ચંદ્રપ્રકાશની ‘ચંદ્ર કળા’ કોને આભારી!?
સોહમ સોફટવેરવાળાએ જ અવ્વલ નંબર મેળવ્યો: તંત્ર ઉંધે માથે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડી પરીક્ષા મામલે ગડબડ થયા બાદ તેમાં અનેક ઓળખીતા પાસ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાંના એક કોમ્પ્યુટર સેન્ટરના ચંદ્રપ્રકાશ શાહે ૭૬ માર્કસ મેળવી પાસ થઈ ગયા છે. તે ચંદ્રપ્રકાશની જ એજન્સીને પીએચડીના પ્રવેશ પરીક્ષાનો સોફટવેર કાઢવાનો કોન્ટ્રાકટ અપાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા એ પણ ચાલી છે કે, ચંદ્રપ્રકાશ શાહના પુત્રના નામનું સોહમ સોફટવેર એજન્સીને પીએચડી પ્રવેશ પરીક્ષામાં સોફટવેરનો કોન્ટ્રાકટ અપાયો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે કેટલાક સીન્ડીકેટ સભ્યો ઓફ ધ રેકોર્ડ આ વાતને સ્વીકારી રહ્યાં છે. ત્યારે ચંદ્રપ્રકાશની ચંદ્ર કળા કોને આભારી ? તે સવાલ ઉભો થયો છે. જો કે હજુ સત્તાવાર રીતે આ વાતને સમર્થન મળ્યું નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે સિન્ડીકેટની બેઠક મળી હતી. ત્યારે પીએચડી પ્રવેશ પરીક્ષામાં થયેલી ગડબડ મામલે કુલપતિ અને પ્રવેશ સમીતીના અધ્યક્ષ સાથે સિન્ડીકેટ સભ્યોને ગરમા-ગરમી થયાનો અહેવાલો મળી રહ્યો છે. કોંગી સિન્ડીકેટ સભ્યએ લાયસન્સ વિનાની એજન્સીને પીએચડી પ્રવેશ પરીક્ષાનું કામ સોંપાયાનું કહી પ્રવેશ પરીક્ષામાં ગડબડનો વિરોધ કર્યો હતો. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગોટાળો થયો હોવાનું સામે આવ્યું છે તે નક્કી છે. કેમ કે કેટલાક સિન્ડીકેટ સભ્યોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પીએચડી પ્રવેશ પરીક્ષામાં લોકલ કંપનીને પરીક્ષા પેપર કાઢવાનો અને સોફટવેર સંભાળવાનો હવાલો સોંપ્યો હતો. જો કે, નિયમ મુજબ આ મામલે ટેન્ડર બહાર પાડી પ્રક્રિયા હાથ ધરવી પડે. જો કે, સોહમ અને ઈનફીનીટી કંપનીને આ કોન્ટ્રાકટ આપી દેવાતા હવે આ મુદ્દો યુનિવર્સિટી જગતમાં ચર્ચાસ્પદ બન્યો છે.
આ ઉપરાંત સિક્યુરીટી લાયસન્સ વિનાની એજન્સીને પ્રવેશ કામગીરી સોંપાતા પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યાં છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, કોમ્પ્યુટર સેન્ટરમાં પ્રોગ્રામર તરીકે કામ કરતા ચંદ્રપ્રકાશ શાહના પુત્રના નામની સોહમ સોફટવેર એજન્સી હોય તો તે પોતે કઈ રીતે પરીક્ષા આપી શકે ત્યારે કંપનીના જ સોફટવેર વાળાની પીએચડીમાં સૌથી વધુ ૭૬ માર્કસ આવ્યા છે તેના પર વૈધક સવાલો ઉભા થઈ રહ્યં છે. જો કે હજુ સત્તાવાર રીતે કોઈ માહિતી સ્પષ્ટ થઈ નથી. બીજી બાજુ ચંદ્રપ્રકાશ શાહે કોમ્પ્યુટર સેન્ટર એમસીએમાંથી પીએચડીની પ્રવેશ પરીક્ષા આપી હતી અને ૭૬ માર્કસ મેળવ્યા હતા જો કે તેના ગાઈડ તરીકે સ્ટેટેસ્ટીક ભવનના એક આસી. પ્રોફેસર છે તો આ કઈ રીતે શક્ય બને ? તે પણ ચર્ચાનો મુદ્દો બને છે.
આ ઉપરાંત સિન્ડીકેટની બેઠકમાં અપુરતી લાયકાત દ્વારા પાંચ આસી. પ્રોફેસરની નિમણૂંક પણ રદ્દ કરવામાં આવી હતી અને ચારનું સિલેક્શન યથાવત રાખવામાં આવ્યું હતું.