નવા વિસ્તારોને મળશે અનેક સુવિધા: જમીનના ભાવ ઉંચકાશે
જુડાએ ૬ ગામોની ટીપી યોજનાની તૈયારી શરૂ કરી
જૂનાગઢમાં આજે જુડા દ્વારા ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. પત્રકાર પરિષદમાં જુડાના અધ્યક્ષ દ્વારા ૯૦ દિવસમાં સરકારી નિયમો મુજબ સર્વે સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે આજે જુડાના ચેરમેન અને મનપાના કમિશનર તુષાર સુમેરાએ જૂડાની ૬ ગામની ટીપી સ્કીમની તૈયારીઓ શરૂ કરી હોવાનું અને શાપુર ગામ માટેનો ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કર્યો હતો. પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે ૨૫ વર્ષ બાદ જૂનાગઢનો ટી.પી સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. આ અગાઉ સને ૧૯૯૩માં પહેલી વખત અને ૧૯૯૫માં બીજી વખત ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે ૨૫ વર્ષ બાદ ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવી રહ્યો છે. સરકારી નિયમોનુસાર ૯૦ દિવસની અંદર સર્વે હાથ ધરાશે અને સરકારમાં રજૂ કરવામાં આવશે. બાદમાં સરકાર આ ટીપી સ્કીમને મંજુર કરશે. ત્યારપછી અરજદારો પાસેથી ૩૦ દિવસની મુદતમાં વાંધાઓ મંગાવવામાં આવશે અને એ વાંધા સાંભળ્યા બાદ નિર્ણય જાહેર કરાશે. જે અંતર્ગત જૂનાગઢમાં જુનાગઢ ટાઉન પ્લાનર અધિકારીની પણ નિમણૂક થશે અને તે પણ આ વાંધાઓ સાંભળશે અને બાદમાં ટીપી સ્કીમ અમલમાં મુકાશે.
પત્રકાર પરિષદમાં જુડાના અધ્યક્ષ અને મનપાના કમિશનર સુમેરાએ જણાવ્યું હતું કે, જુડાની નવી ટીપી સ્કીમ લાગુ પડતાની સાથે નવા વિકસી રહેલા વિસ્તારમાં લોકોને થોડું ગુમાવવાની સામે અનેક ફાયદાઓ થશે આ ફાયદાઓમાં રસ્તાનું સુચારુ આયોજિત નેટવર્ક, સામાજિક આંતરમાળખાકીય સુવિધા, આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ, બાગ બગીચા જેવી સવલતો ઉભી થશે. સાથોસાથ સુચારું આયોજનના કારણે ટીપી સ્કીમ વાળા વિસ્તારની જમીનોના ભાવ પણ ઊચા જશે જેને લઇને જમીન માલિકોને પણ આર્થિક ફાયદા થશે સુમેરાના વધુમાં જણાવ્યા અનુસાર જુદા વિસ્તારમાં મહાનગર પાલિકા જૂનાગઢમાં સમાવિષ્ટ ૧૦ ગામો ઉપરાંત જૂનાગઢ તાલુકાના ૭ ગામો, વંથલી તાલુકાના ૩ ગામો મળી કુલ ૨૦ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં કુલ છ ટીપી સ્કીમ ડ્રાફ્ટ કરવામાં આવી છે જેમાં ટીંબાવાડી અને ચોબારી વિસ્તારની ૧૭૬.૩૦ હેકટર, ચોબારી જુનાગઢ વિસ્તારની ૨૮૭..૪૧ હેકટર, ઝાંઝરડાની ૫૮૬.૭૯ હેકટર, જોશિપુરાની ૨૨૩.૦૬ હેકટર, સુખપુરની ૩૮૪.૩૪ હેકટર અને શાપુરની ૧૭૩.૪૨ હેકટર મળી કુલ ૧૮૩૧.૩૩ હેક્ટરમાં ટીપી સ્કીમ ડ્રાફ્ટ કરવામાં આવી છે.