬ વોચ ટાવર પર મળી કુલ ૨૪ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવનાર છે. લોકમેળાને કુલ છ સેકટરમાં પોલીસ દ્વારા વહેચણી કરવામાં આવી છે. એક સેટકરમાં એક પી.એસ.આઇ. ચાર પોલીસ કોન્સ્ટેબલ, ત્રણ મહિલા કોન્સ્ટેબલ અને ચાર હોમગાર્ડ ફરજ બજાવશે આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને મહિલા સ્કવોડ ખાનગી ડ્રેસમાં બંદોબસ્તની જવાબદારી સંભાળનાર છે.
લોકમેળાના કંટ્રોલ ‚મમાં હેડ કવાર્ટર અને પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ.ને ખાસ જવાબદારી સોપવામાં આવનાર છે. લોકમેળામાં રાત્રે ૧૧-૩૦ કલાકથી એન્ટ્રી બંધ કરાવી દેવામાં આવશે અને રાત્રે બાર વાગ્યા સુધી જ લોકમેળો ચાલુ રહેવા દેવામાં આવનાર છે.
લોકમેળામાં ફરવા આવતી વ્યક્તિના ખિસ્સામાંથી પાકીટ સેરવતી ગેંગ આવતી હોવાથી તેના પર પોલીસની બાજ નજર રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને મહિલા સ્કવોડ દ્વારા સઘન પેટ્રોલિંગની જવાબદારી સોપવામાં આવી છે.