૧૧.૭૭ લાખ કિમીનું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી રાજ્યના અંદાજીત ૨.૮૫ લાખ મુસાફરો મુસાફરીનો લાભ લેશે
ગુજરાત એસ.ટી નિગમ દ્વારા દિવાળીના તહેવારને લઈ ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ૬ હજાર ૨૪૦ ટ્રીપ સંચાલન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સુરત તરફથી માત્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તરફનું સંચાલન કરવામાં આવશે. અન્ય જિલ્લામાંથી દાહોદ, ગોધરા, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતનું સંચાલન થશે.બસ કેપિસિટીના ૭૫ ટકા પ્રવાસીઓ સાથે મુસાફરી થઈ શકશે. નિગમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાના મુસાફરો તેમજ સુરત ખાતેના રત્ન કલાકારોને તેઓના વતનમાં જવા એસ.ટી. બસ સુવિધા પૂરી પાડવા અન્વયે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ સુરતથી ફક્ત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તથા અન્ય જિલ્લાઓમાંથી દાહોદ, ગોધરા, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું સંચાલન હાથ ધરવામાં આવશે. આગામી દિવાળીના તહેવારો નિમિત્તે યોજવામાં આવનાર એકસ્ટ્રા સંચાલન દરમિયાન મુસાફરો પાસેથી એક્સ્ટ્રા સંચાલનના નિયમોનુસાર ભાડાની વસૂલાત કરી રાજય સરકારની કોવીડ-૧૯ અન્વયેની માર્ગદર્શિકાને ધ્યાને લઇ ૭૫ ટકા બેઠક વ્યવસ્થા મુજબ સંચાલન હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નિગમ દ્વારા રાજ્યના તમામ વિસ્તારના મુસાફરોને એસ.ટી બસની સુવિધા પૂરી પાડવા અન્વયે ૬૨૪૦ ટ્રીપો થકી ૧ક.૭૭ લાખ કિમીનું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરાયુ છે જેનો રાજ્યના અંદાજીત ૨.૮૫ લાખ કરતા પણ વધુ મુસાફરો લાભ લેશે.
રાજકોટ ડિવિઝનની ૧૫૦ એકસ્ટ્રા બસો સોમવારથી લાભ પાંચમ સુધી દોડશે
દિવાળીનો તહેવાર નજીક હોય ત્યારે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા મુસાફરોના ઘસારાને પહોંચી વળવા તૈયારી આરંભી દેવાઈ છે. રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવાળી નિમિતે રાજકોટ ડિવિઝનની ૧૫૦ બસો અને ૩૦૦ ટ્રીપો દોડશે. આ તમામ ૧૫૦ બસો સોમવારથી તબક્કાવાર શરૂ થશે અને લાભ પાંચમ સુધી મુસાફરો એક્સ્ટ્રા બસોનો લાભ મેળવી શકશે. ખાસ તો સૌરાષ્ટ્ર તરફ જૂનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર અને દ્વારકાની વધુ બસો ઉપરાંત અમદાવાદ, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં બસો દોડવાશે.