ચાલુ વર્ષમાં ખાંડનું બમ્પર ઉત્પાદન થતા સરકારની એકસપોર્ટ સબસીડી આપવાની વિચારણા
ચાલુ વર્ષમાં ખાંડનું બમ્પર ઉત્પાદન થવાની આશા સેવાઈ રહી છે જેના સંદર્ભે દેશ માટે ખાંડ વધુ મીઠાશ લાવશે તેવું ચિત્ર પણ હાલ સ્પષ્ટપણે દેખાય રહ્યું છે. સરકાર ખાંડમાં એકસપોર્ટ સબસીડી આપવા માટે હાલ વિચાર કરી રહી હોવાનું પણ જાણવામાં આવ્યું છે સાથો સાથ ખાંડના નિકાસમાં પણ નિકાસકારોને સરકાર વધુ પ્રોત્સાહિત કરશે. પુરવઠા વિભાગના સચિવ સુધાંશુ પાંડેના જણાવ્યા મુજબ સરકાર સુગર એકસપોર્ટ સબસીડીમાં વધારો કરવા પર હાલ વિચાર કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નવેમ્બરથી એપ્રિલ માસ દરમિયાન ભારત દેશને ખાંડની નિકાસ માટે એક ઉજળી તક પણ સાંપડી છે.
વિશ્ર્વમાં ભારત બીજો મોટો દેશ છે કે જે ખાંડનું ઉત્પાદન કરે છે ત્યારે ગત ૨ વર્ષમાં જે નિકાસ સબસીડી મળવી જોઈએ તે પુરતા પ્રમાણમાં મળવામાં ન આવતા સ્ટોકમાં પણ વધારો નોંધાયો છે. સરકારનું માનવું છે કે જો એકસપોર્ટ સબસીડી ખાંડમાં નિકાસકારોને આપવામાં આવશે તો દેશને આર્થિક રીતે ઘણો ફાયદો પહોંચશે. ચાલુ વર્ષમાં ભારતે ૫.૭ મિલીયન ટનની ખાંડની નિકાસ કરી હતી ત્યારે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા મેન્ડેટરી કવોટા માત્ર ૬ મિલીયન ટનનો જ નિર્ધારીત કરવામાં આવ્યો હતો.સાથો સાથ નિકાસકર્તા ખાંડના વિક્રેતાઓનું માનવું છે કે હજુ પણ સરકાર દ્વારા જો નિકાસ પોલીસીમાં ફેરબદલ કરવામાં આવે તો દેશને અનેકઅંશે ફાયદો પહોંચી શકશે. ૩૦ ઓકટોબરના રોજ ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, સરકાર ખાંડમાં એકસપોર્ટ સબસીડીને લઈ કોઈપણ નિર્ણય હજુ સુધી લીધેલ નથી પરંતુ વધતી માંગને ધ્યાને લઈ સરકાર પુન: વિચારણા કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સાથો સાથ નિકાસકારો દ્વારા આપવામાં આવેલા પ્રપોઝરને ધ્યાને લઈ વર્ષ ૨૦૨૦-૨૧ની સીઝનમાં ખાંડના નિકાસમાં વધુ ૬ મિલીયન ટનનો વધારો કરવા પણ જણાવવામાં આવ્યું છે. સરકારનો લક્ષ્ય છે કે જે ખાંડમાં સરપ્લસ સ્ટોક થઈ રહ્યો છે જેનાથી દેશને અથવા તો નિકાસકારોને પુરતો ફાયદો મળી શકે તેમ નથી. હાલ ખાંડની માંગ દેશમાં ૨૬ મિલીયન ટનની જોવા મળે છે પરંતુ હાલ ઉત્પાદનને ધ્યાને લઈ ખાંડનું ઉત્પાદન ૩૧ મિલીયન ટનને પાર થયું છે જેથી સરકાર માટે એકસપોર્ટ સબસીડી આપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે જેથી દેશના નિકાસકારો ખાંડની નિકાસ વધુને વધુ પ્રમાણમાં કરે. બીજી તરફ ચાલુ વર્ષમાં થાઈલેન્ડ અને બ્રાઝીલમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થતા ભારત માટે એક ઉજળી તક નિકાસ માટે સાંપડી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. સરકાર મિલરોને ઈથેનોલના ઉત્પાદન કરવા માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે. સરકારનો લક્ષ્ય છે કે જો ઈથેનોલનું ઉત્પાદન ૩૬૦ કરોડ લીટરને પહોંચે તો તેમાં દેશને આર્થિક ફાયદો અનેકવિધ રીતે પહોંચશે. સરકારે પેટ્રોલમાં ઈથેનોલના બ્લેન્ડીંગ માટે પણ પરવાનગી આપી છે. સાથો સાથ લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૦ ટકાનો વધારો ઈથેનોલના ઉત્પાદનમાં નોંધાશે જયારે વર્ષ ૨૦૩૦માં તે આંકડો ૨૦ ટકાએ પહોંચશે.