અમેરિકામાં યોજાયેલી આ વખતની ચૂંટણી કેટલીક અજુગતી બાબતોથી વિશિષ્ટ બની ચૂકી છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના લોકતાંત્રીક ઈતિહાસમાં ક્યારેય નથી સર્જાયા તેવા તિવ્ર રસાકસીવાળા પ્રચાર-પ્રસાર અને ચૂંટણી પૂર્વે અને ચૂંટણી પછીની હિંસક ઘટનાક્રમને લઈને અમેરિકાનું લોકતંત્ર એક નવી જ અનઅપેક્ષિત દિશા તરફ આગળ વધી ચૂક્યું હોવાનો અણસાર ઉભો થયો છે. અમેરિકાની પ્રમુખગત લોકશાહીમાં દ્વિપક્ષીય વ્યવસ્થામાં રિપબ્લીકન અને ડેમોક્રેટીક પીપલ પાર્ટીના રૂપમાં બે જ રાષ્ટ્રીયપક્ષોને સત્તાની આપ-લેના બંધારણીય અધિકારોની વ્યવસ્થાના કારણે રાજકીય ક્ષેત્રે વધારાના પક્ષો અને કથીત લોકતાંત્રીક વ્યવસ્થાને નબળી પાડનારી રાજદ્વારી પક્ષોના મેળાવડા જેવી પરિસ્થિતિથી અમેરિકાનું રાજકારણ પર રાખવામાં આવ્યું છે. જે આજના લોકતાંત્રીક વિશ્ર્વમાં સૌથી વધુ આદર્શ માનવામાં આવે છે.
અલબત આ વખતે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને હરીફ બિડન વચ્ચે ખેલાયેલા ચૂંટણી જંગમાં બન્ને પક્ષોના ટેકેદારો વચ્ચે પ્રારંભથી જ શરૂ થયેલી ‘ખેંચતાણ’ અને ક્યાંક-ક્યાંક આરાજકતાની પરિસ્થિતિએ અમેરિકાના રાજકીય-સામાજીક ક્ષેત્રમાં ન ભૂતો ન ભવિષ્ય સર્જાય હોય તેવી અવ્યવસ્થા અને ઉનમાદની સ્થિતિ ઉભી કરી હતી. પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, શાસક પક્ષ સામે સત્તાના દૂરઉપયોગનો આક્ષેપ થઈ રહ્યો છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પરિણામને મુદ્દે દેશની વડી અદાલત સામે પણ શીંગડા ભીડવી લીધા છે. સરેરાશ સરસાઈમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે બિડેન સરસાઈથી આગળ ચાલી રહ્યાં છે. તેવા સંજોગોમાં જો ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય થાય તો પણ તેમનો પ્રભાવ સેનેટ અને દેશના ઔદ્યોગીક જગત પરથી ઓછો થાય તેમ નથી. ડોનાલ્ડ ટ્રમ્પના કિસ્સામાં હાથી જીવે તો લાખનો અને મરે તો સવા લાખનો જેવો થાય તો નવાઈ નહીં લાગે. ટ્રમ્પ પાસે કદાચ ચૂંટણીના પરાજયથી સત્તા નહીં રહે પરંતુ સત્તાનું કેન્દ્ર પોતાના હાથમાં રહે દેખાઈ રહ્યું છે. મોટાભાગની અમેરિકન રાજદ્વારી વ્યક્તિઓ પ્રમુખપદ છોડયા બાદ સામાન્ય નાગરિક તરીકે જીવતા હોય છે. અમેરિકામાં ત્રીજી વખત પ્રમુખ બનવાની બંધારણીય જોગવાઈ નથી પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ અને જીદ એવા સમીકરણોની રચના કરતા દેખાઈ રહ્યાં છે કે, ન કરે નારાયણને ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી પ્રમુખ પદ જતુ રહે તો પણ તે સત્તાનું હસ્તાંતરણ કરવામાં માનશે નહીં, પરોક્ષ રીતે સત્તાના કેન્દ્રમાં રહેવાના પ્રયત્નો કરશે જે અમેરિકાના રાજદ્વારી મુસદા અને લોકતાંત્રીક વ્યવસ્થાની તદન વિમુખ રહેશે. અત્યારે અમેરિકાનું લોકતંત્ર નવી દિશાની ત્રિભેટે આવીને ઉભુ હોય તેવું કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી.